ડૉ. પ્રમોદ કરણ સેઠી


જ. ૨૮ નવેમ્બર, ૧૯૨૭ અ. ૬ જાન્યુઆરી, ૨૦૦૮

વિશ્વભરમાં પ્રખ્યાત ‘જયપુર પગ’ના જનક ડૉ. પ્રમોદનો જન્મ બનારસ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓએ ઈ.સ. ૧૯૪૯માં સરોજિની નાયડુ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું હતું. ત્યારબાદ તેઓએ જનરલ સર્જન ૧૯૫૨ અને રૉયલ કૉલેજ ઑફ સર્જનમાંથી ૧૯૫૪માં એફ.આર.સી.એસ.(FRCS)ની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કરી તેઓ ભારત પાછા આવી જયપુરની સવાઈ માનિંસહ મેડિકલ કૉલેજમાં સર્જરીમાં લેક્ચરર તરીકે જોડાયા. તેઓએ ઑર્થોપેડિક ડિપાર્ટમેન્ટ અને રિહેબિલિટેશન યુનિટને વિકસાવવામાં ખૂબ મહેનત કરી. તેમણે એક ઓછી કિંમતનો, લવચીક, ટકાઉ, વૉટરપ્રૂફ કૃત્રિમ પગ વિકસાવ્યો જે ૧૯૬૯માં જયપુર પગ(foot) તરીકે પ્રચલિત થયો. જે વ્યક્તિનો પગ કપાઈ ગયો હોય તે આ પગ પહેરી ખાડા-ટેકરાવાળી જગામાં પણ સહેલાઈથી ચાલી શકતો. કોઈ પણ કારણસર પગ ગુમાવવાવાળા લાખો-કરોડો લોકો પોતાના પગ પર ચાલવા માટે આ શોધથી કાબિલ બન્યા. આંતરરાષ્ટ્રીય રેડક્રૉસ કમિટીએ આ શોધનો લાભ અફઘાનિસ્તાન અને બીજાં સ્થળોએ પગ ગુમાવેલ વ્યક્તિઓને આપી તેઓને નવી જિંદગી બક્ષી. આ પગ બનાવવા માટે તેઓએ રામચંદ્ર શર્મા નામના કારીગરની મદદ લીધી હતી.

તેમણે ‘જયપુર ફૂટ’ની જાણકારી સૌપ્રથમ બૅંગાલુરુમાં સર્જન ડૉક્ટરના વાર્ષિક સંમેલનમાં આપી હતી. ત્યારબાદ ઑક્સફર્ડ તથા બ્રિટિશ ઑર્થોપેડિક સંમેલનમાં જ્યારે તેમણે રજૂ કર્યું ત્યારે તેની ખૂબ પ્રશંસા થઈ. તેઓને ઘણા ઍવૉર્ડ અને મેડલ મળ્યા. પશ્ચિમ ભારતની ઑર્થોપેડિક સોસાયટીએ સુવર્ણપદક, રેમન મેગ્સેસે ઍવૉર્ડ, ગિનિસ બુક ઍવૉર્ડ ફોર સાયન્ટિફિક એચીવમેન્ટ તથા ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઍવૉર્ડ મળ્યો. ત્યારબાદ તેઓને ડૉ. બી. સી. રૉય નૅશનલ ઍવૉર્ડ (૧૯૮૯) મળ્યો. ભારત ઑર્થોપેડિક ઍસોસિયેશનને ૨૦૦૪માં તેઓને લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો. ‘જયપુર પગ’ બનાવી તેમણે વિશ્વફલક પર સ્થાન મેળવ્યું.

અંજના ભગવતી