લલિતકલાકેન્દ્ર અને કલાવીથિકા (આર્ટ ગૅલરી)

ધીરુભાઈ ઠાકરની એવી ઇચ્છા હતી કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતની અસ્મિતાને પ્રગટ કરતું એક સંસ્કૃતિકેન્દ્ર બને. તેના માટે એમના આર્થિક સહયોગથી લલિતકલાકેન્દ્રની સ્થાપના 2 જાન્યુઆરી, 2010ના રોજ થઈ. જેનું ઉદઘાટન જાણીતા સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલે કર્યું હતું અને ગુજરાતના જાણીતા સ્વરકાર અને સંગીતકાર શ્રી અમર ભટ્ટે કવિશ્રી રમેશ પારેખનાં કાવ્યોની સંગીતમય રજૂઆત કરી હતી. આ કેન્દ્ર અંતર્ગત સુગમસંગીત, શાસ્ત્રીયસંગીત, નૃત્ય, નાટક, ચિત્ર, ફિલ્મ અને ફોટોગ્રાફીને લગતા કાર્યક્રમો નિયમિત થતા રહ્યા છે.

લલિતકલાકેન્દ્ર અંતર્ગત કુમુદિની લાખિયા, સ્મિતા શાસ્ત્રી, સુપ્રભા મિશ્રા, ઉમા અનંતાણી, શિવાંગી વિક્રમ જેવાં નૃત્યકારોએ નૃત્ય પ્રસ્તુતિ કરી છે. ભરતનાટ્યમની ત્રણ દિવસની શિબિરનું આયોજન કર્યું હતું તેમાં મુંબઈના વૈભવ આરેકર ઉપસ્થિત રહ્યા હતા.

સુગમસંગીત માટે અમને શ્રી અમરભાઈ ભટ્ટનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો છે. રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, મકરન્દ દવે, ઉમાશંકર જોશી, ચંદ્રકાન્ત શેઠ, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુક્લ, અમૃત ઘાયલ, હરીન્દ્ર દવે વગેરે કવિઓની કવિતાની સંગીતમય પ્રસ્તુતિ તેમના કંઠે થયેલી છે. ક્ષેમુ દિવેટિયા, દક્ષેશ ધ્રુ, અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈનાં સ્વરાંકનો તેમજ અનૂદિત કવિતાઓ તેમના સ્વરમાં સાંભળવા મળે છે. અમર ભટ્ટની ગાયકીની ચાહના લોકોમાં પુષ્કળ પ્રમાણમાં છે.

ચિત્રકલા માટે કલાવીથિકા(આર્ટ ગૅલરી)ની જરૂરિયાત જણાતાં તેની પણ રચના કરવામાં આવી અને 28 મે, 2011ના રોજ શ્રી હકુ શાહનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું જેનું ઉદઘાટન જાણીતા ચિત્રકાર શ્રી અમિત અંબાલાલે કર્યું. કલાવીથિકાના સર્જનમાં અને તેના તમામ કાર્યક્રમોમાં શ્રી અનિલ રેલિયા અને શ્રી ભૈરવી મોદીનો હંમેશાં સહકાર મળતો રહ્યો છે. કલાવીથિકામાં સર્વશ્રી મનુ પારેખ, અમિત અંબાલાલ, હકુ શાહ, ગુલામમોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, નબીબક્ષ મન્સૂરી, મનહર કાપડિયા, નીલિમા શેખ, નટુભાઈ પરીખ જેવાં નામાંકિત કલાકારોનાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે. રતિલાલ કાંસોદરિયા, કાર્લ આન્તો અને ધ્રુવ મિસ્ત્રી જેવા શિલ્પકારોએ પણ તેમની કલાયાત્રાની વાત કરી છે.

રવીન્દ્રનાથ ટાગોર, નિરંજન ભગત, કાન્ત કે એવા અન્ય પ્રશિષ્ટ કવિ-લેખક વિશે યોજાતા સેમિનાર વખતે તેને લગતી માહિતી અને તસવીરોનું પ્રદર્શન પણ કલાવીથિકામાં યોજાય છે.

