શ્રી કુમારપાળ દેસાઈ
શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ અને જૈન દર્શનના વિચારક તરીકે મહત્વપૂર્ણ પ્રદાન કરનાર કુમારપાળ દેસાઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી જ જોડાયેલા છે. વિશ્વકોશની રચના, પ્રવૃત્તિઓ અને એની સર્વાંગીણ પ્રવૃત્તિના તેઓ મુખ્ય સ્તંભ છે. તેઓને 2004માં તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ‘પદ્મશ્રી’નો અને બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં મિનિસ્ટર ઑફ ફેઈથ દ્વારા 2022ના નવેમ્બરમાં ‘અહિંસા ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા છે. વિશ્વકોશની પ્રવૃત્તિઓમાં સતત નવા નવા આયામો એમના દ્વારા સર્જાતા રહે છે.
શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ અને જૈન દર્શનના વિચારક તરીકે મહત્વપૂર્ણ પ્રદાન કરનાર કુમારપાળ દેસાઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી જ જોડાયેલા છે. વિશ્વકોશની રચના, પ્રવૃત્તિઓ અને એની સર્વાંગીણ પ્રવૃત્તિના તેઓ મુખ્ય સ્તંભ છે. તેઓને 2004માં તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ‘પદ્મશ્રી’નો અને બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં મિનિસ્ટર ઑફ ફેઈથ દ્વારા 2022ના નવેમ્બરમાં ‘અહિંસા ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા છે. વિશ્વકોશની પ્રવૃત્તિઓમાં સતત નવા નવા આયામો એમના દ્વારા સર્જાતા રહે છે.
છેલ્લાં સાત વર્ષથી ગુજરાતી વિશ્વકોશને ઑનલાઇન મૂકવામાં એમનો સિંહફાળો રહ્યો અને તેને પરિણામે આજે દર મહિને દેશ અને વિદેશના બે લાખ લોકો ‘ગુજરાતી વિશ્વકોશ’ની સામગ્રીનો ઉપયોગ કરે છે. એવી જ રીતે ગુજરાતી લૅક્સિકન વિશ્વકોશમાં કાર્યરત બન્યું છે, તથા ‘વિશ્વવિહાર’ ઉપરાંત ‘ગુર્જરી ડાયજેસ્ટ’ અને ‘વિશ્વા’ સામયિકોનાં પ્રકાશનોનો પણ એમના દ્વારા પ્રારંભ થયો છે. શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ, શ્રી સી. કે. મહેતા અને શ્રીમતી કાન્તાબહેન સી. મહેતા અનાહત નાદખંડ વગેરે નવાં આયોજનો એમની રાહબરી હેઠળ થયાં છે. આજે વિશ્વકોશની સઘળી પ્રવૃત્તિ એમની દોરવણી હેઠળ સુપેરે ચાલી રહી છે.
શ્રી દાઉદભાઈ ઘાંચી
અત્યંત વિષમ સંજોગોમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પહોંચેલા દાઉદભાઈ ઘાંચીએ શિક્ષણના માધ્યમ દ્વારા પોતાના વિદ્યાર્થીઓમાં એક નવી ચેતના જગાવી છે. સાબરકાંઠાના હૃદય સમા મોડાસાને કર્મભૂમિ બનાવી. મોડાસા એજ્યુકેશન કૉલેજમાં આચાર્ય તરીકે અનેક નવાં આયોજનો અને પ્રકલ્પો કરનાર શ્રી દાઉદભાઈના શિક્ષકત્વના વિચારવૈભવથી ગુજરાતને, ભારતને નવી શૈક્ષણિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે અને એ રીતે શિક્ષણના બંધિયાર ક્ષેત્રમાં એમણે પરિવર્તનની આગવી પહેલ કરી છે.
