ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

વૈશ્વિક માહિતીપ્રસારનો પ્રથમ પ્રયોગ


વૈશ્વિક માહિતીપ્રસારનો પ્રથમ પ્રયોગ (વિશ્વવિહાર, ડિસેમ્બર ૨૦૧૩)

 

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ‘ગુજરાતી વિશ્વકોશ’નાં ૨૫ વૉલ્યુમ્સ માટે તથા ૬૦ જેટલા વિવિધ વિષયનાં પ્રકાશનો માટે એક સમૃદ્ધ અને ઉત્તમ સંદર્ભગ્રંથોનો સંગ્રહ તેના ગ્રંથાલયમાં વિકસાવેલ છે. બહુ ઓછી વ્યક્તિને જાણ હશે કે ગુજરાત વિશ્વકોશ ગ્રંથાલય પાસે લગભગ ૪૦૦૦ ઉપરાંત વિવિધ પ્રકારના, વિવિધ દેશોમાં પ્રકાશિત, વિવિધ વિષયો ઉપરના અને વિવિધ ભાષાઓમાં વિશ્વકોશો, શબ્દકોશો, આત્મકથાઓ, જીવનચરિત્રો, થીસોરસ, નકશાઓ, આંકડાકીય માહિતી આપતાં પ્રકાશનો, વાર્ષિકો, આલ્મેનાક વગેરે સંદર્ભગ્રંથો છે. વીતેલા જમાનાઓ વિશે જાણવાનું એક માત્ર સરળ સાધન પુસ્તકો છે અને વિશ્વના આ ભૂતકાળને જાણવાની ચાવી છે. તેથી આ સંદર્ભગ્રંથો વિશે લોકો જાણે, તેમાં શું છે તેની જાણકારી મેળવે અને ભવિષ્યમાં જરૂર હોય ત્યારે આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે તે હેતુથી તથા ૧૪મી નવેમ્બર એટલે ‘બાળદિન’થી આ હેતુઓને ધ્યાનમાં રાખીને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર, ૨૦૧૩ સુધી ‘ગ્રંથાલય સપ્તાહ’ ઊજવવું તેમ નક્કી કર્યું. તેનું ઉદ્ઘાટન આપણા જાણીતા કવિ શ્રી ડૉ. ચંદ્રકાન્ત શેઠે કર્યું.

 

આ કાર્યક્રમના સંદર્ભમાં વિવિધ દિવસોએ ગ્રંથ, તેના ઉપભોક્તા તથા તેનો સામાજિક ક્રાંતિમાં અને માહિતી મેળવવા માટેના ઉપયોગસંદર્ભમાં વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો યોજવામાં આવ્યાં હતાં.

 

પહેલે દિવસે પ્રવીણ શાહે ‘સામાજિક જાગૃતિ અને ગ્રંથાલયો’ વિશે પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ‘ગ્રંથાલયો વૈચારિક ક્રાંતિમાં અગત્યનો ભાગ ભજવે છે અને વૈચારિક ક્રાંતિ સમાજમાં અણુવિસ્ફોટકનું કાર્ય કરે છે. આપણાં સાર્વજનિક ગ્રંથાલયોને ઘણા પ્રમાણમાં વિકસાવવાની જરૂર છે. ગ્રંથાલયના મહત્ત્વને જોતાં અને તેમાંથી સંપૂર્ણ માહિતી મળતી હોવાથી ચીન, રશિયા, અમેરિકા અને યુરોપના દેશોમાં ગ્રંથાલયોની સંખ્યા વધારે છે અને વિશાળ નેટવર્ક છે. હાલ વૈશ્ર્વિકીકરણ અને નવી પ્રત્યાયન ટૅક્નૉલૉજીને કારણે ગ્રંથાલયો અને પુસ્તકોનું સ્વરૂપ બદલાયું છે.

