વિશ્વકોશ (Encyclopedia) એટલે સમગ્ર વિશ્વનું પ્રમાણભૂત જ્ઞાન આપતો વિશ્વસનીય અને માહિતીસમૃદ્ધ સ્રોત.

ગુજરાતને માતૃભાષા ગુજરાતીમાં લખાયેલો પોતાનો વિશ્વકોશ હોવો જ જોઈએ એવા નિર્ધાર સાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની બીજી ડિસેમ્બર 1985ના રોજ સ્થાપના કરવામાં આવી અને ટ્રસ્ટે દૃઢ સંકલ્પ કર્યો કે અંગ્રેજી ભાષામાં ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ જેવો બધા વિષયોનો સમાવેશ કરતો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવો. વિશ્વકોશના પ્રેરક શ્રી સાંકળચંદભાઈ પટેલ, વિશ્વકોશના પ્રણેતા અને રચયિતા શ્રી ધીરુભાઈ ઠાકર, માર્ગદર્શક શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ તથા ટ્રસ્ટી શ્રી કુમારપાળ દેસાઈ વગેરેએ આ કાર્યનો પ્રારંભ કર્યો.

સર્વપ્રથમ વિશ્વકોશમાં આવરી લેનારા તમામ વિષયોની યાદી ધરાવતો ‘ભૂમિકાખંડ’ પ્રગટ કરવામાં આવ્યો. વિશ્વકોશની રચનામાં આ એક નવી પહેલ હતી કે જેમાં વિશ્વકોશના તમામ ગ્રંથોના અંતે અધિકરણોની સૂચિ આપવાને બદલે પ્રારંભે તમામ વિષયના અધિકરણોની એની સૂચિ આપવામાં આવી. તેમજ અધિકરણ લેખકને માર્ગદર્શક બને તેવા થોડા અધિકરણો સામેલ કરવામાં આવ્યા. આ રીતે 1985થી ભૂમિકાખંડ અને એ પછી 1987થી 2009 સુધીના બાવીસ વર્ષમાં એક હજાર પાનાંના એક ગ્રંથ એવા 26 ગ્રંથોનું પ્રકાશન થયું. તેની સાથોસાથ આ ગ્રંથોને અપ-ડેટ કરવાનું કામ ચાલતું રહ્યું અને બાળવિશ્વકોશનો પ્રારંભ થયો. વડમાંથી વડવાઈઓ ફૂટે તેમ અન્ય કોશોના સર્જનનો પ્રારંભ થયો.

એ પછી આમ ગુજરાતી વિશ્વકોશનાં ૨૬,૦૦૦ પાનાંને ઑનલાઇન મૂકવાનું કામ સહેલું તો નહોતું જ, પરંતુ લાઇબ્રેરીનાં કબાટોમાંથી બહાર નીકળીને તે કમ્પ્યૂટર પર આવે તે પણ એટલું જ અનિવાર્ય હતું. અત્યંત ઝડપથી પરિવર્તન પામતા સમાજ અને ટૅકનૉલૉજી સાથે તાલ મિલાવવાનો હતો. બદલાતા સમયમાં કોઈ પણ નવી વસ્તુને ખુલ્લા મનથી સ્વીકારવી અને તેનો ત્વરિત અમલ કરવો એવી આગવી સૂઝ અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં ઘણાં વર્ષોના પરિશ્રમ પછી આ કાર્ય સફળતાપૂર્વક સિદ્ધ થયું. પરિણામે ભૌગોલિક સીમાડાઓને વટાવીને ગુજરાતી વિશ્વકોશ વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિને ઉપલબ્ધ થયો છે. તેને માટે ગૂગલમાં જઈ માત્ર https://gujarativishwakosh.org ટાઇપ કરો એટલે કમ્પ્યૂટર કે મોબાઇલમાં ગુજરાતી વિશ્વકોશનો જ્ઞાનસાગર તમે જ્યાં હશો ત્યાં મેળવી શકશો અને ઉન્નત મસ્તકે ગૌરવથી કહી શકશો કે અમારી ભાષામાં પણ વિશ્વના જ્ઞાનની બારી સમો વિશ્વકોશ ઑનલાઇન ઉપલબ્ધ છે.

