Categories
પરિચય

સંપાદકમંડળ

ગ્રંથ 1થી 25ના અધિકરણોના સંપાદકો (1985થી 2009)

વિજ્ઞાન (શુદ્ધ અને પ્રયુક્ત)

વિભાગીય સંપાદક : ડૉ. જ. દા. તલાટી

ડૉ. જગદીશ પો. ત્રિવેદી, પ્રા. ગિરીશભાઈ પંડ્યા, ડૉ. અરુણભાઈ વૈદ્ય, પ્રા. શિવપ્રસાદ મણિશંકર જાની,  ડૉ. પ્રહલાદભાઈ બે. પટેલ, ડૉ. શિલીન નં. શુક્લ, પ્રા. પ્રહલાદ છ. પટેલ, ડૉ. વિહારી મ. છાયા, પ્રા. બળદેવભાઈ પટેલ, પ્રા. રામચંદ્ર યશવંત ગુપ્તે

માનવવિદ્યાઓ

વિભાગીય સંપાદક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ

ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રા. વિનોદચંદ્ર પ્રતાપરાય ત્રિવેદી, ડૉ. પ્ર. ઉ. શાસ્ત્રી, ડૉ. દશરથલાલ ગૌરીશંકર વેદિયા, ડૉ. પ્રીતિ શાહ, ડૉ. નલિની દેસાઈ, શ્રી અમિતાભ મડિયા

સમાજવિદ્યાઓ, વાણિજ્ય, ઉદ્યોગ અને વ્યવસ્થાપન

વિભાગીય સંપાદક : પ્રા. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

પ્રા. રમેશ ભાઈલાલભાઈ શાહ, ડૉ. જયકુમાર ર. શુક્લ, પ્રા. રક્ષા મહેન્દ્ર વ્યાસ, ડૉ. થૉમસ બેરત્રામ પરમાર, શ્રી જિગીષ નાનુભાઈ દેરાસરી, પ્રા. નીતિન કોઠારી

આ ગ્રંથશ્રેણીના આયોજનમાં સહાયરૂપ અન્ય તજજ્ઞો

વિજ્ઞાન

ડૉ. પ્રમોદ અંગ્રેજી, ડૉ. ભરતકુમાર લા. આવસત્થી,  ડૉ. ઝીણાભાઈ શા. કાત્રોડિયા, ડૉ. અમૃતભાઈ વ. ગજ્જર, બ્રિગેડિયર પ્રકાશચંદ્ર ચતુર્વેદી, ડૉ. કાન્તિલાલ ગ. જાની, પ્રિ. વિનુભાઈ જાની, પ્રા. હરેશ જ. જાની, ડૉ. પૂનમભાઈ મ. તળપદા, ડૉ. ઇન્દુભાઈ દવે, ડૉ. જયંતીભાઈ મો. દવે, પ્રા. જનાર્દન વા. દવે, પ્રા. વ્રિજવિહારી દી. દવે, ડૉ. અશોક મ. પટેલ, ડૉ. સુશ્રુત મો. પટેલ, વૈદ્ય શ્રી બળદેવપ્રસાદ પનારા, ડૉ. સુધીરભાઈ પંડ્યા, ડૉ. પરંતપ પાઠક, ડૉ. જ. પુ. ભટ્ટ, ડૉ. પ્રફુલ્લ દ. ભાવસાર, શ્રી પ્રકાશ રામચંદ્રન્, ડૉ. એ. આર. રાવ, ડૉ. ઉપેન્દ્ર મ. રાવળ, શ્રી ગોવિંદપ્રસાદ વૈદ્ય, ડૉ. પ્રહલાદ ચુ. વૈદ્ય, શ્રી મ. ઝ. શાહ, પ્રા. રશ્મિકાન્ત ન. શુક્લ.

