ચહેરા પર ગમે તેટલી કરચલીઓ પડી હોય તોપણ માનશો નહીં કે તમે વૃદ્ધ થયા છો ! ચિંતા એટલી જ કરવાની છે કે આપણા આત્મા પર તો કરચલીઓ પડી નથી ને ! માણસ જ્યારે જિંદગી જીવવાનો હેતુ, ઉત્સાહ અને ધગશ ગુમાવે છે, ત્યારે એની પાસે માત્ર શ્વાસ લેતું શરીર બાકી રહે છે, પણ એની ઝળહળતી આતમજ્યોત બુઝાઈ જાય છે. આવી વ્યક્તિ અકાળે વૃદ્ધ થઈ જાય છે.
ઉંમર એ ઘડપણનો પુરાવો નથી. વ્યક્તિનાં વિચાર અને વલણો એ ઘડપણનું ઓળખપત્ર છે. એના વિચારો સ્થગિત થઈ જાય અને એનું વલણ નકારાત્મક બની જાય, જૂની ઘરેડમાં ચાલવાનું વિચારે ત્યારે માનવું કે એણે જીવનનો હેતુ ગુમાવ્યો છે. રૂઢ પરંપરાના ચીલે ચાલનાર માર્ગ ચાતરવાની નવા માર્ગે ચાલવાની શક્તિ ખોઈ બેસે છે. એના વિચાર સમય જતાં ઠૂંઠવાઈ જાય છે.
હેતુ ગુમાવનારી વ્યક્તિ ક્રમશ: જીવનરસ ગુમાવે છે. એના મન પર નિરાશા અને હૃદયમાં હતાશા પલાંઠી જમાવીને બેઠી હોય છે, આથી કોઈ પણ કાર્ય કરતી વખતે એને કંટાળો આવશે. ગમે તેવો સારો વિચાર એને વ્યર્થ અને અર્થહીન લાગશે અને નિષ્ક્રિય રહેવું એ જ એનું નિશ્ચિત વલણ બનશે.
આવા માનવીનો આત્મા ઘરડો થઈ જાય છે અને એના પર કરચલીઓ ઊપસી આવે છે. પોતાના કામ પ્રત્યે એણે લગાવ કેળવવો જોઈએ. જો લગાવ નહીં હોય તો કામ એને માટે બોજરૂપ બનશે. ખરેખર તો વ્યક્તિએ પોતાના જીવનનો હેતુ વિચારવો જોઈએ. પોતે કોણ છે ? શું પામ્યો છે ? અને શું મેળવવા ચાહે છે ? એ ત્રણ પ્રશ્નો એણે એની જાતને સતત પૂછવા જોઈએ.
આ પ્રશ્નો સાચો ઉત્તર જ એને જીવનનું પ્રયોજન આપશે અને આ જીવનને હેતુપૂર્વક જીવવાનો ઉત્સાહ બક્ષશે.
કુમારપાળ દેસાઈ