Categories
પ્રવૃત્તિકેન્દ્રો

ગુજરાતીલૅક્સિકન

રતિભાઈ ચંદરયાનાં ત્રણ દાયકાનાં અથાગ મહેનત અને પરિશ્રમને પરિણામે ગુજરાતી લૅક્સિકન શબ્દકોશ તૈયાર થયો છે. ગુજરાતી ભાષાનો સૌથી મોટો, પ્રથમ અને સર્વગ્રાહી ઑનલાઇન શબ્દકોશ એટલે ગુજરાતીલૅક્સિકન.કોમ https://www.gujaratilexicon.com.

13 જાન્યુઆરી, 2006ના રોજ પ્રસિદ્ધ લેખિકા શ્રી ધીરુબહેન પટેલના હસ્તે મુંબઈ ખાતે ગુજરાતી ભાષાના સૌથી મોટા અને પ્રથમ ડિજિટલ શબ્દકોશનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતી અને એની અસ્મિતાનું સંવર્ધન કરતી એક વિશિષ્ટ ઘટના વિશ્વકોશભવનમાં ૧૨ મે, ૨૦૨૨ના દિવસે સર્જાઈ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે ગુજરાતી લૅક્સિકન જોડાયું અને એ રીતે ગુજરાતી શબ્દસાગર અને જ્ઞાનસાગરનું સંગમતીર્થ રચાયું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું,

‘જેની આગળ માતૃ લાગે તે સર્વોચ્ચ સ્થાને જ હોવું જોઈએ, એમાં વચ્ચે કોઈ ન હોઈ શકે. ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લૅક્સિકન એ બે પરમ સેવકો આજે અહીં એક સાથે ભેગા થયા છે….. આજે જ્યારે જ્ઞાનની ક્ષિતિજો સતત વિસ્તરી રહી છે ત્યારે નવી માહિતી અને નવા જ્ઞાનને ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાની શિક્ષણવિદો, ભાષાવિદો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારની સામૂહિક જવાબદારી છે. આ દિશામાં ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લૅક્સિકન બંનેએ ગુજરાતી ભાષામાં કોઈએ ન કરી હોય એવી ઉદાહરણરૂપ કામગીરી કરી છે.’

એક જ ધ્યેયને વરેલી બે સંસ્થાઓનો આ વિરલ સંયોગ છે. ગુજરાતી ભાષાના સૌથી મોટા પૉર્ટલ એવા ઑનલાઇન ગુજરાતી લૅક્સિકનની સાથે ગુજરાતી ભાષામાં ગુજરાત, ભારત અને વિશ્વ વિશેના ૨૬ જેટલા ગ્રંથોનાં ૨૬,૦૦૦ પૃષ્ઠોમાં ૧૭૦ જેટલા વિષયોનાં ૨૪,૦00થી પણ વધુ અધિકરણો(લખાણ) આજે ઑનલાઇન ઉપલબ્ધ છે. ગુજરાતી લૅક્સિકન શબ્દ આપે અને વિશ્વકોશ એ વિશેની માહિતી અને જ્ઞાન આપે એવી વિરલ જુગલબંદી યોજાઈ.

વિશ્વકોશ, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતી લૅક્સિકને પોતાનો ફાળો આપ્યો છે.

૨.૮૧ લાખ શબ્દો ધરાવતા ગુજરાતી ભાષાના ઐતિહાસિક સીમાસ્તંભ સમાન ‘ભગવદગોમંડલ’ને ડિજિટલાઇઝ કરી વેબસાઇટ અને મોબાઇલ એપ સ્વરૂપે ભાષાપ્રેમીઓ માટે રજૂ કરવામાં આવેલ છે. યુએસ કૉંગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કૅટલૉગમાં ગુજરાતી ભાષાના સીમાચિહનરૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતી લૅક્સિકનમાં આવેલા વિવિધ શબ્દકોશની આંકડાકીય માહિતી જોઈએ.

શબ્દકોશ  આંકડાકીય માહિતી
અંગ્રેજી-ગુજરાતી ૬૫,૧૪૮
ગુજરાતી-અંગ્રેજી૪૮,૯૦૫
ગુજરાતી-ગુજરાતી૫,૨૬,૨૨૫
હિન્દી-ગુજરાતી૩૭,૯૯૧
મરાઠી-ગુજરાતી૨૫,૮૫૫
રૂઢિપ્રયોગ૨૧,૭૮૩
કહેવતસંગ્રહ૧૫,૨૯૮
શબ્દસમૂહ માટે એક શબ્દ૪,૭૫૮
પર્યાયવાચી શબ્દો૬,૮૬૬
વિરુદ્ધાર્થી શબ્દકોશ૧૦,૪૫૮

ભાષા એક વહેતી નદી જેવી હોવાથી તેમાં અવારનવાર નવા શબ્દો ઉમેરાતા જાય છે અને ભાષા સમૃદ્ધ બનતી જાય છે. તેથી આ નવા શબ્દો સાચવી આવનારી પેઢીને આવા શબ્દથી માહિતગાર કરવાના ઉદ્દેશથી લોકભાગીદારી દ્વારા ‘લોકકોશ’ નામના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી અને અત્યાર સુધીમાં માન્ય ગુજરાતી-કોશમાં ના હોય તેવા ૧૦૦૦થી વધુ શબ્દોને ‘લોકકોશ’ના પ્લૅટફૉર્મ દ્વારા સાચવવામાં આવ્યા છે.