સંપાદકો : ડૉ. જગદીશ ત્રિવેદી, ડૉ. જયંતીલાલ જ. ત્રિવેદી, ડૉ. મહાદેવ શિ. દુબળે, ડૉ. હરિત દેરાસરી, પ્રા. એરચ મા. બલસારા, ડૉ. ચંદ્રકુમાર કાન્તિલાલ શાહ, પ્રા. સુરેશ ર. શાહ. ડૉ. પ્રવીણસાગર સત્યપંથી

સમાજવિદ્યાઓ

ડૉ. કૃષ્ણમૂર્તિ મ. કુલકર્ણી, ડૉ. દાઉદભાઈ અ. ઘાંચી, પ્રા. હસમુખરાય કે. ત્રિવેદી, પ્રિ. પ્રફુલ્લચંદ્ર ર. દેસાઈ, ડૉ. રમણલાલ ક. ધારૈયા, ડૉ. મધુસૂદન બક્ષી, ડૉ. અરવિંદ ભટ્ટ, ડૉ. રમણલાલ ના. મહેતા, ડૉ. જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક, પ્રિ. રજનીકાન્ત વ્યાસ, ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, પ્રા. દિનેશ મૂ. શુક્લ, ડૉ. બિપિનભાઈ મૂ. શુક્લ, પ્રા. પ્રવીણ ન. શેઠ.

સંપાદકો : પ્રા. નવનીત દવે, ડૉ. પ્રવીણચંદ્ર ચીમનલાલ પરીખ, પ્રા. દેવવ્રત ના. પાઠક, ડૉ. શિવપ્રસાદ રાજગોર, ડૉ. ર. લ. રાવલ, પ્રા. ધીરુભાઈ વેલવન, પ્રા. હેમંત દશરથલાલ શાહ

માનવવિદ્યાઓ

પ્રા. મેહબૂબહુસેન એ. અબ્બાસી, ડૉ. એહમદહુસેન નૂ. કુરેશી, ડૉ. ઝિયાઉદ્દીન અ. દેસાઈ, શ્રી જયેન્દ્ર નાણાવટી, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. ધીરુ પરીખ, પ્રા. ગોવર્ધન પંચાલ, શ્રી હસમુખ બારાડી, પ્રા. મોહિયુદ્દીન બૉમ્બેવાલા, પ્રા. નિરંજન ભગત, પ્રા. ચન્દ્રવદન મહેતા, શ્રી વાસુદેવ મહેતા, ડૉ. દલસુખભાઈ માલવણિયા, પ્રા. અનંતરાય મ. રાવળ, પ્રા. રવીન્દ્ર વસાવડા, ડૉ. યોગેન્દ્ર વ્યાસ.

સંપાદકો : ડૉ. મહેશ ચોકસી, પ્રા. રમણીકભાઈ જાની, શ્રી કૃષ્ણવદન જેટલી, ડૉ. ચન્દ્રકાન્ત મહેતા, પ્રા. નટવરલાલ શિ. યાજ્ઞિક, પ્રા. વીણા શેઠ

Categories
પરિચય

વિશેષતા

આ કોશ સર્વસંગ્રાહક સ્વરૂપનો હોવાથી એમાંની માહિતી વ્યાપક સ્વરૂપની હોય તે સ્વાભાવિક છે. વિસ્તાર સાથે ઊંડાણ પણ હોય છે. ગુજરાતને લગતી માહિતી વિગતવાર ઊંડાણથી રજૂ થયેલી છે. ગુજરાતનો પરિચય પરદેશી અને અન્ય ભારતીય ભાષાઓના વિશ્વકોશમાં અત્યંત સીમિત અને અછડતો જોવા મળે છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને ગુજરાત વિશે અભ્યાસ કરવો હોય તો તે વિષયનાં સર્વ પાસાંને સમાવતી સંપૂર્ણ માહિતી આ વિશ્વકોશમાંથી ઉપલબ્ધ થાય તેમ છે. આ વિશ્વકોશમાં મૂકેલાં ગુજરાત વિશેનાં લખાણો ઉપરથી ‘ગુજરાત’નો દળદાર ગ્રંથ તૈયાર થઈ શક્યો છે અને તેની અત્યાર સુધીમાં આઠ આવૃત્તિઓ થઈ છે તે આ વિધાનની સત્યતાની સાક્ષી પૂરે છે. ગુજરાત, ભારત અને વિશ્વ – એમ ત્રણે વિશેની સામગ્રી આમાં આપવામાં આવી.

ગુજરાતી વિશ્વકોશની બીજી વિશેષતા એ છે કે તેમાં કીટકશાસ્ત્ર, ઔષધનિર્માણશાસ્ત્ર, વનસ્પતિરોગશાસ્ત્ર અને સલામતી સેવાઓ જેવા વિષયો કે વિષયજૂથો સમાવવામાં આવ્યાં છે, જે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવા વિશ્વકોશમાં જોવા મળતાં નથી.