ગુજરાત વિશ્વકોશના લલિતકલાકેન્દ્રની એક વિશેષતા એ છે કે એની પાસે કલાવીથિકા(આર્ટ ગૅલરી)ની સાથોસાથ સભાખંડ હોવાથી જે કોઈ કલાકાર એનાં ચિત્રો કે તસવીરોનું પ્રદર્શન કરે, તે આ સભાખંડમાં પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનથી પોતાની કલાયાત્રાની વાત કરે છે અને એ રીતે ભારતના ઘણા પ્રસિદ્ધ કલાકારોએ અહીં પોતાની કેફિયત રજૂ કરી છે, આ ઉપરાંત આ કલાકેન્દ્ર દ્વારા કાવ્યસંગીત, શાસ્ત્રીય સંગીત, નાટ્યપ્રસ્તુતિ, વાચિકમ્, કાવ્યપઠન, નૃત્યપ્રસ્તુતિ, કલાગ્રંથવિમોચન,  ચિત્રપ્રદર્શન અને ફોટોગ્રાફીને લગતા કાર્યક્રમોનું આયોજન થાય છે. વિશ્વકોશમાં આવતા સંગીત, નૃત્ય, ચિત્રના કલાકારોનું મિલન કલારસિકોને માટે એક નજરાણું બની રહે છે, એ જ રીતે ઉત્તમ કક્ષાની ટેલિફિલ્મ અને ફિલ્મપ્રસ્તુતિનો કાર્યક્રમ પણ એની સમીક્ષા સાથે યોજાય છે.

બાળકો માટેની પ્રવૃત્તિ

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓના પ્રગટીકરણ માટે ક્વિઝ, ચિત્ર, નિબંધ, વક્તૃત્વ, એકપાત્રીય અભિનય અને નાટકની સ્પર્ધાઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. 2015થી શાળાના વિદ્યાર્થીઓ માટે ‘સ્વ. હરિકેત પાઠક ચિત્રસ્પર્ધા’નું પ્રતિવર્ષ નિયમિત આયોજન કરવામાં આવે છે. ગાંધીવિચારક અને ચિંતક શ્રી દક્ષાબહેન પટ્ટણીની સ્મૃતિમાં સ્કૂલો અને કૉલેજોમાં 2022થી ‘વિદુષી દક્ષાબહેન પટ્ટણી નિબંધસ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે. જેનો વિષય ગાંધી કેન્દ્રિત હોય છે.

શ્રી ધીરુબહેન પટેલ બાળકિશોર સાહિત્યકેન્દ્ર

માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનહદ પ્રેમ ધરાવનાર જાણીતાં સર્જક શ્રી ધીરુબહેન પટેલ એમ માનતાં હતાં કે બાળકો અને કિશોરો માતૃભાષામાં લખતાં-વાંચતાં થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. આ કેન્દ્ર અંતર્ગત એવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં બાળનાટક, માતૃભાષા વિશેનાં કાવ્યોની બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કિશોરકથાસ્પર્ધાનું આયોજન કરેલું જેમાં આશરે 75થી 80 કિશોરકથા આવી હતી. આ કેન્દ્ર અંતર્ગત બાળકો અને કિશોરો માટેનાં પુસ્તકોનું પ્રકાશન પણ થયું છે.

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા ભાષાશુદ્ધિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર દ્વારા બહુવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રતિવર્ષ માતૃભાષાદિનની ઉજવણી કરવામાં આવે છે તો પ્રૂફરીડિંગના કોર્સનું આયોજન પણ કરવામાં આવે છે. માતૃભાષાની સજ્જતા માટે સરળ અને રસપ્રદ શૈલીમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર અને શ્રી પિંકી પંડ્યા 28 એપ્રિલ, 2023થી ગુજરાતી ભાષાપ્રેમીઓ માટે મહિનાના બીજા અને ચોથા શનિવારે વર્ગો લે છે, જેમાં પ્રત્યેક ઉંમરના અને જુદાં જુદાં ક્ષેત્રો સાથે સંકળાયેલા અનેક લોકો ઉત્સાહથી ભાગ લે છે.

