ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

આજેય પ્રસ્તુત ’દર્શક’


આજેય પ્રસ્તુત ’દર્શક’ (વિશ્વવિહાર, ઑક્ટોબર ૨૦૧૩)

 

જે માણસમાં તીક્ષ્ણ મેધા હોય, સર્જનની કુદરત દીધી બક્ષિસ હોય, વાંચન-મનન દ્વારા જેણે પોતાની વિચારસૃષ્ટિને વૈશ્વિક બનાવી હોય, સત્સંગ અને અનુભવથી જાતને સમૃદ્ધ કરી હોય, જેમની પાસે અન્યના દુ:ખથી હલી ઊઠે તેવી સિસ્મોગ્રાફ જેવી હૃદયસમૃદ્ધિ હોય, માણસની માણસાઈને પ્રગટાવે તેવી કેળવણીનો નકશો જેને વહેલો મળ્યો હોય અને એ માર્ગે ચાલવાનું સદ્ભાગ્ય મળ્યું હોય, આગવી ઇતિહાસદૃષ્ટિએ જેને ભાવિને પારખવાની ક્ષમતા આપી હોય, સ્વાર્થી કે સંકુચિત હિતોની વચ્ચે જેને સમાજ અને દેશના પ્રશ્નોને ગાંધીવિચારના સંદર્ભમાં પારખવાની વિશાળતા મળી હોય, જેને પોતાના વિચારો અને દર્શનને અસરકારક રીતે કહેતાં આવડતું હોય, પોતે જેમાં માનતા હોય તેને પ્રત્યક્ષ કરાવવા માટે જેને ઉત્તમ તકો મળી હોય તેવી વ્યક્તિઓ કેવળ પોતાના સમયમાં જ નહિ, પછીના કાળમાં પણ પ્રસ્તુત રહે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ (જ. તા. ૧૫-૧૦-૧૯૧૪)માં આવી ગુણસમૃદ્ધિ હતી, નીતર્યું દર્શન હતું, સર્જનાત્મક પ્રતિભા હતી અને વણથાક કાર્યશકિત હતી, તેથી તેઓ શતાબ્દીને અવસરે પણ પ્રસ્તુત અને પ્રેરક લાગે છે.

 

દર્શકનાં મિજાજ અને કાર્યગતિ રાજકીય ક્ષેત્રને અનુકૂળ હતાં, પરંતુ નાનાભાઈ ભટ્ટના સાંનિધ્યે અને ગાંધીજીના પ્રભાવે જીવનભર કેળવણીમાં ઠર્યા. એ નોંધપાત્ર છે કે સાહિત્ય સાથે નાતો રાખનારા કેળવણીકારો અને રચનાત્મક કાર્યકરો વધુ ખુલ્લા અને પ્રયોગશીલ રહ્યા છે, રૂઢિગ્રસ્તતામાં બંધાયા નથી. દર્શક માટે એ સો ટકા સાચું છે. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના સંચાલનમાં દર્શકનો સિંહફાળો છે. નઈ તાલીમમાં ઉદ્યોગ તરીકે ખેતી-પશુપાલનનો સ્વીકાર, ગ્રામાભિમુખ અભ્યાસક્રમોનું ઘડતર અને તેનો અમલ, સંસ્થા-સ્વાવલંબન માટે ખેતીની તજ્જ્ઞ કક્ષાની જાણકારી મેળવવી એ આદર જગવે તેવું છે. દેશભરમાં નઈ તાલીમ કરમાઈ ગઈ ત્યારે દર્શકની સંગઠ્ઠનશક્તિએ ગુજરાતમાં નઈ તાલીમને જીવંત રાખવામાં મોટો ફાળો આપ્યો છે. ગ્રામઉચ્ચશિક્ષણના દર્શનની કરોડરજ્જુ દર્શક બન્યા હતા. ચારિત્રનો અમૃતકુંભ જેમાં પાકે છે તેવી કેળવણીમાં શ્રમ, સમૂહજીવન અને સમાજાભિમુખતા કેવી રીતે પોષક બને તેનો અર્ધી સદીનો પ્રયોગ આધારિત નકશો દર્શકે પ્રત્યક્ષ કરાવ્યો છે. તેમના જીવનની ઉત્તરાવસ્થામાં માતૃધારા મુકામે અવૈધિક કેળવણીનો પ્રયોગ કર્યો તે અનેક કારણે ભલે પૂરો સફળ ન થયો, પરંતુ વિદ્યાલય લોકોની વચ્ચે જાય, લોકોનાં કૌશલ્ય અને સમજનો સમન્વય અને વિકાસ કેવી રીતે કરી શકાય તેનું નમૂનેદાર દૃષ્ટાંત તેમણે પૂરું પાડ્યું છે. હવે પછી આવો પ્રયોગ કરનાર માટે આ પ્રયોગ જરૂર પથદર્શક બનશે.