ગુજરાતી વિશ્વકોશની ઐતિહાસિક ગણાય એવી એક સિદ્ધિ એ છે કે તેમાં વ્યાપક ફલક પર શક્ય તેટલા તમામ વિષયોનું જ્ઞાન ગુજરાતી ભાષામાં પ્રથમ વાર ઉપલબ્ધ કરી શકાયું છે. આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્ત્ર)ના તમામ વિષયોનું ખેડાણ સૌપ્રથમ વાર આ વિશ્વકોશમાં થયેલું જોવા મળશે. એવી જ રીતે ઇજનેરી, અંતરીક્ષવિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિવિધ વિષયોનું મોટા પાયા પર ખેડાણ અહીં થયેલું જોવા મળશે. તેને પરિણામે લગભગ દરેક વિષયમાં ઓછાવત્તા પ્રમાણમાં નવા પારિભાષિક શબ્દો ગુજરાતી ભાષાને ભેટ મળેલા છે. જેમ કોઈ પ્રચંડ પ્રતિભાશાળી સર્જક મોટા પાયા પરની સર્જનપ્રક્રિયા દરમિયાન ભાષાનું ખેડાણ કરીને તેની નિરૂપણક્ષમતા એકાએક વધારી દે, લગભગ તેવું આ વિશ્વકોશના પ્રયોગથી ગુજરાતી ભાષાનું બન્યું હોય તેમ લાગે છે. દરેક ગ્રંથને અંતે ગ્રંથમાં વપરાયેલ પારિભાષિક શબ્દોની યાદી મૂકેલી છે તે પરથી આ બાબત સ્પષ્ટ થશે. વિશ્વકોશ ગ્રંથશ્રેણીના પચીસ ગ્રંથોની સાથે સાથે 1થી 9 ગ્રંથોનું નવસંસ્કરણ થતું રહ્યું અને તે દ્વારા અદ્યતન માહિતી આપવામાં આવી. આ માહિતી ઉમેરવામાં એક હજાર પાનાં વધ્યાં તેથી આજે આ ગ્રંથશ્રેણીના છવ્વીસ ગ્રંથો પ્રકાશિત થયેલા છે.

આ વિશ્વકોશની માંડણી વર્ણાનુક્રમે થયેલી છે તેથી બધા જ વિષયોનાં અધિકરણો અકારાદિક્રમે છૂટાં છૂટાં ગોઠવાયેલાં છે. તેને લીધે વિષયનો સંપૂર્ણ અને અલાયદો ખ્યાલ કદાચ લેવો મુશ્કેલ થાય તે ધ્યાનમાં રાખીને, તમામ અધિકરણોની વિષયવાર યાદી વિશ્વકોશના ભૂમિકાખંડમાં આપવામાં આવી છે; જે સમગ્ર શ્રેણીના વ્યાપનો ખ્યાલ આપવા ઉપરાંત પ્રત્યેક વિષયનું નિરૂપણ કેટલું યથાર્થ ને સુગ્રથિત છે તેનો પણ ખ્યાલ આપે તેમ છે. દરેક ગ્રંથને અંતે એ ભાગમાં વપરાયેલી પરિભાષા ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી એમ બંને રીતે વર્ણાનુક્રમે ગોઠવીને મૂકવામાં આવી છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપનાનો હેતુ એવો છે કે દુનિયાભરનું જ્ઞાન તમને એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય. આ સંસ્થાનો ધ્યેયમંત્ર છે ‘ज्ञानामृतं भोजनम्.’ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક શ્રી ચંદ્રકાન્ત શેઠે ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને વિશ્વકોશ ગીત લખ્યું છે. જેનું સ્વરાંકન જાણીતા ગાયક અને સ્વરકાર શ્રી અમર ભટ્ટે કર્યું છે. વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમ પૂર્વે આ કાર્યની વિભાવના અને ભાવના વ્યક્ત કરતું વિશ્વકોશ-ગીત પ્રસ્તુત થાય છે.

