નટવરલાલ માળવી


જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૦૦ અ. ૧૬ એપ્રિલ, ૧૯૭૩. વિદ્વાન, લેખક, અનુવાદક, પત્રકાર, પ્રકાશક અને ‘ગાંડીવ’ બાલપાક્ષિકના તંત્રી નટવરલાલનો જન્મ સૂરતમાં થયો હતો. તેમની શાળા કારકિર્દી પ્રથમ કક્ષાની હતી. તે દરમિયાન તેઓ સતત ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મેળવતા હતા. મુંબઈની વિલ્સન, સૂરતની એમ.ટી.બી. અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીના પ્રભાવ હેઠળ કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ઈ. સ. ૧૯૨૨માં બારડોલી સત્યાગ્રહમાં જોડાવા અભ્યાસ છોડ્યો અને પછી સાહિત્યપ્રવૃત્તિમાં જોડાયા. નાનપણથી જ તેઓના મનમાં સાહિત્ય રચવાનાં સપનાં હતાં. ૧૨-૧૩ વર્ષની ઉંમરે લેખનકાર્યનો પ્રારંભ કર્યો હતો અને તેને પરિણામે લેખો, કાવ્યો, ચર્ચાપત્રો તથા વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. ગાંધીજીના રાજકારણમાં પ્રવેશની સાથે જનતામાં ચેતના જગાડવા તેમના મોટા ભાઈ ઈશ્વરલાલ સાથે ૧૯૨૨માં છાપખાનું શરૂ કર્યું હતું. તેમાં ‘બૉમ્બેયુગનું બંગાળ’ નામનું પુસ્તક તથા ૧૯૨૩માં ‘તોપ’ અને ‘ગાંડીવ’ જેવાં અઠવાડિકો પ્રગટ કરીને ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યને ગજવી મૂક્યાં. બંને ભાઈઓએ સાથે કામ કરીને મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપટેની ડિટેક્ટિવ નવલકથાનો અનુવાદ ‘શિરહીન શબ’ને નામે પ્રગટ કર્યો. તેઓએ વિપ્લવી પુસ્તકો ગુજરાતીમાં પ્રગટ કર્યાં. ગાંધીજીનાં કેટલાંક પુસ્તકો પણ સેવાવૃત્તિથી પ્રસિદ્ધ કર્યાં.

તેઓ અંગ્રેજી, બંગાળી, મરાઠી, હિંદી વગેરે ભાષાઓના જાણકાર હતા. તેઓ ‘મુંબઈ સમાચાર’માં નિયમિતપણે લખતા. તેમનો પુસ્તક પ્રત્યે પ્રેમ અનોખો હોવાથી તેમનું ઘર એક સુંદર પુસ્તકાલય બની ગયું હતું. તેમની રહેણીકરણી અને આચાર-વિચારમાં ગાંધીયુગની છાપ હતી.

અંજના ભગવતી