જલિયાંવાલા બાગ હત્યાકાંડ


ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં ૧૨૦૦નાં મૃત્યુ થયાં તથા ૩૬૦૦ જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં ૧૯૧૯માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું થતાં જ સરકારે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રૉલેટ કાયદો પસાર કર્યો. લગભગ તમામ બિનસરકારી સભ્યો તથા મોટા ભાગના રાજકીય પક્ષોના સખત વિરોધ છતાં સરકારે પોતાની બહુમતીથી કેન્દ્રીય ધારાસભામાં અન્યાયી રૉલેટ કાયદો માર્ચ, ૧૯૧૯માં પસાર કરાવ્યો. આ કાયદા પ્રમાણે અપરાધીઓ સામે દાવો ચલાવવા ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી અદાલતની જોગવાઈ કરવામાં આવી. આ અદાલતે ફરમાવેલી સજા સામે અપરાધીને અપીલ કરવાની છૂટ ન હતી. આ ધારા મુજબ પ્રાંતિક સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકતી તથા આ માટે કારણો આપ્યા વગર તેને યોગ્ય લાગે તેટલો સમય કારાવાસમાં રાખી શકતી. આવી વ્યક્તિને અપીલ કરવાનો કોઈ હક હતો નહિ.

આ ધારાના અમલ સામે મહાસભા તથા મુસ્લિમ લીગ સહિતના મોટા ભાગના પક્ષોએ પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો. મહાસભા તથા ગાંધીજીના આદેશ મુજબ આ જુલમી ધારા સામે ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૧૯ના રોજ દેશભરમાં સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળોનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હી, અમૃતસર, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં. કેટલાક લોકોએ જાન ગુમાવ્યા તથા લાખોની મિલકતને નુકસાન કરવામાં આવ્યું. રૉલેટ કાયદાના સૌથી ગંભીર પ્રત્યાઘાતો પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપતાં પરિસ્થિતિ વધારે બગડી. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૧૯થી લોકોએ વિશાળ સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળો દ્વારા ધારાનો ઉગ્ર વિરોધ કર્યો. આના અનુસંધાનમાં માઇકલ ઓડવાયરે પંજાબના લોક-આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની ૮મી એપ્રિલે ધરપકડ કરીને પંજાબની સરહદ બહાર અજાણ્યા સ્થળે મોકલી દીધા. લોકોએ આના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બૅન્કો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી. પોલીસ ગોળીબારમાં થોડાં માર્યાં ગયાં તથા અમુક ઘવાયાં. અમૃતસરની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં માઇકલ ઓડવાયરે ૧૨મી એપ્રિલના રોજ શહેર લશ્કરને હવાલે કરી દીધું. લશ્કરી અધિકારી જનરલ ડાયરે તુરત જાહેર સભાઓ, સરઘસો, દેખાવો પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો; પરંતુ હંટર કમિટીના અહેવાલ મુજબ આ આદેશની યોગ્ય જાહેરાત થઈ ન હોવાથી મોટા ભાગના લોકોને તેની જાણ થઈ નહિ. તેથી અન્યાયી રૉલેટ કાયદા તથા સરકારી દમનનીતિ સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩-૪-૧૯૧૯ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ત્રી, પુરુષો તથા બાળકો મળીને આશરે ૧૦,૦૦૦ લોકો એકત્રિત થયા. જલિયાંવાલા બાગ તે ખરેખર બાગ નથી; પરંતુ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે. સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે બાગના પ્રવેશદ્વારે આવી પહોંચ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ
ગ્રંથ-7માંથી જલિયાંવાલા બાગ હત્યાકાંડ, પૃ. 639)

રમણલાલ ક. ધારૈયા