વિશ્વસંસ્કૃતિદિવસ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના બીજી ડિસેમ્બર, 1985ના રોજ થઈ. ધીરુભાઈ ઠાકરે બીજી ડિસેમ્બરને વિશ્વસંસ્કૃતિદિવસ તરીકે ઊજવવો તેમ નક્કી કર્યું. આ દિવસે વ્યાખ્યાન, વિશ્વની ઉત્તમ કવિતાઓ જે ગુજરાતીમાં અનુવાદ પામી હોય તેનું કાવ્યગાન વગેરે કાર્યક્રમો યોજાય છે.

સામાન્ય રીતે સ્થાપનાદિવસ હોય તે દિવસે સંસ્થામાં રજા હોય પણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તેના સ્થાપનાદિવસની ઉજવણી આમ જુદી રીતે જ કરે છે.

ઑનલાઇન પ્રસ્તુતિ

વિશ્વકોશ ઑનલાઇન

2009માં વિશ્વકોશની ગ્રંથશ્રેણી પૂર્ણ થઈ, પરંતુ બદલાતા પરિવર્તનની સાથે તાલ મિલાવવા ‘ગુજરાતી વિશ્વકોશ’ ગ્રંથમાંથી સ્ક્રીન ઉપર આવે તે જરૂરી હતું. અત્યારનો સમય ઑનલાઇનનો છે. આવનારા સમયને પારખીને આ ગ્રંથો ઑનલાઇન મૂકવા માટે શ્રી કુમારપાળ દેસાઈ સતત ચિંતિત હતા. સાતેક વર્ષના પરિશ્રમના અંતે વિશ્વકોશનાં છવ્વીસ હજાર પાનાં ઑનલાઇન મુકાયાં. ગુજરાતી વિશ્વકોશના આ ગ્રંથોમાં 170 જેટલા વિષયોનાં ચોવીસ હજારથી પણ વધારે લખાણો ધરાવતો આ જ્ઞાનસાગર હવે કમ્પ્યૂટર કે મોબાઇલમાં ઉપલબ્ધ બન્યો છે. https://gujarativishwakosh.org ટાઇપ કરવાથી તે ઑનલાઇન જોઈ શકાશે. દરેક ગ્રંથમાં તે ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેનું વર્ષ મળશે, જેથી એનો ખ્યાલ આવશે કે કયા સમય સુધીની માહિતી આ અધિકરણમાંથી મળશે. વિશ્વકોશનાં અધિકરણોનાં શીર્ષકથી, વિષયથી કે લેખકના નામથી સર્ચ કરીને માહિતી મેળવી શકાય છે. મોબાઇલમાં ગુજરાતી કી-બોર્ડ ઇન્સ્ટોલ કર્યા પછી તે જોઈ શકાશે. ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય આમાંથી પ્રાપ્ત થાય છે તેમજ નિષ્ણાતો દ્વારા લખાયેલા સ્વતંત્ર લેખોથી વિશ્વ વિશે અને ભારત વિશે અદ્યતન અને પ્રમાણભૂત માહિતી પણ પ્રાપ્ત થશે. આજે દેશવિદેશના લાખો લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2020ની છઠ્ઠી ડિસેમ્બરે ઑનલાઇન વિશ્વકોશનું વિમોચન કર્યું હતું.

‘વિશ્વવિહાર’ સામયિક

દર મહિને પ્રકાશિત થતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના, વિશ્વની ગતિવિધિ આલેખતા સામયિક ‘વિશ્વવિહાર’ના પ્રત્યેક મૂલ્યવાન લેખો ક્રમશઃ યૂટ્યૂબ પર સાંભળી શકાશે.

જ્ઞાન-વિજ્ઞાનવિષયક પ્રવચનો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં યોજાતું દરેક પ્રવચન યૂટ્યૂબ પર પ્રાપ્ત થશે. કેટલાંક પ્રવચનો ફેસબુક પર લાઇવ કરવામાં આવે છે.

વિશ્વકોશ, તમારે આંગણે

દર બુધવારે અને દર શનિવારે ‘વિશ્વકોશ તમારે આંગણે’ નામના વિભાગમાં ‘ગુજરાતી વિશ્વકોશ’ અને ‘બાળવિશ્વકોશનાં અધિકરણો’ તેમજ ‘આજનો વિચાર’, ‘પ્રસંગમાધુરી’ જેવા વિભાગો વૉટ્સએપ પર જોઈ શકાશે.