હજી આજેય ઘણાને વિશ્વકોશની વાત કરીએ એટલે આપણી સામે મૂંઝવણભરી દૃષ્ટિથી જોઈને પ્રશ્ન પૂછે કે આ વિશ્વકોશ એટલે શું ? શબ્દકોશ-જોડણીકોશ એ જ વિશ્વકોશ કે જુદા ? તેને આપણે એક સાદા ઉદાહરણથી સમજીએ.

શબ્દકોશમાં ‘આંબો’ શબ્દની સામે એનો એક અર્થ આપ્યો છે આમ્રવૃક્ષ, કેરીનું ઝાડ અને બીજો અર્થ આપ્યો છે છોકરાંની એક રમત. જ્યારે વિશ્વકોશમાં તમે https://gujarativishwakosh.org ટાઇપ કરીને ગુજરાતીમાં ‘આંબો’ ટાઇપ કરશો એટલે ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે. જેમ કે, આંબાની ખેતી કેટલી પ્રાચીન છે, એનું મૂળ વતન કયું, વિશ્વના કયા દેશોમાં એ થાય છે, તેના માટે કેવી આબોહવા જોઈએ, આંબાની કલમો, ભારતના રાજ્ય પ્રમાણે કેરીની જાતો, કેટલું ઉત્પાદન, કેવી રીતે રોપવામાં આવે છે, કેરીને લાગુ પડતા રોગો, મૉર આવ્યા પછીની માવજત, કાચી કેરીનું રાસાયણિક બંધારણ, પાકા ફળના ગરનું વિશ્લેષણ – આ ઉપરાંત આંબા વિશેની પ્રમાણભૂત અને રસપ્રદૃ માહિતી પ્રાપ્ત થશે.

ગુજરાતી વિશ્વકોશના આ ૨૫ ગ્રંથોમાં વિશ્વકોશની શિસ્ત પ્રમાણે ‘અ’થી ‘હ’ સુધીનાં અધિકરણો અકારાદિક્રમ પ્રમાણે મૂકવામાં આવ્યાં છે. તેમાં ગુજરાતી વિશ્વકોશનો દરેક ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેનું વર્ષ લખવામાં આવ્યું છે. જેથી ખ્યાલ આવે કે અહીં આપવામાં આવેલી માહિતી કયા વર્ષ સુધીની છે. વિશ્વકોશનાં આ લખાણો (અધિકરણો) તેના શીર્ષકથી, લેખકના નામથી – જેમાં અટક પહેલાં ટાઇપ કરવાની રહેશે – તેમજ વિષયથી – એમ ત્રણ રીતે ‘સર્ચ’ કરી શકાશે. અહીં ૧૭૦ વિષયોને સમાવતાં ચોવીસ હજારથી વધુ લખાણો પ્રાપ્ત થશે. આ અધિકરણોને મુખ્યત્વે ત્રણ વિદ્યાશાખામાં વિભાજિત કરવામાં આવ્યાં છે; એ પ્રમાણે માનવવિદ્યા(Humanities)ના ૮,૩૬૦, વિજ્ઞાન(Science)ના ૮,૦૮૩ અને સમાજવિદ્યા(Social Science)ના ૭,૬૪૦ એમ કુલ ૨૪,૦૮૩ લખાણો મળે છે. જેમાં ૭,૬૪૭ લઘુચરિત્રો, ૫૬૩ વ્યાપ્તિલેખો, ૨૪૬ અનુવાદિત લેખો અને ૧૧,૬૬૦ ચિત્રોનો સમાવેશ થયો છે. આ બધી માહિતી સતત અપડેટ થતી રહેશે. જેથી વાચકોને અદ્યતન અને પ્રમાણભૂત માહિતી મળતી રહે.