દાઉદભાઈએ ત્રણ-ત્રણ વખત અમેરિકન ફૂલબ્રાઇટ સ્કૉલરશિપ પ્રાપ્ત કરી હતી અને એવી જ રીતે નવ વર્ષ સુધી દક્ષિણ ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલનાયક અને એ પછી કુલપતિનું પદ શોભાવ્યું હતું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે બાળવિશ્વકોશ તૈયાર કર્યો, ત્યારે એનો કેટલો વ્યાપક ઉપયોગ થઈ શકે એની સમજ આપતી ‘શિક્ષણ પ્રક્રિયામાં બાળવિશ્વકોશ’ નામની પુસ્તિકા તૈયાર કરી હતી.
શ્રી દાઉદભાઈના જીવન અને કાર્યને બતાવતું ‘શિક્ષણ-વિકાસના ધ્રુવતારક’ નામનું પુસ્તક વિશ્વકોશે પ્રગટ કર્યું છે અને હવે ‘શ્રી દાઉદભાઈ ઘાંચી શિક્ષણવિષયક ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવશે, જેમાં એમના પરિવારજનોનો સહયોગ મળ્યો છે.
શ્રી પ્રવીણ ક. લહેરી
ગુજરાતના જાહેર જીવનમાં પ્રશસ્ય પ્રદાન કરનાર શ્રી પી. કે. લહેરી કુશળ વહીવટકર્તા, દીર્ઘદૃષ્ટિ ધરાવતા વિચારક, ચિંતનશીલ લેખક અને કુશળ વક્તા છે. ગુજરાતના પાંચ-પાંચ મુખ્ય પ્રધાનોના મુખ્ય સચિવ(ચીફ સેક્રેટરી) તરીકે એમણે યશસ્વી કાર્ય કર્યું છે અને પોતાની કારકિર્દી દરમિયાન ઉદ્યોગ, શિક્ષણ, સમાજકલ્યાણ અને વૉટર સપ્લાય જેવા જુદા જુદા વિભાગોમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.
તેઓ ભારત સરકારની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટૅક્નૉલૉજીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે હતા. નિવૃત્ત થયા બાદ એમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્ય કર્યું હતું અને એ પછી કોઈ ઊંચા પગારવાળી કામગીરી કે કોઈ ઊંચો હોદ્દો સ્વીકારવાને બદલે લોક-ઉત્કર્ષ કરતી સંસ્થાઓમાં તેઓ સક્રિય સહયોગ આપી રહ્યા છે. આજે શ્રી સોમનાથ તીર્થ, સદવિચાર પરિવાર અને વિશ્વકોશ ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ એમનાં અનુભવ અને દીર્ઘદૃષ્ટિનો લાભ પ્રાપ્ત કરી રહી છે.
શ્રી નીતિન શુક્લ
નીતિન ચંદ્રશંકર શુક્લ મિકૅનિકલ ઇજનેર છે. તેઓ અગ્રગણ્ય ભારતીય અને બહુરાષ્ટ્રીય (Multi-Nationals) કંપનીઓમાં 44 વર્ષ કામ કર્યા બાદ ઈ.સ. 2017માં રોયલ ડચ શેલ ગ્રૂપની હઝીરા LNG અને પૉર્ટ કંપનીઓમાંથી 65 વર્ષની ઉંમરે મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. 44 વર્ષોની કારકિર્દીમાં છેલ્લાં 17થી વધુ વર્ષ તેઓ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં મૅનેજિંગ ડિરેક્ટર હતા.
તેઓ હાલ ACC Ltd, GACL, GIPCL અને GMDC કંપનીઓના Board of Directors પર Independent Director તરીકે પ્રવૃત્ત છે. તેઓ અનુવાદ એકૅડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તેમ જ GFEE/iCreate કંપનીમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે સાબરમતી ગાંધી આશ્રમ [Sabarmati Ashram Preservation & Maintenance Trust], ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, દર્શક ઇતિહાસ નિધિ સંસ્થાઓમાં ટ્રસ્ટી/હોદ્દેદાર તરીકે હાલમાં કાર્યરત છે. તેઓ CII ગુજરાતના ચેરમેન અને CII તેમ જ FICCIની National Hydrocarbon Councilના સભ્ય તરીકે વર્ષો સુધી સેવા આપી છે. તેઓ PDEU, GERMI, GERC, NEERI, GCCI, Gujarat Grassroot Innovation and Network સંસ્થાઓની કાર્યવાહક સમિતિઓના સભ્ય-હોદ્દેદાર તરીકે સંકળાયેલા રહ્યા છે.
