જ. ૮ જાન્યુઆરી, ૧૮૬૮ અ. ૨૭ એપ્રિલ, ૧૯૩૪
ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી દીનશા મુલ્લાનો જન્મ મુંબઈમાં વેપારી કુટુંબમાં થયો હતો. બોરાબજારસ્થિત ઑનલૂકર મેન્શનમાં બચપણ અને યુવાની વિતાવી. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી ૧૮૯૨માં સૉલિસિટર ફર્મમાં કામ કર્યું અને ત્યારપછી ભાઈ એરૂચશો મુલ્લા સાથે ૧૮૯૫માં મુલ્લા ઍન્ડ મુલ્લા નામની સૉલિસિટર ફર્મ ખોલી. રેડીમની મેન્શનમાં એક નાનકડી ઑફિસથી શરૂઆત કરી છેવટે પીટિટ કુટુંબ પાસેથી મેન્શન ખરીદી, મુલ્લા હાઉસ બનાવ્યું. ત્યારપછી તે પેઢી અંગ્રેજી ફર્મ ક્રેગી (Craigie)બ્લન્ટ ઍન્ડ કેરો (Caroe) સાથે ભળી ગઈ. તેઓ વિદ્યાવ્યાસંગી અને મહેનતુ હતા. તેમણે ભારતીય કાયદાશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો. કોડ ઑવ્ સિવિલ પ્રોસિજર, હિન્દુ લૉ, મુસ્લિમ લૉ અને નાદારીનો કાયદો જેવા વિષયો પર એમણે લખેલાં પુસ્તકો તેમના જીવનકાળ દરમિયાન જ અદાલતોમાં પ્રમાણભૂત ગણાતાં હતાં. ૧૯૦૯માં સર લૉરેન્સ જેન્કિન્સના સૂચનથી તેમણે સૉલિસિટરનો વ્યવસાય છોડીને ઍડ્વોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત શરૂ કરી હતી. મુલ્લા તેમના સમયના સૌથી વિદ્વાન ધારાશાસ્ત્રી ગણાતા હતા. ૧૯૨૨માં મુંબઈ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થઈ હતી. થોડાં વર્ષો પછી તેમણે ન્યાયાધીશપદેથી રાજીનામું આપ્યું હતું. પછી તેઓ ઍડ્વોકેટ જનરલ અને વાઇસરૉયની કાઉન્સિલના કાયદા ખાતાના સભ્ય (લૉ મેમ્બર) બન્યા હતા. નાદારીના કાયદા પર તેમણે આપેલ ‘ટાગોર લૉ પ્રવચનો’ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ લિંકન્સ ઇનના માનાર્હ સભ્ય હતા. ૧૯૩૦માં તેમની નિમણૂક પ્રિવિ કાઉન્સિલની ન્યાયસમિતિ પર થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીએ તેમને એલ.એલ.ડી.ની માનાર્હ પદવી આપેલી અને અંગ્રેજ સરકારે ૧૯૩૦માં ‘સર’નો ઇલકાબ આપેલો.
અમલા પરીખ