ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ચક્રવાત


ચક્રવાત

 

ચક્રવાત : સ્થાનિક લંબની આસપાસ પૃથ્વીના ભ્રમણની દિશામાં ઘૂમતા પ્રબળ પવનો.

 

દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની દિશાએ ફરે છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તેથી અવળી દિશામાં ઘૂમે છે. આને લીધે વિષુવવૃત્ત અને ધ્રુવપ્રદેશોની વચ્ચે ઊંચા અને નીચા દબાણના પટ્ટાઓ રચાય છે. જ્યારે અમુક પ્રદેશમાં હવાનું દબાણ ઘટી જાય છે ત્યારે આજુબાજુથી ભારે દબાણની હવા ત્યાં વેગપૂર્વક ધસી આવે છે. તે સમયે હલકા દબાણવાળા હવાના જથ્થાને ભારે દબાણવાળી હવાનો જથ્થો વેગથી ઊંચે લઈ જાય છે. આ ઊંચે ને ઊંચે ચડતી હવા એ ચક્રવાતની લાક્ષણિકતા છે. આવો પવન જ્યારે ભારે વેગ પકડે ત્યારે વાતાવરણીય તોફાન પેદા કરનારો થાય છે. આવા તોફાની ચક્રવાત પોતાના માર્ગમાં આવતી ઇમારતોને તથા વૃક્ષો અને જાનમાલને મોટી હાનિ પહોંચાડે છે. ચક્રવાત વખતે પવનની ઝડપ ૮૦થી ૧૦૦ કિમી./કલાક કે તેથી વધુ રહે છે. આવો પવન જ્યારે સમુદ્ર ઉપરથી ભૂમિ તરફ વાય છે ત્યારે વરસાદ લાવે છે.

 

યુ.એસ.ના પ્રદેશમાં આવા ચક્રવાતને ‘ટૉર્નેડો’ કહે છે. વેસ્ટ ઇન્ડીઝ અને મેક્સિકોના અખાત જેવા પ્રદેશોમાં તેને ‘હરિકેન’ કહે છે. પાનખરની શરૂઆતમાં અને ઉનાળાના અંત ભાગમાં ચીની સમુદ્રમાં ઉદ્ભવતા આવા ચક્રવાતને ‘ટાયફૂન’ કહે છે જ્યારે ભારતમાં તે ચક્રવાત તરીકે ઓળખાય છે. ઑગસ્ટ, ૧૯૨૨માં ઉદ્ભવેલા સ્વૅટો ટાઇફૂનને લીધે ૫૦,૦૦૦ જેટલી જાનહાનિ થયાનો અંદાજ છે.

 

-અમલા પરીખ