વિશ્વકોશ-ગીત

            અહીં જ્ઞાનસૂર્ય સંચરે,

                         આપણું ચિત્ત પ્રકાશિત કરે…

            અહીં જ્ઞાનયજ્ઞ સહુ કરે,

                         ચિત્તનું વિશ્વ વિકાસિત કરે…

            શબ્દ-પ્રકાશે, અર્થ-ઉજાશે,

                         તર્ક-મર્મના સહજ વિકાસે,

                         જ્ઞાનામૃત નિર્ઝરે….

                         અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે…

            ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,

            વિશ્વકોશની એવી સૃષ્ટિ

                         તમસ-તાપ સંહરે…

                         અંતરે સુખ સમજણનું ઠરે…

            રેવા-જળ-શી શક્તિદાયિની,

            સત્ય-સંમુદા-મુક્તિદાયિની

                         ‘વિશ્વવિહાર’ જ કરે…

                         શીલ-સત્વ સંભરે…

                         ગુર્જરી

                         વિશ્વરૂપને વરે !…

— ચંદ્રકાન્ત શેઠ

આજે તો ‘ગુજરાતી વિશ્વકોશ’ના તમામ ગ્રંથો ઑનલાઇન મુકાઈ ગયા છે.

‘ગુજરાતી વિશ્વકોશ’ની વિશિષ્ટતાઓ :

* ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ, એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક એન્સાઇક્લોપીડિયા

* 170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

* એક હજાર પૃષ્ઠનો એક એવા છવ્વીસ ગ્રંથોની શ્રેણી

* ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સઘન અધિકૃત પરિચય

* ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી

* વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન

* પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધીની વિદ્યાકીય સંસ્થાઓ, પુસ્તકાલયો, બૅન્કો, વીમા કંપનીઓ, સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયી સંસ્થાઓને તત્કાળ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાનસાધન

* ભારતનાં વિવિધ રાજ્યોમાં તેમ જ વિદેશમાં વસતાં ગુજરાતીભાષી કુટુંબોને માટે સાંસ્કૃતિક અસ્મિતાના સેતુરૂપ ગ્રંથશ્રેણી

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શરૂઆતમાં આગોતરા ગ્રાહકની યોજના કરી હતી. ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અને અનેક વ્યક્તિઓ આગોતરા ગ્રાહક બની હતી. એ નોંધવું જોઈએ કે ‘ગુજરાતી વિશ્વકોશ’ના સર્વપ્રથમ આગોતરા ગ્રાહક ગુજરાતના તત્કાલીન વિધાનસભાના સ્પીકર સ્વ. ધીરુભાઈ શાહ હતા.

ગુજરાતના સંતો, સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ વગેરેના સહયોગથી ગુજરાતી વિશ્વકોશના 1997 સુધીમાં આઠ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા હતા. વિશ્વકોશની સતત ચાલતી રહેતી પ્રવૃત્તિને લક્ષમાં રાખીને ગુજરાત સરકારે તેના પ્રકાશનખર્ચમાં સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી. શ્રેષ્ઠીઓ અને સેવાભાવીઓએ વિશ્વકોશની રચના માટે સ્વયંભૂ સહયોગ આપ્યો, તેને કારણે કમ્પ્યૂટર જેવાં અદ્યતન ઉપકરણો વસાવી શકાયાં. ગ્રંથાલય સમૃદ્ધ થયું. સંશોધન, પરિસંવાદો અને ચર્ચાસભાઓ માટે અનુકૂળતા થઈ. વર્તમાન વિશ્વકોશભવન નિર્માણ પામ્યું છે. અમદાવાદના ઉસ્માનપુરામાં ગુજરાત સરકારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને આશરે 2726 ચોમી. જમીન વિનામૂલ્યે આપી. શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, દાનવીર શ્રી દીપચંદ ગારડી, મુંબઈના ઉદ્યોગપતિ શ્રી પ્રતાપ ભોગીલાલ, શ્રી પ્રવીણચંદ્ર ગંભીરચંદ, હરિ ૐ આશ્રમ, શ્રી પ્રકાશ ભગવતી, શ્રી સંવેગ લાલભાઈ, શ્રી સી. કે. મહેતા, શ્રી નવનીતભાઈ શાહ, શ્રી ગૌરવ શેઠ, શ્રી નીતિન શુક્લ વગેરેના સહયોગથી અનેક પ્રવૃત્તિઓ અને ભવનના કેન્દ્રની રચના થઈ. આજનું વિશ્વકોશભવન મે, 2005માં નિર્માણ પામ્યું અને અત્યારે તેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

