વિશ્વકોશની મુખ્ય પ્રવૃત્તિ એ કોશરચનાની છે અને તેના સ્થાપનાકાળથી એક યા બીજી રીતે આ કાર્ય સતત આગળ ધપતું રહ્યું છે. એનું પ્રથમ લક્ષ્ય ગુજરાતને એનો પહેલો વિશ્વકોશ આપવાનું હતું જે સુપેરે સિદ્ધ કર્યું. એ પછી બીજમાંથી જેમ વટવૃક્ષ થાય તે રીતે બાળવિશ્વકોશ, પરિભાષાકોશ વગેરેનું સર્જન થયું. ગુજરાતી ભાષામાં તૈયાર થયેલો વિશ્વકોશ સતત અપડેટ થતો રહે છે. બાળવિશ્વકોશને પણ ઑનલાઇન મૂકવાની યોજના છે.
વિશ્વકોશ દ્વારા ભરત દવેલિખિત બૃહદ નાટ્યકોશના બે ગ્રંથો પ્રકાશિત થયા છે અને અત્યારે એના ત્રીજા તથા ચોથા ગ્રંથનું કામ ચાલી રહ્યું છે.
ગુજરાતી વિશ્વકોશ દ્વારા શ્રી દલપત પઢિયાર અને શ્રી પી. સી. પરીખના સંપાદન હેઠળ સંતકોશ તૈયાર થઈ રહ્યો છે અને જુદી જુદી સંતપરંપરાના વિદ્વાનોનો આમાં સહયોગ સાંપડ્યો છે. આ વિષયના ઊંડા મર્મજ્ઞ શ્રી વસંત ગઢવીનો પણ અમને સાથ મળ્યો છે.
ગુજરાતી વિશ્વકોશના મેડિકલ વિષયનાં અધિકરણોનું લેખન અને પરામર્શન કરનાર ડૉ. શિલીન શુક્લ દ્વારા ‘કૅન્સર’ની માહિતી આપતું લોકોપયોગી પુસ્તક પ્રગટ થયું હતું. જેની સારી એવી આવૃત્તિ થઈ. વિશ્વકોશ પ્રત્યેની એમની ચાહના એટલી બધી હતી કે તેઓ મેડિકલ સાયન્સની પરિભાષાનો વિસ્તૃત કોશ કરતા હતા. છેલ્લે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ આ કાર્ય કરતા હતા અને લગભગ તે પૂર્ણાહુતિને આરે આવ્યું અને એમણે વિદાય લીધી. અત્યારે વિશ્વકોશ એના પ્રકાશનને માટે આયોજન કરી રહ્યું છે.
શ્રી ચિંતન ભટ્ટ દ્વારા વિજ્ઞાનકોશનું કાર્ય ચાલી રહ્યું છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ 1850 પછી વિવિધ ક્ષેત્રોમાં આગવી પ્રતિભા ધરાવનારી નારીપ્રતિભાઓને અનુલક્ષીને નારીકોશ તૈયાર કરે છે. વળી આ નારીકોશમાં પોતાની સૂઝ કે મૌલિક વિચારથી નવો ચીલો પાડનારી મહિલાઓની વાત સામેલ કરવામાં આવી છે. અત્યારે તેનું લેખનકાર્ય પૂર્ણ થયું છે. થોડા સમયમાં તેનું પ્રકાશન થશે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષામાં ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનો વિશ્વકોશ તૈયાર કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. મૂળ અંગ્રેજી ભાષામાં ખેડાયેલા આ વિષય માટે ગુજરાતી ભાષામાં અધિકૃત સંદર્ભગ્રંથની સતત ખોટ વરતાતી રહી છે. ગ્રંથાલય વિજ્ઞાનની વિદ્યાશાખાના શિક્ષણની શરૂઆતથી આ વિષયમાં ગુજરાતી ભાષામાં અધિકૃત ગ્રંથોની જરૂરિયાત રહી છે. આ દિશામાં કેટલાક પ્રયત્નો પણ થતા રહ્યા છે. છતાં અધિકૃત સંદર્ભગ્રંથની સતત ખોટ રહી છે. ગ્રંથાલય (library) ગ્રંથાલયિત્વ (Librarianship)નાં મૂળ અત્યંત