 

બીજે દિવસે શ્રી મહાદેવભાઈ દેસાઈએ ‘જ્ઞાનશક્તિ સંવર્ધન માટે વાચનઅભિમુખતા’ પર પ્રવચન આપતાં જણાવ્યું કે ‘વાંચનથી માત્ર આંખ સામેનું નહીં પણ મન સામેનું અંતર દૂર થાય છે. પુસ્તક એ માનવીનો ગુરુ છે. વાંચને આપણી ક્ષિતિજો વિકસાવી છે.’

 

ત્રીજા દિવસે ‘મને ઘડ્યો પુસ્તકોએ’ પર ડૉ. પ્રદીપભાઈ ખાંડવાલાએ પોતે વાંચેલાં પુસ્તકો દ્વારા તેમનું જીવન કેવી રીતે ઘડાયું તે જણાવતાં કહ્યું કે, ‘પુસ્તકો વ્યક્તિના ઉત્તમ મિત્રો છે અને તે દરેક ક્ષણે ઉપયોગી છે. પુસ્તકોનું વાંચન એ સંશોધન અને સર્જન માટેનો રાજમાર્ગ છે. પુસ્તકોનાં વાંચનની સાથે વ્યક્તિએ લખવું પણ જોઈએ. વ્યક્તિનો વિકાસ વાંચનની સાથે લખવાથી પણ શક્ય બને છે. વાંચન આપણને વિવેક આપી શકે છે.’

 

૧૯મી નવેમ્બરે ‘ગ્રંથ અને ગ્રંથાલયનું બદલાયેલું સ્વરૂપ’ ઉપર ડૉ. હર્ષદ એ. પટેલે વ્યાખ્યાન અને પ્રશ્ર્નોત્તરી કરેલ. જ્યારે છેલ્લે દિવસે ૨૦મી નવેમ્બરે જાણીતા કેળવણીકાર ડૉ. ભદ્રાયુભાઈ વચ્છરાજાની એ ‘ગ્રંથે ગ્રંથે શિક્ષણ’ અંગે ખાસ વ્યાખ્યાન આપેલું.

 

આ પ્રદર્શનમાં ભારતની અને વિશ્વની વિવિધ ભાષાઓના સંદર્ભગ્રંથો પ્રદર્શિત કરવામાં આવેલા છે. કેટલાક તો ૧૦૦ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલા સંદર્ભગ્રંથો છે. એક જ સ્થળે આવા વિશાળ પ્રમાણમાં એકલા સંદર્ભગ્રંથોનું પ્રદર્શન કદાચ ગુજરાતમાં પ્રથમ વખત થયું હશે. મુલાકાતિઓએ આ સંસ્થાના ગ્રંથાલયનો ઉપયોગ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. ઉપરાંત આવાં પ્રદર્શનો વારંવાર યોજાય તો ઘણાં લાભદાયી થશે તેવી ઇચ્છા ઘણા મુલાકાતીઓએ દર્શાવી છે. બાળસાહિત્યનું પ્રદર્શન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું.

 

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ નજીકના ભવિષ્યમાં અનુકૂળતા પ્રમાણે સમયાંતરે માહિતી અને જ્ઞાનને લગતા સાહિત્યના પ્રદર્શનની તથા વ્યાખ્યાનોની પ્રવૃત્તિ કરતું રહેશે તેવી આશા છે.

 

વધુમાં ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ની પ્રવૃત્તિઓનો વીડિયો જોઈને કેટલાકે જણાવ્યું કે અમે વિશ્વકોશ ટ્રસ્ટ વિશે કાંઈક થોડું જાણતા હતા પણ તેની સર્વગ્રાહી પ્રવૃત્તિઓ તથા પ્રકાશનોની જાણકારી અહીં આવ્યા પછી જ મળી.

 

એકંદરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો આ પ્રથમ પ્રયાસ પ્રવચનો, સંદર્ભગ્રંથોનાં પ્રદર્શન અને બાળકો માટેનાં પુસ્તકોનાં પ્રદર્શન અને વેચાણ અંગેનો પ્રયાસ ઉત્સાહપ્રેરક તથા ભવિષ્યમાં આ દિશામાં કાંઈક વધુ કરવાની પ્રેરણા આપે તેવો રહ્યો.

 

-પ્રવીણ શાહ