 

ગુજરાતના જાહેર જીવનમાં દર્શક એક બહુપરિમાણીય પરિબળ બની રહ્યા હતા. તેઓ ક્યારેય પોતાના સમયમાં ગેરહાજર રહ્યા નહોતા. સ્વરાજની લડત વખતે ચાર વખત જેલવાસ વેઠ્યો તેમ કટોકટીમાં પણ જેલવાસ વેઠ્યો. કટોકટીને લોકશાહીનો મૃત્યુઘંટ ગણી વિરોધ કર્યો. ગામડાના ઉત્કર્ષના પ્રશ્નો માટે તેમણે સ્વરાજની સરકારો સામે પણ બાખડી બાંધી. મુંબઈ ગુજરાતમાં રહે કે મહારાષ્ટ્રમાં, કટોકટી પછી એક પક્ષ સ્થાપવો, શિક્ષણનું રાષ્ટ્રીયકરણ, ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિની ચૂંટણી, કેળવણીનું સાચું સ્વરૂપ, વિદેશનીતિ, અર્થનીતિ વિશે તેમણે અભ્યાસપૂર્ણ, નિર્ભીક, ઇતિહાસબોધથી સમૃદ્ધ, વ્યાપક નિસબત ધરાવતો, દેશપ્રીતિવાળો અભિપ્રાય અસરકારક રીતે રજૂ કર્યો છે. બૌદ્ધિકો અને સરકારે જેની નોંધ લેવી જ પડે એવું વજનદાર પરિબળ તેઓ હતા. તેઓ કહેતા, ‘કોઈ સામે નીચી આંખે મેં વાત કરી નથી.’ જેમનો સૂર્ય સોળે કળાએ તપતો હતો તેવા મોરારજીભાઈ સામે પણ નહિ. હિન્દુત્વના સાંકડા અને મચડેલા ખ્યાલથી સત્તા હાંસલ કરવાના પ્રયત્નો થયા ત્યારે દર્શકે બેધડક સાચું હિન્દુપણું એટલે શું તે સાધાર અને સ્વસ્થપણે સમજાવ્યું હતું. ‘સાદો હિન્દુ ધર્મ’ પુસ્તિકામાં એનું સબળ આલેખન પણ કર્યું. હિન્દુત્વની સંકુચિત મનોવૃત્તિવાળાઓ તેમને આવા લેખન માટે ગાળો દેતા પત્રો લખતા, પણ તેઓ અવિચલિત રહેતા.

 

દર્શકનું નિબંધલેખન અભ્યાસયોગ્ય છે. વિચારની સમૃદ્ધિ, દર્શનની સ્પષ્ટતાને કારણે પક્ષોની મર્યાદા, રાજનીતિ, વિદેશનીતિ, સમાજગતિશાસ્ત્ર, આયોજનની ગતિ, ગ્રામસમાજનો ઉત્કર્ષ, રચનાત્મક કાર્ય, સર્વોદયવિચાર, કેળવણી, લોકશાહી, સ્વરાજધર્મ વિશે સતત લખતા-બોલતા રહ્યા. દર્શકે સમાજના વિવિધ વર્ગો વચ્ચે અભિપ્રાયઘડતર માટે જે ફાળો આપ્યો છે તેથી તેઓ સ્વીકૃત વડીલ બની રહ્યા હતા. આજે જાહેરજીવન વિશે લખનારા ઘણા બધા ટૂંકા સ્વાર્થો માટે ઘડી ઘોડે ને ઘડી પેગડે કરે છે તે જોઈએ ત્યારે સમજાય છે કે દર્શકનો અવાજ કેવો નિર્ભીક હતો, તેમની વિચારની સ્પષ્ટતા કેવી મૂળભૂત હતી અને જીવનમૂલ્યોની પ્રતીતિ કેટલી દૃઢ હતી.

 

દર્શક પાસે આગવી ઇતિહાસદૃષ્ટિ હતી. ઇતિહાસનું આકંઠ અધ્યયન તો કરેલું હતું જ, પરંતુ ઇતિહાસનો બોધપાઠ વર્તમાનના પ્રશ્નોને ઉકેલવાનું અને ભાવિના માર્ગો સરળ કરવાનું કેમ કરી શકે તેનું નિરૂપણ તેમણે સતત કર્યું છે. ‘આપણો વારસો અને વૈભવ’ પુસ્તક દ્વારા સાંસ્કૃતિક ઇતિહાસની વિભાવના તેમણે સ્પષ્ટ કરી આપી છે. આવા નિરૂપણવાળું પુસ્તક કદાચ, ગુજરાતમાં આ એકમાત્ર છે. જેની બહુ નોંધ નથી લેવાઈ તેવું નોંધપાત્ર કાર્ય ધોરણ ૫-૬-૭ના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો (પૌરાણિક કાળથી વર્તમાનકાળ સુધીનાં) વાર્તા રૂપે લખાવ્યાં તે છે. વિદ્યાર્થીઓ વાર્તારૂ‚પે ઇતિહાસ ભણે અને જીવનમૂલ્યો તથા બોધપાઠ પામે એવાં આ પાઠ્યપુસ્તકો ગુજરાતના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોનું ઉજ્જ્વળ પ્રકરણ છે. એ પરંપરા ચાલુ રહી હોત તો ગુજરાતના વિદ્યાર્થીઓની દૃષ્ટિ જરૂ‚ર વધુ વિકસિત થઈ હોત. વિચારક દર્શકની અભિવ્યક્તિમાં જે સૌંદર્ય, સરળતા, સચોટતા છે તેમાં સર્જક દર્શકનો ઘણો ફાળો છે.

