જીવનનું સાચું સરનામું મૃત્યુ છે


વ્યક્તિના જીવનસમગ્રનું સરનામું કયું ? ચહેરા અને મહોરાં ઓઢીને, દંભ અને આડંબર ધારણ કરીને તથા પ્રેમ અને પ્રપંચનો ખેલ ખેલીને માનવી જીવે છે. જીવનપર્યંત બહુરૂપીનો વેશ ધારણ કરીને સ્વયંને સતત છુપાવી રાખે છે. પોતે જે નથી, તે દેખાવા પ્રયત્ન કરે છે. જેમાં નથી માનતો, તેમાં પૂર્ણ શ્રદ્ધાનો ડોળ કરે છે. પોતે જે છે, તેને જાણવાની એ કોશિશ કરતો નથી, કારણ કે એ કોશિશ કરતાં એને ભય લાગે છે. ત્યારે વ્યક્તિના સમગ્ર જીવનની નિર્ણયાત્મક ક્ષણ કઈ ? એ ક્ષણ છે એના મૃત્યુની. એ ક્ષણે માનવી પારદર્શક અને નિરાવરણ હોય છે. એ ક્ષણે એ કોઈ દાવપેચ ખેલતો નથી અને કોઈ આડંબર સેવતો નથી. મૃત્યુની ક્ષણમાં એનું આખું જીવન સમાઈ જાય છે. એના દીર્ઘ જીવનનો હિસાબ આ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. જીવનસાફલ્યનો આનંદ કે વિફળતાનો વસવસો એ ક્ષણે પ્રગટ થાય છે. સંપત્તિ કે સત્તા પાછળ જિંદગી ગુમાવ્યાનાં આંસુ એની આંખમાં આવશે. એનો મોહ સરી જશે, બાહ્ય દેખાવ ભૂંસાઈ જશે અને એ બીજા સાથે કે સ્વયં સાથેના પ્રપંચથી અલગ થઈને માત્ર માનવી બની રહેશે. જીવનની સૌથી સાચી ક્ષણ એ મૃત્યુની ક્ષણ છે. એ દરેક માનવીના જીવનનું સાચું સરનામું છે. મૃત્યુની ક્ષણનો વિચાર કરીને જીવનની ક્ષણો પાસેથી હિસાબ લીધો હોત તો ? મૃત્યુની વેળાએ વિચારીને જીવનમાં વખતનો મહિમા કર્યો હોત તો ? મૃત્યુના અંતને વિચારીને સિદ્ધિ-સમૃદ્ધિ કે પરિગ્રહની દોડના અંતનો જીવનમાં ખ્યાલ કર્યો હોત તો ! મૃત્યુ એ સાચા જીવનનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

કુમારપાળ દેસાઈ