પ્રાચીન-અસુરબાનીપાલના ગ્રંથાલય સુધી વિસ્તરેલાં છે. ગ્રંથાલય વિજ્ઞાન સાથે માહિતીવિજ્ઞાન, માહિતી ટૅકનૉલૉજી અને માહિતી પ્રત્યાયનનો વિનિયોગ થતો રહ્યો છે. આથી ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનું વિષયવિશ્વ (Universe of Subjects) સતત વિકસતું રહ્યું છે. આ સમગ્ર વિષયવિશ્વને આ – ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના વિશ્વકોશમાં આવરી લઈને ગુજરાતી ભાષામાં અધિકૃત સંદર્ભગ્રંથ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં વસતા ગુજરાતી સર્જકોની પ્રતિભા દર્શાવતું ‘ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થાય છે. તેના પગલે હવે ડાયસ્પોરા કેન્દ્રની વિશ્વકોશ દ્વારા સ્થાપના થશે. જેમાં ગુજરાતની બહાર વસતા સર્જકોનું સાહિત્ય સંગ્રહિત કરવામાં આવશે અને એ વિષયમાં જેમને એમ.ફિલ. કે પીએચ.ડી. કરવું હોય તેમને જરૂરી સંદર્ભો પૂરા પાડવામાં આવશે. વળી દરિયાપારના દેશોમાંથી આવતા ગુજરાતીના સર્જકો માટે ગોષ્ઠિનું આયોજન પણ થશે.
વિદેશમાં વસતાં ગુજરાતી બાળકો માટે ગુજરાતી વ્યાકરણ, સમાસ, સંધિ વગેરેનાં વીડિયો પ્રવચનો પણ ઉપલબ્ધ થશે. પોડકાસ્ટ ઉપરથી પણ તેના કાર્યક્રમોની જાણ થાય તેવો પણ એક ઉપક્રમ રાખવામાં આવ્યો છે.
આ રીતે માતૃભાષા ગુજરાતીના સંવર્ધનને માટે અને વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓને એની માતૃભાષા ગુજરાતી આત્મસાત્ કરવા મળે એવો આ સંસ્થાનો ઉદ્દેશ છે અને એથી જ વિદેશમાં વસતા ગુજરાતી પરિવારનાં બાળકો ઘણી વાર ગુજરાતી ભાષાથી વંચિત હોય છે અને તેથી આવાં બાળકો બોલચાલની ભાષાના શબ્દો અને વાક્યો શીખી શકે તેમજ ગુજરાતી ભાષા બોલી શકે તેના માટે વીડિયો તૈયાર થઈ રહ્યો છે. આ માટે વિદેશોમાં માતૃભાષાના પ્રસારનું કાર્ય કરનાર શ્રી જગદીશ દવેનો પણ આમાં સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત એના નિર્માણ માટે દીપ્તિ જોશી, પિંકી પંડ્યા, મૈત્રી શાહ અને અલ્પા શાહ કાર્ય કરી રહ્યાં છે.
આ રીતે 1985ની બીજી ડિસેમ્બરે સ્થપાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે જુદા જુદા વિષયોના કોશોની રચના ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. વળી આ પ્રવૃત્તિઓ માટે દાનની કોઈ જાહેર અપીલ કરી નથી; પરંતુ સમાજના સંતો, ઉદ્યોગપતિઓ, દાનવીરો, અધ્યાપકો અને શ્રોતાઓએ અહીં સ્વયંભૂ દાન આપ્યું છે. વળી આ સંસ્થા કોઈ પણ વાડામાં બંધાયા વિના મુક્ત રીતે મોકળાશથી કાર્ય કરી રહી છે અને એને પરિણામે જ આ સંસ્થા ગુજરાતનું એક ધબકતું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહી છે.