શ્રી પ્રકાશ ભગવતી
ઉદ્યોગ, શિક્ષણ અને સેવાનાં ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરનાર શ્રી પ્રકાશ ભગવતી બી.ઈ.(મિકૅનિકલ) થયા બાદ અમેરિકાની વિચિતા સ્ટેટ યુનિવર્સિટીમાંથી એમ.એસ. (મિકૅનિકલ એન્જિનિયરિંગ) થયા અને ત્યાં કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો અને એ પછી ભારત આવ્યા બાદ Inspir On Engineering Private Limited, Ahmedabadમાં એમણે ચૅરમૅન તરીકે કામગીરી બજાવી.
એ ઉપરાંત અન્ય કંપનીઓમાં ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરનું પદ શોભાવ્યું. ટેક્સટાઇલ મશીનરી મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન(ભારત)નાં 2013-14 દરમિયાન ચૅરમૅન તરીકે તથા 2012-2013માં ગુજરાત વેપારી મંડળના પ્રમુખ તરીકે તથા હાલ અમદાવાદના ભારતીય વિદ્યાભવનના માનદ મંત્રી તરીકે તેમજ અન્ય સંસ્થાઓમાં તેમની સેવા આપી રહ્યા છે.
સવિશેષ તો ધોળકામાં આવેલી શ્રીમતી સંતોકબા ભગવતી જનરલ હૉસ્પિટલની છેલ્લાં પચાસ વર્ષથી કામગીરી સંભાળે છે, જ્યાં ગરીબ દર્દીઓને ખૂબ ઓછા દરે અને પૂરી સેવાભાવના સાથે મેડિકલ સારવાર આપવામાં આવે છે. એ જ રીતે બૅંગાલુરુનાં અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહયોગથી તેઓ શ્રી હીરાલાલ ભગવતી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5,000થી વધુ વિદ્યાર્થીઓને કુશળ શિક્ષકો દ્વારા ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ આપે છે અને એવું જ કાર્ય ભાવનગર પાસે આવેલા સણોસરામાં લોકભારતી સંસ્થામાં પણ કરે છે. શ્રી પ્રકાશભાઈ ભગવતી સવિશેષ તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનાં આર્થિક આયોજનમાં ઉમદા સહયોગ આપી રહ્યા છે.
શ્રી પ્રીતિ શાહ
વિશ્વકોશના પ્રારંભથી જ એની અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત પ્રીતિ શાહે એમ. પી. આર્ટ્સ ઍન્ડ એન. એચ. કૉમર્સ કૉલેજ ફોર વિમેનમાં વર્ષો સુધી અધ્યાપનકાર્ય કર્યું છે. શિક્ષણ, સાહિત્ય અને પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કરનાર તેઓ ‘ગુજરાત સમાચાર’નાં કૉલમ લેખક છે. વિશ્વકોશની સઘળી પ્રવૃત્તિમાં સક્રિયતાથી જોડાયેલાં ડૉ. પ્રીતિ શાહ એના આર્થિક આયોજનમાં પણ સહયોગ આપી રહ્યાં છે.
ગુજરાતી વિશ્વકોશના મુખપત્ર ‘વિશ્વવિહાર’નાં સંપાદક તરીકે તેમજ લેખિકાઓનાં ત્રૈમાસિક ‘વિશ્વા’નાં પરામર્શક તરીકે તેઓ કાર્ય કરે છે અને એથીયે વિશેષ તો વિશ્વકોશના પુસ્તક-પ્રકાશનના કાર્યમાં જીવંત રસ લઈને એને સતત ધબકતું રાખે છે.
શ્રી ગુણવંતભાઈ બરવાળિયા
સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને આરોગ્યને લગતી અનેક સંસ્થાઓમાં સેવા આપનાર ગુણવંતભાઈ બરવાળિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાથે સાથે સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. વર્તમાન સમસ્યાઓ વિશે સતત ચિંતન કરતા રહેતા હોવાથી આજસુધી પચીસેક જ્ઞાનસત્રોનું આયોજન કર્યું છે. ‘દશાશ્રીમાળી’ અને ‘વિશ્વવાત્સલ્ય’ જેવાં સામયિકોના સંપાદક છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની અનેક પ્રવૃત્તિઓમાં તેમનો સહયોગ મળી રહ્યો છે.
