ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

‘મમીના રોગો’થી આધુનિક ઉપચાર


‘મમીના રોગો’થી આધુનિક ઉપચાર (વિશ્વવિહાર, જાન્યુઆરી ૨૦૧૪)

 

મમી ભલે મૃતદેહો હોય પરંતુ આજે પણ આપણને ઘણું શીખવી જાય છે. ખાસ કરીને પ્રાચીનકાળમાં પ્રવર્તતા રોગો કયા કયા હતા અને તેની જાણકારીની મદદથી આજે પ્રવર્તતા તે રોગોના ઉપચારમાં શું સુધારો કરી શકાય તે જાણી શકાય છે.

 

મમીની સાથે ઇજિપ્તના જગવિખ્યાત પિરામિડો આપણી નજર સમક્ષ આવે છે. ઇજિપ્તના અનેક રાજા-મહારાજા, રાણીઓ વગેરેના મમીકૃત મૃતદેહોને પિરામિડોમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. પરંતુ મમીકૃત મૃતદેહોને સચાવવાનો રિવાજ માત્ર ઇજિપ્તમાં જ હતો તેમ ન હતું. ઘણા દેશોમાં આ રિવાજ હતો. તેની પાછળ ઘણી વાતર્ઓિ પણ જોડાયેલી હતી.

 

સૌથી પ્રાચીન ઇજિપ્શિયન મમી કુદરતી રીતે મૃતદેહોને જે પયર્વિરણમાં તેને દાટવામાં આવતા હતા તેમાંથી બનતા હતા. ઈસવીસન પૂર્વે ૩૫૦૦ પહેલા આમ થતું હતું. પરંતુ આપણે કુદરતી મમીથી બહુ પરિચિત નથી, પણ કૃત્રિમ મમીથી પરિચિત છીએ. ઇજિપ્તમાં દ્વિતીય રાજવંશ (૨nd dynasty) દરમિયાન લગભગ ઈસવીસન પૂર્વે ૩૪૦૦માં કૃત્રિમ રીતે મૃતદેહોને મમીકૃત કરવાની રૂઢિ પડી હતી. તે મૃત માનવીનો રૂઢિગત રીત હતી. ચતુર્થ રાજવંશ (૪th dynasty) દરમિયાન લગભગ ઈસવીસન પૂર્વે ૨૬૦૦માં ઇજિપ્તના Zએમ્બાલ્મર્સ’ ખરા અર્થમાં મૃતદેહોને મમીકૃત કરવા લાગ્યા. તેઓ તેમાં મૃતદેહોનાં આંતરડાં બહાર કાઢી લેતા હતા. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં evisceration (ઈવિસરેશન) કહે છે. તે પછી મૃતદેહને જુદાં જુદાં ખનીજો અને તેલોમાં સાચવવામાં આવતો હતો.

 

ટૂંકમાં, મમી એવા મૃતમાનવી કે પ્રાણી છે જેમની ચામડી અને અવયવો ઇરાદાપૂર્વક કે આકસ્મિક રીતે રસાયણો દ્વારા, અતિશય ઠંડક, બહુ જ ઓછું ભેજમાન, હવાની ઊણપ દ્વારા સચવાયેલ હોય. તેથી શરીર ઠંડી અને સૂકી સ્થિતિમાં રાખવામાં આવે તો તે વધારે વિઘટન પામશે નહીં. કેટલાક લોકો મમીનો અર્થ એવા મૃતદેહો માટે કરે છે જેમાં તે રસાયણોથી ‘એમ્બાલ્મ’ કર્યા હોય. મૃતદેહોને રસાયણથી લાંબા સમય સુધી સાચવી રાખવાની પ્રક્રિયાને ‘એમ્બાલ્મ’ કહે છે.

 

પરંતુ આપણે મમી વિશે લાંબું વર્ણન કરવું નથી. આપણે તો મમીમાંથી પૂરા રોગ-ચિકિત્સાવૈજ્ઞાનિકો(Paliopathologists)એ મમી જેના મૃતદેહો છે તે માનવીને થયેલા રોગો વિશે જાણકારી મેળવવી છે.

 