ગુજરાતી લૅક્સિકન પ્રકલ્પનું આકાશ ફક્ત ગુજરાત કે ભારત પૂરતું સીમિત ન રહેતાં તેણે વિવિધ ભાષાઓનો પણ પોતાનામાં સમાવેશ કર્યો છે. global.gujaratilexicon.com દ્વારા ગુજરાતી-ચાઇનીઝ, ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ફ્રેન્ચ શબ્દકોશ મળશે; તો વળી swahililexicon.com દ્વારા સ્વાહિલી ભાષા વિશેની જાણકારી પણ મેળવી શકાશે.

વિદેશમાં જઈ વસેલા ગુજરાતીઓની આવનારી પેઢીને ભાષાનો આ અમૂલ્ય વારસો માણવા મળે તે હેતુથી શરૂ કરાયેલ ‘લેટ્સ લર્ન ગુજરાતી’ પ્રકલ્પ આજે NRGઓમાં અતિ પ્રિય બન્યો છે.

વેબસાઇટ ઉપર આવેલ સાહિત્ય વિભાગમાં તમે પુસ્તકોના રિવ્યૂ, ગુજરાતી ઈબુક્સ, ગુજરાતી સામયિકો, દૈનિકપત્રો, ગુજરાતી સાહિત્યગોષ્ઠિ માણી શકો છો. આ ઉપરાંત યૂથકૉર્નર વિભાગમાં તમે વિવિધ લેખ, કવિતા, શાયરી, ગઝલ, વાર્તા વગેરે માણી શકો છો. વિશેષમાં સાઇટ ઉપર તમે વિવિધ ક્વિઝ, ક્રૉસવર્ડ, પઝલ, ઉખાણાં, શબ્દ શોધો જેવી રમતો, વિવિધ માહિતીથી સભર વીડિયો, સુવિચાર વગેરે વિપુલ જ્ઞાનરાશિ આપણને પ્રાપ્ત થાય છે. વળી દર વર્ષે ‘વર્ડ ઑફ ધ યર’ નામની એક સ્પર્ધાનું પણ આયોજન થાય છે. અત્યારે જે પુસ્તકોને સો વર્ષથી વધુ વર્ષ થઈ ગયાં હોય તેવાં પુસ્તકોને ડિજિટલાઇઝ કરાવી ગુજરાતી લૅક્સિકનની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યાં છે.

45 લાખથી વધુ શબ્દો ધરાવતી આ વેબસાઇટની આશરે રોજના પાંચથી છ હજાર મુલાકાતીઓ દેશવિદેશમાંથી મુલાકાત લે છે.

આ ઉપરાંત યૂથકૉર્નર, બ્લોગ, વીડિયો, એક્સપ્લોર ગુજરાત જેવાં વિવિધ માધ્યમ થકી આજની યુવા પેઢી અને ભાષાપ્રેમીઓને એક મંચ ઉપર સાથે લાવી ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને વારસાનો પ્રચાર-પ્રસાર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતી લૅક્સિકનના વૉટ્સએપ ગ્રૂપ કે સોશિયલ મીડિયા પર જોડાઈ રોજનો એક નવો શબ્દ અને સુવિચાર પણ મેળવી શકો છો અને તેનાથી વ્યક્તિ પોતાનું શબ્દભંડોળ વધારી શકે છે.

ગુજરાતી લૅક્સિકન અને તેના અન્ય પ્રકલ્પોની વેબસાઇટ લિંક :

ગુજરાતી લૅક્સિકનwww.gujaratilexicon.com
ભગવદગોમંડલwww.bhagavadgomandal.com
લોકકોશlokkosh.gujaratilexicon.com
ગ્લોબલ ગુજરાતી લૅક્સિકનglobal.gujaratilexicon.com
સ્વાહિલી લૅક્સિકનswahililexicon.com
લેટ્સ લર્ન ગુજરાતીletslearngujarati.com

હવે ગુજરાતી લૅક્સિકનનું કાર્ય ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે. અત્યારે આ વેબસાઇટ ઉપર ઘણાં પુસ્તકો સ્કેન કરીને મૂકવામાં આવ્યાં છે.

ગુજરાત, ભારત ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, ઑસ્ટ્રેલિયા, જર્મની, કૅનેડા, ફ્રાંસ, સ્વીડન, કેન્યા વગેરે જેવા દેશોમાંથી પણ ભાષાના ચાહકો આ વેબસાઇટની મુલાકાત લે છે.

આ પ્રકલ્પનો મુખ્ય હેતુ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના માધ્યમ મારફત ગુજરાતી ભાષાની જાળવણી કરવાનો, તેને લોકપ્રિય બનાવવાનો અને તેનો વિકાસ કરવાનો છે.