જૈન ધર્મના ઊંડા અભ્યાસી, સામયિકોના સંપાદક અને જ્ઞાનસત્રના આયોજક એવા શ્રી ગુણવંત બરવાળિયા છેલ્લાં 17 વર્ષથી અખિલ ભારતીય શ્વેતાંબર કૉન્ફરન્સ, મુંબઈના મંત્રી તરીકે વિશ્વવાત્સલ્ય સંતબાલ ઍવૉર્ડ ફાઉન્ડેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી ગુણવંત બરવાળિયાનાં સાહિત્ય, શિક્ષણ, કવિતા અને જૈન દર્શનવિષયક 55થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
‘ગુજરાતી વિશ્વકોશ’ના પ્રેરક અને શિલ્પી, ગુજરાતી સાહિત્યના વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ એવા ડૉ. ધીરુભાઈ ઠાકરે મોડાસા કૉલેજ સંકુલની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો. એક અધ્યાપક અને આચાર્ય તરીકે ઉત્તમ અને સફળ કામગીરી બજાવી.
ગુજરાત સાહિત્યસભા તરફથી 1994માં રણજિતરામ ચંદ્રક મળ્યો અને 2014માં ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’(મરણોત્તર)નું સન્માન પ્રાપ્ત થયું. એમણે મણિલાલ નભુભાઈના જીવન અને કવન વિશે ઘણા ગ્રંથોનું સર્જન કરીને પંડિતયુગના એ સમર્થ ચિંતક અને ગદ્યસ્વામીની સારસ્વત પ્રતિભાનું દર્શન કરાવ્યું. ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ના ગ્રંથો આપીને ગુજરાતી સાહિત્યનો મધ્યકાલીન સમયથી આરંભીને અનુઆધુનિક સમય સુધીનો સળંગ અને વિસ્તૃત ઇતિહાસ એમણે આપ્યો. સૌથી વિશેષ તો ‘ગુજરાતી વિશ્વકોશ’ના નિર્માણકાર્યમાં સફળ કર્ણધાર તરીકેની મહત્વની જવાબદારી એમણે અદા કરી અને તેના પરિણામ સ્વરૂપે ગુજરાતી વિશ્વકોશનો ભૂમિકાખંડ અને તે પછીના 1થી 25 ખંડ પ્રકાશિત થયા. એ પ્રકારે અન્ય કોશોનું કાર્ય અને વિશ્વકોશભવનની પ્રવૃત્તિઓ એમના દૃષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ સતત વિકસતી રહી હતી. જીવનના અંતકાળ સુધી તેઓ વિશ્વકોશનું કાર્ય કરતા રહ્યા.
શ્રી સાંકળચંદ કાળીદાસ પટેલ
‘ગુજરાતી વિશ્વકોશ’ રચવાની પ્રેરણા આપનાર ઉત્તર ગુજરાતના કર્મયોગી શ્રી સાંકળચંદભાઈ પટેલે 1953માં વિસનગરની મજૂર સહકારી મંડળીની સ્થાપના કરી. 1954થી 64ના દાયકા દરમિયાન વિસનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા. એ પછી એમણે વિસનગર નાગરિક સહકારી બેંક, વિસનગર કો-ઑપરેટિવ સ્પિનિંગ મિલ તથા વિસનગર તાલુકા ઔદ્યોગિક સહકારી મંડળીની સ્થાપના કરી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવતા હતા. વિસનગરમાં આંખની હૉસ્પિટલની શરૂઆત કરી તથા કન્યાછાત્રાલયની સ્થાપના કરી. મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓના વિકાસમાં એમનો મહત્વનો ફાળો રહ્યો અને એથીયે વિશેષ તો સમાજના કચડાયેલા અને તેમાં પણ પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે એમણે યાદગાર કાર્ય કર્યું. એમની પ્રેરણાથી એમના મિત્ર શ્રી ધીરુભાઈ ઠાકરે ગુજરાતી વિશ્વકોશનો પ્રારંભ કર્યો. એ પછી એક વર્ષ બાદ 1986ની 28મી નવેમ્બરે શ્રી સાંકળચંદભાઈનું અવસાન થયું, પરંતુ એ એક વર્ષની શ્રી સાંકળચંદભાઈ પટેલની કામગીરી એવી રહી કે તેઓ ‘ગુજરાતી વિશ્વકોશ’ને માટે પ્રેરણાપુરુષ બની રહ્યા.
શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મૅસેચૂસેટ્સની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે 1946માં સ્નાતક થયા. 1948માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રમુખ તરીકે શ્રી શ્રેણિકભાઈએ આ સંસ્થામાં અનેકવિધ સેવાઓ આપી. સૌપ્રથમ તો એમના દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનું એચ. એલ. કૉમર્સ કૉલેજના કંપાઉન્ડમાં આવેલું મકાન મળ્યું, જ્યાંથી વિશ્વકોશ-નિર્માણની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. એ પછી એમના માર્ગદર્શનથી જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને ઉસ્માનપુરામાં વિશાળ જમીન પ્રાપ્ત થઈ અને એ સમગ્ર સંકુલનું ‘શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિશ્વવિદ્યા સંકુલ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું. વિશ્વકોશની શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણીમાં એમણે સહયોગ આપ્યો અને વિશેષ તો વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એમણે આ સંસ્થાના વિકાસમાં અવિસ્મરણીય પ્રદાન કર્યું છે.
શ્રી સી. કે. મહેતા
સાહિત્ય, કલા અને સંસ્કૃતિના સંવર્ધનના વિશ્વકોશના કાર્યમાં સતત રાહબર એવા શ્રી સી. કે. મહેતા ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા હતા. કપરા આર્થિક સંજોગો પાર કરીને આપબળે નીતિમત્તા અને સૂઝથી ઉદ્યોગનો વિકાસ કરી દીપક નાઇટ્રેટ કંપની સ્થાપી. દીપક ફાઉન્ડેશનની રચના કરીને તેના દ્વારા લોકકલ્યાણ, આરોગ્ય-શિક્ષણ, પરિવારકલ્યાણ, મહિલાપ્રશિક્ષણ, જળસંગ્રહ જેવી અનેક કામગીરી કરી. સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિની સંસ્થાઓને સહાય આપવા માટે હંમેશાં આતુર રહેતા હતા. તેમના સહયોગને કારણે વિશ્વકોશ ટ્રસ્ટમાં ‘વ્યાખ્યાનશ્રેણી’, ‘ઍવૉર્ડ’ અને ‘અનાહતા નાદખંડ (સ્ટુડિયો)’ જેવા અનેક આયામો થઈ શક્યા.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર અને ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીવર્ય શ્રી સી. કે. મહેતાનો મજબૂત સાથ મળ્યો. અમરેલીમાં એમણે દીપક નાઇટ્રેટ લિમિટેડ (વડોદરા) અને દીપક ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ લિ. (તલોજા, મુંબઈ) જેવી ભારતની અગ્રણી હરોળની કંપનીઓનું કુશળ સંચાલન કર્યું. હજારો કામદારોને રોજીરોટી અપાવી અને લાખો શૅરહોલ્ડરોને નફામાં ભાગીદાર બનાવ્યા. અમરેલીમાં અનેકવિધ શૈક્ષણિક કાર્યો કર્યાં અને એ પછી ‘દીપક ફાઉન્ડેશન’ નામની સંસ્થા દ્વારા લોકસહાય ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, પરિવારકલ્યાણ, મહિલાપ્રશિક્ષણ, જળસંગ્રહ અભિયાન જેવાં અનેક કાર્યોમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. આદિવાસી મહિલાઓમાં ક્વાંટ જિલ્લાની આદિવાસી મહિલાઓને નવજાત શિશુ તથા ગર્ભકાળ દરમિયાન માતાની ડૉક્ટરી સહાય, પોષણયુક્ત આહાર, મેડિકલ કૅમ્પ્સ, કમ્પ્યૂટર ક્લાસીસ, સીવણ ક્લાસ, મહિલા ડેરી કો-ઑપરેટિવ સોસાયટી અને પશુપાલન તાલીમનાં આયોજનો કર્યાં. સ્વાશ્રય દીપિકા અને જ્ઞાનદીપક સંપદા જેવી સેવા-યોજનાઓ કરી. માત્ર 75મા વર્ષે પોતાના ગુરુ પૂજ્યશ્રી ભદ્રંકરવિજયજીને આપેલા વચન અનુસાર વિશ્વમાં વિસ્તરેલા પોતાના ઉદ્યોગોનો કારભાર છોડીને આધ્યાત્મિક જીવન ગાળતા હતા. એમના દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ માટે, શ્રી ભદ્રંકર વિદ્યાદીપક શ્રેણી માટે તથા દૃશ્યશ્રાવ્ય એવા અનાહત ખંડ માટે ઉમદા સહયોગ મળ્યો છે અને આજે એમના પરિવારજનો પણ વિશ્વકોશની પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈ રહ્યા છે.
શ્રી દીપચંદભાઈ ગારડી
વિખ્યાત દાનવીર અને અગ્રણી સમાજસેવક શ્રી દીપચંદભાઈ ગારડીએ ઇંગ્લૅન્ડની બાર-એટ-લૉની પદવી પ્રાપ્ત કરી હતી, પરંતુ એમણે રાષ્ટ્ર, સમાજ, કેળવણી, જીવદયા અને માનવસેવાનાં ક્ષેત્રોમાં મહત્વનું કાર્ય કર્યું અને દાનની ગંગા વહેવડાવી. પાંજરાપોળની પ્રવૃત્તિ, નિરક્ષરતાનિવારણ, કેળવણી-સંસ્થાઓનું સર્જન, દેરાસરોનું નિર્માણ, દવાખાનાંની સગવડ – એ બધે જ એમના દાનનો પ્રવાહ વહેતો રહ્યો.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને એની પ્રારંભની આર્થિક મુશ્કેલીના સમયે શ્રી દીપચંદભાઈ ગારડીનો મજબૂત સાથ મળ્યો અને એને પરિણામે વિશ્વકોશની પ્રવૃત્તિઓ સતત વિકસતી રહી.
શ્રી હીરાલાલ ભગવતી
અગ્રણી સામાજિક કાર્યકર તથા વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રના પીઢ આગેવાન શ્રી હીરાલાલ ભગવતીએ અમદાવાદની અગ્રણી સંસ્થાઓમાં માનદ સેવાઓ આપી હતી. તેઓની ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી. મસ્કતી કાપડ માર્કેટ મહાજન, અમદાવાદ પાંજરાપોળ, બહેરા-મૂંગા શાળા, ગુજરાત કૅન્સર સોસાયટી જેવી અનેક સંસ્થાઓમાં એમણે જુદા જુદા હોદ્દાઓ સંભાળીને માર્ગદર્શન આપ્યું હતું.
વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા જ્યારે વિશ્વકોશનો નવો ગ્રંથ પ્રગટ થતો, ત્યારે તેઓ સ્વયં એ ગ્રંથો ખરીદીને લઈ જતા અને જુદી જુદી સંસ્થાઓને આપતા. એમને 1998નો વિશ્વગૂર્જરી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને એમના પરિવારજનો તરફથી મળેલા સહયોગને પરિણામે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં થયેલું શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ અનેકવિધ વ્યાખ્યાનો અને પ્રવૃત્તિઓથી જીવંત બની રહ્યું છે.