૨૦૧૩ના વર્ષની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ ૧૩૭ મમીના સીટીસ્કેન પ્રસિદ્ધ કર્યા. તે પ્રાચીન ઇજિપ્શિયનો અને પેરૂવિએનોનાં મમી હતાં. દક્ષિણ-પશ્ર્ચિમ અમેરિકાના પ્યુઅબ્લોઅન્સ અને ઓલઈયુશિયન ટાપુઓના શિકાર માટે રઝળતી અને એકઠી કરતી (hunter-gatherer) ઉનાન્ગન જાતિના લોકોનાં મમીનો સમાવેશ થાય છે. તેમાંના ૩૪ ટકામાં ‘એથેરોસ્ક્લેરોસિસ’(atherosclerosis)નાં ચિહ્નો જોવા મળ્યાં છે. આ એવો રોગ છે જેમાં હૃદયની ધમનીમાં ચરબી જામી જાય છે. જેમાં મોટા ભાગે કૉલેસ્ટરોલ હોય છે. તેના કારણે હાર્ટઍટેક આવી શકે છે અથવા તો પક્ષાઘાતનો હુમલો થઈ શકે છે. દરેક મમીના જૂથમાં આ સ્થિતિ જોવા મળે છે. ‘સ્વીસ મમી’ પ્રોજેક્ટમાં ૩૦થી ૫૦ ટકામાં આ સ્થિતિ જોવા મળી છે. આ તારણ સૂચવે છે કે આજે ‘એથેરોસ્ક્લેરોસિસ’ જોવા મળે છે તે આધુનિક જીવનપદ્ધતિ જેવી કે વધારે પડતું ખાવું, ચરબીવાળો ખોરાક લેવો, બેઠાડુ જીવન જેવાં કારણો કરતાં જનીનીય (genetic) કારણો કે જે દુનિયામાં લગભગ બધે જ જીવિત માણસોમાં હાજર હોય છે તે હોવાં જોઈએ. કોઈ દિવસે આ જનીનોની ઓળખ હૃદયરોગની નવી દવાને શોધવા પ્રતિ દોરી જશે.

 

આ ઉપરાંત બીજો રોગ ક્ષયરોગ (ટીબી) છે. આજે પણ દર વર્ષે તે ૧૪ લાખ લોકોને તે મોતને ઘાટ ઉતારે છે. સંશોધનકારો મમીના ડીએનએ ક્રમ (DNA sequence) અને સીટી સ્કેનનો ઉપયોગ કરીને કેવી પરિસ્થિતિમાં ક્ષયરોગ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો તે જાણવા માંગે છે. આપણે જાણીએ છીએ કે ડીએનએ સર્પિલ આકારનો મહાઅણુ છે. તે આપણા શરીરના કોષોના કેન્દ્રમાં હોય છે. તે આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિનો સ્રોત છે.

 

કેટલાક તજ્જ્ઞોના મતે યુરોપિયનો અમેરિકામાં ક્ષયરોગ(ટીબી)ને લાવ્યા હોવા જોઈએ. પ્રાથમિક ડેટા અણસાર આપે છે કે પેરૂવિયનને ક્ષયરોગના બૅક્ટેરિયા ‘માઇક્રો બૅક્ટેરિયમ ટ્યુબરકુલોસીસ’ (Microbacterium tuberculosis)નો ચેપ લાગ્યો હોવો જોઈએ. આ ચેપ હળવો હોવો જોઈએ. ઘણા અભ્યાસો પરથી તારવ્યું છે કે મધ્ય અમેરિકનોના યુરોપિયનોના સંપર્ક પહેલાંના અને પછીના મૃતદેહોમાં ભાગ્યે જ ક્ષયરોગનાં ચિહ્નો જોવા મળ્યાં છે. તજ્જ્ઞના મતે ‘માઇક્રોબૅક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ’ બૅક્ટેરિયા લોહની હાજરીમાં અતિવૃદ્ધિ પામે છે. તેનું કારણ મધ્યઅમેરિકનો ઓછા લોહવાળો ખોરાક ખાતા હતા. જો તે સાચું હોય તો તે એક નવી દવા સૂચવે છે.

 

વૈજ્ઞાનિકોએ ડીએનએ ક્રમનો ઉપયોગ ‘ચાગાઝડીસીઝ’ની જાણકારી મેળવવા કર્યો છે. તે આદિજીવ જેને ‘પ્રોટોઝુઆ’ કહે છે તેનાથી થાય છે. તે પેરાસાઇટ (પરજીવી) છે તેનું નામ ‘ટ્રાયપાનોસોમા ક્રુઝિ’ છે તેનાથી હાર્ટફેઇલ થઈ શકે છે અને પાચનતંત્રના અવયવોમાં સોજો આવે છે. તેનો ચેપ દર વર્ષે એક કરોડ લોકોને લાગે છે. તેમાંના મોટાભાગના લૅટિન અમેરિકામાં જોવા મળે છે. તજ્જ્ઞોએ ૨૦૦૮માં જાણ્યું કે બ્રાઝિલમાં ૫૬૦ વર્ષ જૂના મમીકૃત શરીરમાં મોટા આંતરડાના નીચેના ભાગ(કોલોન)માં ‘ટ્રાયપાનોસોમા ક્રુઝિ’ મળ્યા છે. તે પહેલા તેમણે તે પેરાસાઇટ ૪૦૦૦થી ૭૦૦૦ વર્ષો પહેલાંના હાડકામાં મળ્યાં હતા. જુદા જુદા નમૂનાના પેરાસાઇટના ડીએનએને સરખાવી તેની ઉત્ક્રાંતિ વિશે અને તેના ફેલાવા વિશે વધારે જાણી શકીએ. તે કદાચ તેના ઉપચાર પર અસર પાડી શકે છે.

 

પૂરા રોગ-ચિકિત્સા વિજ્ઞાનીઓ હવે મમીની તપાસ કરવા એમઆરઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે.

 

-વિહારી છાયા