વિશ્વમાં અનેક એન્સાઇક્લોપીડિયા પ્રકાશિત થયા છે અને ગૂગલ પર અગણિત માહિતી ઉપલબ્ધ છે, પરંતુ દરેક ભાષાને પોતાના વિશ્વકોશની અનિવાર્યતા જણાઈ છે. તેમાં એક local flavour અનુભવ થાય છે. વિશ્વની ઘણી ઘટનાઓ, ઐતિહાસિક વિગતો કે વ્યક્તિવિશેષ વિશે તમને ‘Encyclopedia Britannica’, કે ‘Academic American Encyclopedia’માંથી માહિતી મળે. જ્યારે આ વિશ્વકોશમાંથી વિશ્વની માહિતી તો મળે જ તે ઉપરાંત ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતી અનેક ઐતિહાસિક ઘટનાઓ, સ્થળો, સાહિત્ય, સંસ્થાઓ, વિશિષ્ટ વિભૂતિઓની માહિતી મળે છે. ગુજરાત, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય શહેરો વિશે વિગતવાર માહિતી મૂકવામાં આવી છે. ગુજરાતની સેવાભાવી વ્યક્તિઓ, સંસ્થાઓ, સ્વાતંત્ર્ય સૈનિકો વગેરેની વિગત અન્ય વિશ્વકોશમાં તો ક્યાંથી હોય ? તે ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીને મેડિકલ, એન્જિનિયરિંગ, ખગોળવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર વિશે પોતાની માતૃભાષામાં જાણકારી મળી રહે છે.

માત્ર ગુજરાતી વિશ્વકોશની રચના સુધી જ પોતાનું કાર્ય મર્યાદિત રાખવાને બદલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેવી અનેકવિધ સર્જનાત્મક અને લોકોપયોગી પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. વિશ્વકોશને વિશ્વસંસ્કૃતિ ભણી લઈ જવાની ઉમેદ સાથે વિશ્વકોશે વિવિધકોશ તૈયાર કર્યા જેમાં બાળવિશ્વકોશ, પરિભાષાકોશ, ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો કોશ, બૃહદ નાટ્યકોશ (ભાગ-1,2), જૂની રંગભૂમિનો કોશ જેવા માહિતીસમૃદ્ધ અને પ્રમાણભૂત કોશ પ્રગટ કર્યા અને માતૃભાષા ગુજરાતીમાં જુદા જુદા વિષયના આવા કોશ તૈયાર કરીને જ્ઞાનના સીમાડાઓ વિસ્તારવાનો પ્રયાસ કર્યો.

આજે ગ્રંથાલયવિજ્ઞાન કોશ, નારીકોશ, સંતકોશ, બૃહદ નાટ્યકોશ વગેરેનું કાર્ય ચાલી રહ્યું છે. આની સાથોસાથ વિશ્વકોશે શિક્ષણ, સાહિત્ય, કલા અને સંસ્કારને ઉપકારક એવી વિવિધ પ્રવૃત્તિઓ કરી. એમાં પુસ્તક પ્રકાશન, વ્યાખ્યાનશ્રેણીઓ, વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને ઍવૉર્ડ, જુદા જુદા કેન્દ્રો, સામયિક પ્રકાશન, કાર્યશિબિર (workshop), વિવિધ સ્પર્ધાઓ, બાળ-કિશોર અને મહિલાઓ માટેના કાર્યક્રમો અવિરત ચાલી રહ્યા છે. અને તેને પરિણામે વિશ્વકોશ એ વ્યક્તિના સર્વાંગીણ વિકાસને અનુલક્ષીને કરાયેલો જ્ઞાનયજ્ઞ બની રહ્યો છે અને એના દ્વારા ગુજરાતી ભાષામાં વિશ્વ સંસ્કૃતિની માહિતી આપતો જ્ઞાનસાગર પ્રાપ્ત થયો છે.