શ્રી કંચનલાલ પરીખ
ગુજરાતના શિક્ષણજગતમાં પોતાની સૂઝ અને કાર્યક્ષમતાથી આગવો પ્રભાવ પાડનાર શ્રી કંચનલાલ પરીખે ગુજરાત યુનિવર્સિટીના સચિવ તરીકે 1955થી 1981 સુધી પૂરાં 25 વર્ષ એકધારી શિક્ષણ-સેવા કરી હતી. તેઓ કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રથમ ડાયરેક્ટર હતા અને ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત અનેક યુનિવર્સિટીઓની સ્થાપના સમયે એમણે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણના માધ્યમ તરીકે ભારતમાં ગુજરાત યુનિવર્સિટીને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની પહેલ કરનાર શ્રી કંચનભાઈએ યુનિવર્સિટી શિક્ષણ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ત્રીસ કરતાં વધુ વિષયોના શિક્ષણની તથા અનુસ્નાતક વિભાગોની સ્થાપના કરી હતી અને તે ઉપરાંત ઘણી નવી વિદ્યાશાખાઓના વિભાગો શરૂ કર્યા હતા. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, સમાજશિક્ષણ, ગ્રંથાલય-સેવા, માતૃભાષાનો વિકાસ, ડિસ્ટન્સ એજ્યુકેશન – એ બધાં જ ક્ષેત્રોમાં એમણે વિપુલ અને વૈવિધ્યસભર પ્રદાન કર્યું હતું. એમની સ્મૃતિમાં એમનાં પુત્રી ડૉ. શ્રેયસી પરીખ દ્વારા મળેલા સહયોગને પરિણામે ‘શિક્ષણવિદ શ્રી કંચનલાલ પરીખ વ્યાખ્યાનશ્રેણી’ યોજવામાં આવે છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વિસનગરના અગ્રણીઓ શ્રી પ્રભુદાસભાઈ પટેલ, શ્રી ભોળાભાઈ પટેલ તથા શ્રી નરસિંહભાઈ પટેલે પણ મહત્વની કામગીરી બજાવી છે. એમણે વિશ્વકોશની ટ્રસ્ટીમંડળની સભાઓમાં કીમતી સૂચનો કરીને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે. તો એ જ રીતે વિશ્વકોશના પ્રારંભકાળે શ્રી વિઠ્ઠલભાઈ અમીન પાસેથી સંસ્થાને માર્ગદર્શન મળતું રહ્યું, જ્યારે વિશ્વકોશ સંસ્થાના સેટલર તરીકે શ્રી સી. એફ. પટેલે પણ મહત્વની કામગીરી બજાવી હતી.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને ગુજરાતી પ્રજા, સેવાભાવી સંસ્થાઓ અને ઉદારમના શ્રેષ્ઠીઓ તથા ભાવનાશીલ વ્યક્તિઓનો ઉમદા સહયોગ મળ્યો છે. એમાં એમનાં પ્રકાશનોને માટે અને અન્ય સાહિત્યિક કાર્યો માટે ગૂર્જર સાહિત્ય પ્રકાશનના શ્રી મનુભાઈ શાહનાં સબળ સાથ અને સતત પ્રોત્સાહન મળ્યાં છે. વિશ્વકોશભવનના નિર્માણમાં શ્રી સૂર્યકાન્ત ભાવસાર, શ્રી કિરણ ભાવસાર અને શ્રી સ્નેહલ શાહનો સહયોગ પ્રાપ્ત થયો છે. જ્યારે શ્રી ફાલ્ગુન શાહે ભવનના નિર્માણમાં અને એ પછી એની જાળવણીમાં નિઃસ્વાર્થ ભાવે મદદ કરી છે. વિશ્વકોશની આર્ટ ગૅલરી તેમજ એના કલાવિષયક કાર્યક્રમોમાં શ્રી અમિત અંબાલાલ, શ્રી અનિલ રેલિયા અને શ્રી ભૈરવી મોદીની કલાદૃષ્ટિએ ભવનને કલામય ઓપ આપ્યો છે. જ્યારે સંસ્થાને વખતોવખત માર્ગદર્શન અને મદદ પૂરાં પાડનારા ગૌરવ શેઠનો ઉમદા સહયોગ સંસ્થાને માર્ગદર્શક બન્યો છે. વિશ્વકોશના નિર્માણમાં એ તજજ્ઞો, વિદ્વાનો, કર્મચારીઓએ સમર્પણવૃત્તિથી કાર્ય કર્યું છે.