નટવરલાલ પ્રભુલાલ બૂચ


જ. ૨૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૯ જાન્યુઆરી, ૨૦૦૦

ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બૂચનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું હતું. સંસ્કૃત અને  અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૨૭માં બી.એ. તથા તે પછી  એમ.એ. થયા. ૧૯૩૦થી ૧૯૮૧ દરમિયાનનાં વર્ષોમાં તેઓએ વત્સલ અને વિદ્વાન શિક્ષક-અધ્યાપક તરીકે દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં તથા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, આંબલા તેમજ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું શિક્ષણકાર્ય કર્યું. અહીં તેમણે આચાર્ય ઉપનિયામક તથા સહનિયામક તરીકે પણ કાર્ય કર્યું. પ્રવાસવર્ણનથી સર્જનનો આરંભ કરનાર આ હાસ્ય-નિબંધકાર તથા કવિતાના સર્જકે નિબંધ ઉપરાંત નાટ્ય પ્રહસન, હાસ્યકવિતા – પ્રતિકાવ્યસ્વરૂપે મર્મપૂર્ણ નિર્દંશ રચનાઓ આપી છે. મૌલિક લેખન ઉપરાંત તેમણે ધર્મ-તત્ત્વજ્ઞાન, સમાજચિંતન અને અર્થશાસ્ત્ર જેવાં વિષયક્ષેત્રોનાં અંગ્રેજી પુસ્તકોનાં અનુવાદ તથા સંપાદનો કર્યાં છે. ‘રામરોટી પહેલી’ (૧૯૩૯), ‘રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો’ (૧૯૫૩), ‘રામરોટી ત્રીજી’ (૧૯૬૮), ‘છેલવેલ્લું’ (૧૯૮૨), ‘હળવાં ફૂલ’ (૧૯૮૩), ‘કાગળના કેસૂડા’ (૧૯૮૬) વગેરે તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે.

તેમણે નિબંધોમાં માનવસ્વભાવની સારી-નરસી લાક્ષણિકતાઓ માર્મિકતાથી પ્રગટ કરી છે. ગંભીર વસ્તુને હળવા દૃષ્ટિકોણથી જોવાની તેમની ખાસિયત નોંધપાત્ર છે. નૈસર્ગિક હાસ્ય ઉપજાવવાની કળા એમને ઊંચી કોટિના હાસ્યલેખક તરીકે પ્રતિષ્ઠા આપે છે. તેમણે કરેલા અનુવાદોમાં ‘ડેવિડ કોપર ફિલ્ડ’, ‘ગાંધીજીનો જીવનસંદેશ’, ‘સામૂહિક વિકાસયોજના’, ‘ઈસુને પગલે’, ‘સમાનતા આપણો ભારતદેશ’, ‘નગદ નારાયણ’ વગેરે મહત્ત્વના છે.

બૂચકાકાના નામે જાણીતા નટવરલાલે ‘ઉદયપુર-મેવાડ’ પ્રવાસવર્ણન રમૂજી છતાં રસિક શૈલીમાં લખ્યું છે. ‘રામરોટી ત્રીજી’ સંગ્રહમાંના ‘અસત્યનો મહિમા’, ‘માંદગી માણીએ’, ‘ઉપવાસીના વિચારો’ વગેરે અલગ તરી આવે છે. તેમણે કેટલીક પરિચય પુસ્તિકાઓ તથા બાળકાવ્યોના સંગ્રહ પણ સર્જ્યા છે. પ્રતિકાવ્યો દ્વારા તેમણે નિર્દંશ હાસ્યતરંગો પ્રસાર્યા છે; જેમ કે ‘એક જ દે ચિનગારી’નું તેમણે રચેલું પ્રતિકાવ્ય –

‘યાચે શું ચિનગારી મહાનર યાચે શું ચિનગારી ?

ચકમક લોઢું મૂક પડ્યું ને બાકસ લે કર ધારી,

કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી.

૧૯૯૬માં તેમને દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક (શૈક્ષણિક) ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