Categories
પરિચય

ભાવિ આયોજન

વિશ્વકોશની મુખ્ય પ્રવૃત્તિ એ કોશરચનાની છે અને તેના સ્થાપનાકાળથી એક યા બીજી રીતે આ કાર્ય સતત આગળ ધપતું રહ્યું છે. એનું પ્રથમ લક્ષ્ય ગુજરાતને એનો પહેલો વિશ્વકોશ આપવાનું હતું જે સુપેરે સિદ્ધ કર્યું. એ પછી બીજમાંથી જેમ વટવૃક્ષ થાય તે રીતે બાળવિશ્વકોશ, પરિભાષાકોશ વગેરેનું સર્જન થયું. ગુજરાતી ભાષામાં તૈયાર થયેલો વિશ્વકોશ સતત અપડેટ થતો રહે છે. બાળવિશ્વકોશને પણ ઑનલાઇન મૂકવાની યોજના છે.

બૃહદ નાટ્યકોશ :

વિશ્વકોશ દ્વારા ભરત દવેલિખિત બૃહદ નાટ્યકોશના બે ગ્રંથો પ્રકાશિત થયા છે અને અત્યારે એના ત્રીજા તથા ચોથા ગ્રંથનું કામ ચાલી રહ્યું છે.

સંતકોશ :

ગુજરાતી વિશ્વકોશ દ્વારા શ્રી દલપત પઢિયાર અને શ્રી પી. સી. પરીખના સંપાદન હેઠળ સંતકોશ તૈયાર થઈ રહ્યો છે અને જુદી જુદી સંતપરંપરાના વિદ્વાનોનો આમાં સહયોગ સાંપડ્યો છે. આ વિષયના ઊંડા મર્મજ્ઞ શ્રી વસંત ગઢવીનો પણ અમને સાથ મળ્યો છે.

પરિભાષાકોશ (મેડિકલ) :

ગુજરાતી વિશ્વકોશના મેડિકલ વિષયનાં અધિકરણોનું લેખન અને પરામર્શન કરનાર ડૉ. શિલીન શુક્લ દ્વારા ‘કૅન્સર’ની માહિતી આપતું લોકોપયોગી પુસ્તક પ્રગટ થયું હતું. જેની સારી એવી આવૃત્તિ થઈ. વિશ્વકોશ પ્રત્યેની એમની ચાહના એટલી બધી હતી કે તેઓ મેડિકલ સાયન્સની પરિભાષાનો વિસ્તૃત કોશ કરતા હતા. છેલ્લે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ આ કાર્ય કરતા હતા અને લગભગ તે પૂર્ણાહુતિને આરે આવ્યું અને એમણે વિદાય લીધી. અત્યારે વિશ્વકોશ એના પ્રકાશનને માટે આયોજન કરી રહ્યું છે.

વિજ્ઞાનકોશ :

શ્રી ચિંતન ભટ્ટ દ્વારા વિજ્ઞાનકોશનું કાર્ય ચાલી રહ્યું છે.

નારીકોશ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ 1850 પછી વિવિધ ક્ષેત્રોમાં આગવી પ્રતિભા ધરાવનારી નારીપ્રતિભાઓને અનુલક્ષીને નારીકોશ તૈયાર કરે છે. વળી આ નારીકોશમાં પોતાની સૂઝ કે મૌલિક વિચારથી નવો ચીલો પાડનારી મહિલાઓની વાત સામેલ કરવામાં આવી છે. અત્યારે તેનું લેખનકાર્ય પૂર્ણ થયું છે. થોડા સમયમાં તેનું પ્રકાશન થશે.

