જોની વૉકર


જ. ૧૧ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૩

હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર જોની વૉકરનો જન્મ ઇંદોરમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ બદરુદ્દીન જમાલુદ્દીન કાજી હતું. તેમના પિતા એક મિલમાં નોકરી કરતા હતા. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડીને કામ કરવા માંડ્યું. જ્યારે ઇંદોરમાં મિલ બંધ પડી ત્યારે કામની શોધમાં સમગ્ર પરિવાર મુંબઈ આવી વસ્યો. મુંબઈમાં ખૂબ સંઘર્ષમય જિંદગી પસાર કરતાં બદરુદ્દીને કમાણી માટે નાનાંમોટાં જે કામ મળે તે કરવા માંડ્યાં. અંતે તેમને બસ-કંડક્ટરની નોકરી મળી, જેમાં તેમને મહિને ૨૬ રૂપિયાનો પગાર મળતો. નાનપણથી જ તેમને લોકોની નકલ કરવાનો અને અભિનય કરવાનો શોખ હતો. બસની મુસાફરી દરમિયાન તેઓ પોતાના કામ ઉપરાંત જાતજાતના સહજ અભિનયથી યાત્રીઓનું મનોરંજન કરતા. એક વાર જાણીતા અભિનેતા બલરાજ સહાનીએ તેમની બસમાં મુસાફરી દરમિયાન બદરુદ્દીનનો અભિનય જોયો અને પ્રભાવિત થયા. બલરાજ સહાનીએ ગુરુદત્તને બદરુદ્દીનને ફિલ્મમાં તક આપવાની ભલામણ કરી અને ગુરુદત્તે તેમની ફિલ્મ ‘બાઝી’માં બદરુદ્દીનને શરાબીની ભૂમિકા ભજવવાની તક આપી. બદરુદ્દીનના નસીબનાં દ્વાર ખૂલી ગયાં. ૧૯૫૦ અને ૧૯૬૦ના દશકમાં તેમની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. ગુરુદત્તે તેમને જોની વૉકર નામ આપ્યું. જોકે પોતાની આગવી શૈલીથી શરાબીનો અભિનય કરનાર જોની વૉકરે ક્યારેય શરાબને હાથ અડાડ્યો ન હતો.

જૉની વૉકરે તેમની ફિલ્મસફર દરમિયાન લગભગ ૩૦૦ ફિલ્મોમાં જાનદાર અને શાનદાર અભિનય કર્યો. જેમાં ‘જાલ’, ‘નયા દૌર’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘મધુમતી’, ‘કાગઝ કે ફૂલ’, ‘મિસ્ટર એક્સ’, ‘સી.આઈ.ડી.’ વગેરે જેવી સુપરહિટ ફિલ્મો સમાવિષ્ટ છે. ‘સર જો તેરા ચકરાયે’, ‘એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં’ જેવાં હિન્દી ફિલ્મગીતો પરનો તેમનો અભિનય અત્યંત લોકપ્રિય થયો. હિન્દી ફિલ્મોના પ્રથમ કૉમેડિયન ગણાતા જોની વૉકરે તેમની આગવી નિર્દોષ કૉમેડી દ્વારા અસંખ્ય દર્શકો અને ચાહકોના ચહેરા પર હાસ્ય વિખેર્યું. આજે પણ તેઓ તેમના અભિનય દ્વારા લાખો લોકોના દિલોમાં વસે છે. હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાઓમાં તેમનું નામ મોખરે છે. તેમને ફિલ્મ ‘મધુમતી’ માટે સહાયક અભિનેતાનો અને ફિલ્મ ‘શિકાર’ માટે સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર ઍવૉર્ડ એનાયત થયો હતો.

શુભ્રા દેસાઈ