ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

જિનવિજયજી


જિનવિજયજી (જ. ૨૭ જાન્યુઆરી ૧૮૮૮, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. ૩ જૂન ૧૯૭૬) :

જિનવિજયજી (જ. ૨૭ જાન્યુઆરી ૧૮૮૮, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. ૩ જૂન ૧૯૭૬) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ આકર્ષાયા અને તેમણે શ્વેતાંબર પંથની દીક્ષા લીધી હતી. તે વખતે તેમણે જિનવિજય નામ ધારણ કર્યું હતું.

 

પાટણના જૈનાચાર્ય કાન્તિવિજયજી પાસે સંસ્કૃત-પ્રાકૃત અભ્યાસ કર્યો. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૯૨૦માં થતાં તેના પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે જોડાયા અને અહીં તેમણે આઠ વરસ સુધી કામ કર્યું. અહીંથી તે આચાર્ય જિનવિજયજી તરીકે જાણીતા થયા. પ્રાચ્ય વિદ્યાના સંશોધનમાં અહીં તેમણે રસ લીધો અને ભારતની વિવિધ ભાષાઓનું તથા યુરોપીય ભાષાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. કેટલાક દુર્લભ ગ્રંથોનું સંપાદન કરીને તે પ્રસિદ્ધ કર્યા.

 

૧૯૧૯માં પુણેમાં અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદ(All India Oriental Conference)નું અધિવેશન ભરાયું. અહીં તેમણે આચાર્ય હરિભદ્રસૂરિના કાલનિર્ણય અંગેના સંસ્કૃતમાં લખાયેલા લેખનું વાચન કર્યું. તેમણે પ્રતિપાદિત કરેલ કાલનિર્ણયને પ્રખર જર્મન વિદ્વાન હરમન જેકોબીએ સમર્થન આપ્યું. ઘણા મહાન પ્રાચ્યવિદ્ વિદ્વાનો તેમની વિદ્વત્તા અને સંશોધનપદ્ધતિથી પ્રભાવિત થયા અને વધુ અભ્યાસ માટે આમંત્રણ મળતાં તેઓ ૧૯૨૮માં જર્મની ગયા. ત્યાંથી પાછા ફર્યા બાદ (૧૯૨૯) તેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો. તેમને છ માસની સજા થઈ હતી. તેમની રાહબરી નીચે ‘પુરાતત્ત્વ’ માસિક/ત્રૈમાસિક શરૂ કરાયું.

 

૧૯૩૨માં તેઓ રવીન્દ્રનાથ ટાગોરના આમંત્રણથી શાંતિનિકેતન ગયા. અહીં રહીને જૈન જ્ઞાનપીઠની સ્થાપના કરી અને ૧૯૩૬ સુધી અધ્યાપન કર્યું. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનમાં પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ અને સિંધી જૈન ગ્રંથમાળાના મુખ્ય સંપાદક હતા. પ્રાચ્ય વિદ્યાના સંશોધક તરીકે તેઓ દેશવિદેશમાં ખ્યાતિ પામ્યા. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યનું અધ્યયન-સંશોધન વિવિધ સ્થળોએ રહેલા ગ્રંથભંડારોમાંની હસ્તપ્રતોને આધારે કરેલું છે.

 

તેમનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો : જૈનતત્ત્વસાર (સં. ૧૯૭૧), વિજ્ઞપ્તિત્રિવેણી (સં. ૧૯૭૨), રાજશેખરસૂરિનો પ્રબંધકોશ (૧૯૩૫), પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા ૧, ૨; ૧૯૧૮, ૧૯૨૨), ગુજરાતના ઇતિહાસના સાધનસંગ્રહ (ભાગ ૧, ૨), ઉક્તિ રત્નાકર, રાજસ્થાન પુરાતત્ત્વમંદિરના હસ્તલિખિત ગ્રંથોની સૂચિ (૧૯૫૦), રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુરના સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનું સૂચિપત્ર (ભાગ ૧, ૨, ૧૯૬૩-૬૪), પાલિ ભાષાનો શબ્દકોશ ‘અભિધાનદીપિકા’, પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (૧૯૩૧) વગેરે છે.

 

તેઓ જર્મન ઓરિયેન્ટલ સોસાયટી, ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત સાહિત્ય સભા અને વિશ્વેશ્વરાનંદ વૈદિક શોધ પ્રતિષ્ઠાન (હોશિયારપુર) જેવી સંસ્થાઓના સભ્ય હતા.

 

જોધપુરમાં આવેલા રાજસ્થાન ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તે માનાર્હ સંચાલક હતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલિ, ભારતીય વિદ્યા ગ્રંથાવલિ, જૈન સાહિત્ય સંશોધક ગ્રંથાવલિ, રાજસ્થાન પુરાતત્ત્વ ગ્રંથમાળા વગેરેના તે પ્રમુખ સંપાદક હતા. ૧૯૬૧માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ની ઉપાધિથી નવાજી બહુમાન કર્યું હતું. રાજસ્થાન સાહિત્ય અકાદમીએ ૧૯૬૪માં તેમને ‘મનીષી’ની પદવી આપી તેમનું ગૌરવ કર્યું હતું. તેમણે મોટા ભાગનું જીવન પ્રખર અધ્યાપક અને સંશોધક તરીકે ગાળ્યું હતું.

 

-શિવપ્રસાદ રાજગોર