 

સર્જક ‘દર્શક’ ગુજરાતી સાહિત્યનું અવિસ્મરણીય પ્રકરણ છે. તેમની નવલકથાઓએ ઐતિહાસિક નવલકથાની વિભાવનાને ઉત્તમ રીતે પ્રગટ કરી છે, નવું શિખર બતાવ્યું છે. ઐતિહાસિક કાળને આટલો અને આવી રીતે બહુ ઓછા લેખકો ગુજરાતીમાં પ્રત્યક્ષ કરાવી શક્યા છે. દર્શકની ઐતિહાસિક નવલકથાઓમાં ‘ઇતિહાસ રસ’ (ટાગોર) પ્રગટ થાય છે. મનોભાવોની સૂક્ષ્મતાને પ્રગટ કરતી દર્શકની વર્ણનકળા કાયમ નોંધપાત્ર રહેશે. દર્શકની ભાષાનું લાલિત્ય અને ઉક્તિબળ સ્મરણીય છે. સૌંદર્ય અને જીવનની સમજથી આગવાં બની રહેતાં દર્શકનાં નારીપાત્રો, સમજણના વડલા જેવા, તપ અને પ્રજ્ઞાથી શોભતાં વૃદ્ધ પાત્રો દર્શકની સર્જનાત્મિકતાનાં પરિચાયક છે. ‘દીપનિર્વાણ’, ‘સૉક્રેટિસ’, ‘ઝેર તો પીધાં છે’ (ત્રણ ભાગ), ‘કુરુક્ષેત્ર’ વગેરે નવલકથાઓ ગુજરાતી નવલકથાની સિદ્ધિ અને સિદ્ધિરૂ‚પ છે. દર્શકની તમામ નવલકથાઓમાં યુદ્ધ હોય છે. યુદ્ધને તેઓ પાંચમું સત્ય ગણાવે છે. તેમાંય ‘ઝેર તો પીધાં છે’ ના ત્રીજા ભાગમાં આવતાં યુદ્ધવર્ણનો ગુજરાતી નવલકથામાં અનેક રીતે અદ્વિતીય ગણી શકાય તે કક્ષાનાં છે. એની સાચી કદર થવી હજુ બાકી છે. યુદ્ધની વચ્ચે માનવતાને જાળવતાં, જાણીને ઝેર પીને અન્યને અમૃત આપતાં તેમનાં પાત્રો માનવજીવનની હૃદયલીલાને અને હૃદયસમૃદ્ધિને પ્રગટાવનારાં છે. દાવાનળ વચ્ચેય અમૃતકુંભને જાળવનારાં આ પાત્રો માત્ર ભાવનાશીલ કે માત્ર આદર્શવાદી નથી, ઊંડી સમજદારી અને માનવતાથી પ્રેરાઈને વિપત્તિ અને કરુણતા વચ્ચે અડીખમ રહેનારાં છે. માનવગૌરવનાં શિખરોનું દર્શન કરાવનારાં છે. નવલકથાકાર દર્શક નહિ ભુલાય.

 

દર્શક પોતાને નાટ્યલેખક નથી ગણાવતા; પરંતુ દર્શકનાં ‘પરિત્રાણ’, ‘અંતિમ અધ્યાય’, ‘વસ્ત્રાહરણ’ વગેરેનાં નાટકો મંચનના પ્રશ્નો ઉકેલનાર દિગ્દર્શક મળે તો ભરપૂર નાટ્યકામ અને અસરકારક નીવડે તેવાં છે એ સિદ્ધ થઈ ચૂક્યું છે. આવા ઉત્તમ સર્જક, વિચારનિષ્ઠ મનીષી, શ્રેષ્ઠ કર્મપુરુષ દર્શક પ્રચંડ મનોઘટનાશીલ પુરુષ હતા. તેમનો લોકશાહી પ્રેમ, સામાજિક નિસબત, કેળવણીના સાચા સ્વરૂપને અવતારવાનો પુરુષાર્થ અને ગુજરાતભરના વિવિધ ક્ષેત્રના ઉત્તમ કાર્યકર્તાઓને હૂંફ આપવાની સહજ શક્તિને કારણે તેઓ સર્જકોમાં આગવા હતા. કર્મક્ષેત્રમાં અનન્ય હતા. તેમને મળેલા પુરસ્કારો કરતાં તેઓ મોટા હતા.

 

-મનસુખ સલ્લા