ગ્રંથાલય વિજ્ઞાનકોશ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષામાં ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનો વિશ્વકોશ તૈયાર કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. મૂળ અંગ્રેજી ભાષામાં ખેડાયેલા આ વિષય માટે ગુજરાતી ભાષામાં અધિકૃત સંદર્ભગ્રંથની સતત ખોટ વરતાતી રહી છે. ગ્રંથાલય વિજ્ઞાનની વિદ્યાશાખાના શિક્ષણની શરૂઆતથી આ વિષયમાં ગુજરાતી ભાષામાં અધિકૃત ગ્રંથોની જરૂરિયાત રહી છે. આ દિશામાં કેટલાક પ્રયત્નો પણ થતા રહ્યા છે. છતાં અધિકૃત સંદર્ભગ્રંથની સતત ખોટ રહી છે. ગ્રંથાલય (library) ગ્રંથાલયિત્વ (Librarianship)નાં મૂળ અત્યંત પ્રાચીન-અસુરબાનીપાલના ગ્રંથાલય સુધી વિસ્તરેલાં છે. ગ્રંથાલય વિજ્ઞાન સાથે માહિતીવિજ્ઞાન, માહિતી ટૅકનૉલૉજી અને માહિતી પ્રત્યાયનનો વિનિયોગ થતો રહ્યો છે. આથી ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનું વિષયવિશ્વ (Universe of Subjects) સતત વિકસતું રહ્યું છે. આ સમગ્ર વિષયવિશ્વને આ – ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના વિશ્વકોશમાં આવરી લઈને ગુજરાતી ભાષામાં અધિકૃત સંદર્ભગ્રંથ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ડાયસ્પોરા કેન્દ્ર :

અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં વસતા ગુજરાતી સર્જકોની પ્રતિભા દર્શાવતું ‘ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થાય છે. તેના પગલે હવે ડાયસ્પોરા કેન્દ્રની વિશ્વકોશ દ્વારા સ્થાપના થશે. જેમાં ગુજરાતની બહાર વસતા સર્જકોનું સાહિત્ય સંગ્રહિત કરવામાં આવશે અને એ વિષયમાં જેમને એમ.ફિલ. કે પીએચ.ડી. કરવું હોય તેમને જરૂરી સંદર્ભો પૂરા પાડવામાં આવશે. વળી દરિયાપારના દેશોમાંથી આવતા ગુજરાતીના સર્જકો માટે ગોષ્ઠિનું આયોજન પણ થશે.

બાળકો માટે વીડિયો :

વિદેશમાં વસતાં ગુજરાતી બાળકો માટે ગુજરાતી વ્યાકરણ, સમાસ, સંધિ વગેરેનાં વીડિયો પ્રવચનો પણ ઉપલબ્ધ થશે. પોડકાસ્ટ ઉપરથી પણ તેના કાર્યક્રમોની જાણ થાય તેવો પણ એક ઉપક્રમ રાખવામાં આવ્યો છે.

આ રીતે માતૃભાષા ગુજરાતીના સંવર્ધનને માટે અને વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓને એની માતૃભાષા ગુજરાતી આત્મસાત્ કરવા મળે એવો આ સંસ્થાનો ઉદ્દેશ છે અને એથી જ વિદેશમાં વસતા ગુજરાતી પરિવારનાં બાળકો ઘણી વાર ગુજરાતી ભાષાથી વંચિત હોય છે અને તેથી આવાં બાળકો બોલચાલની ભાષાના શબ્દો અને વાક્યો શીખી શકે તેમજ ગુજરાતી ભાષા બોલી શકે તેના માટે વીડિયો તૈયાર થઈ રહ્યો છે. આ માટે વિદેશોમાં માતૃભાષાના પ્રસારનું કાર્ય કરનાર શ્રી જગદીશ દવેનો પણ આમાં સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત એના નિર્માણ માટે દીપ્તિ જોશી, પિંકી પંડ્યા, મૈત્રી શાહ અને અલ્પા શાહ કાર્ય કરી રહ્યાં છે.

આ રીતે 1985ની બીજી ડિસેમ્બરે સ્થપાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે જુદા જુદા વિષયોના કોશોની રચના ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. વળી આ પ્રવૃત્તિઓ માટે દાનની કોઈ જાહેર અપીલ કરી નથી; પરંતુ સમાજના સંતો, ઉદ્યોગપતિઓ, દાનવીરો, અધ્યાપકો અને શ્રોતાઓએ અહીં સ્વયંભૂ દાન આપ્યું છે. વળી આ સંસ્થા કોઈ પણ વાડામાં બંધાયા વિના મુક્ત રીતે મોકળાશથી કાર્ય કરી રહી છે અને એને પરિણામે જ આ સંસ્થા ગુજરાતનું એક ધબકતું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહી છે.