બાળવાર્તાની પ્રસ્તુતિ

દર રવિવારે સવારે 10-30 વાગ્યે બાળકોને ગમી જાય તેવી વાર્તા અને બાળગીતની પ્રસ્તુતિ યૂટ્યૂબ દ્વારા કરવામાં આવે છે.

વિશ્વકોશ : ઈ-બુક્સ

વિશ્વકોશના મહત્વના ગ્રંથો ઈ-બુક્સ તરીકે ઉપલબ્ધ થશે. ગૂગલમાં અંગ્રેજીમાં gujarativishwakosh.org/ebooks ટાઇપ કરીને ઈ-બુક્સ ઉપર ક્લિક કરશો. આ ઈ-બુક્સ વાંચવા માટે આપના કમ્પ્યૂટર કે મોબાઇલમાં e-pub reader / ebook reader આવશ્યક છે.

શૈક્ષણિક પ્રવૃત્તિ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે માતૃભાષા અંતર્ગત વ્યાખ્યાન યોજાય છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા ભાષા, જોડણી, ઉચ્ચારણ, વ્યાકરણને લગતી તમામ બાબતો વિશે અભ્યાસ ચાલે છે. તેમાં તેમને પિંકી પંડ્યાનો ઉમદા સહયોગ મળે છે. ક્યારેક પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશનથી પણ તેમની સમજૂતી આપવામાં આવે છે. આ અભ્યાસનો લાભ ઘણા લોકો લઈ રહ્યા છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે પ્રૂફરીડિંગનો કોર્સ કર્યો હતો. આ અભ્યાસ કરાવવા માટે જોડણી-વ્યાકરણ વિષયના તજજ્ઞો તેમજ જાણીતા પ્રૂફરીડરો નિયમિત પ્રૅક્ટિસ માટે આવતા હતા. કોર્સના અંતે તેઓની પરીક્ષા લઈને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

રોબૉટિક્સના વર્ગોનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે આ વિષય સાથે અભ્યાસ કરવો હોય તો ખૂબ ઊંચી ફી ભરવી પડે. વળી અંગ્રેજી ભાષામાં શિખવાડવામાં આવે છે. વિશ્વકોશ ટ્રસ્ટે એવો પ્રયત્ન કર્યો કે ગુજરાતી ભાષામાં આ વર્ગો ચલાવવા. વળી ફીનું ધોરણ પણ નજીવું રાખવું. આ વર્ગોમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સેમિનાર

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સેમિનારનું પણ આયોજન કરે છે. ખાસ કરીને કેન્દ્રની સાહિત્ય અકાદમી દ્વારા યોજાતા સંગોષ્ઠી, આખા દિવસનો પરિસંવાદ, મીટ ધ ઓથર વગેરે કાર્યક્રમોનું આયોજન થાય છે.

કોશ સાહિત્યને લગતો સેમિનાર પણ વિશ્વકોશ ટ્રસ્ટમાં થયો હતો. કોશ, તેના પ્રકાર, વિદ્યાશાખાવાર કોશ, શબ્દકોશ, જોડણીકોશ વગેરે વિષયોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.

ગૂજરાત વિદ્યાપીઠ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી અને અર્હમ્ સ્પિરિચ્યુઅલના ઉપક્રમે વીરચંદ રાઘવજી ગાંધી વિશેનો પરિસંવાદ તથા તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

જૈન સાહિત્યનાં જ્ઞાનસત્ર પણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહમાં યોજાયાં છે.

હિંદી સાહિત્ય વિષયના સેમિનાર પણ અહીં યોજાય છે. આ બધા સેમિનારમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું બહુ મોટું યોગદાન હોય છે.

‘વિશ્વા’

ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર શ્રી ધીરુબહેન પટેલ મુંબઈ છોડીને કાયમી વસવાટ માટે અમદાવાદ આવ્યાં. તેઓ નિયમિત રીતે વિશ્વકોશ ભવનમાં આવતાં. ધીરુબહેન પટેલ એટલે નવા નવા વિચારો કરનાર અને આયોજનો કરનાર. તેમને વિચાર આવ્યો કે સામાન્ય રીતે 40 વર્ષની વય વટાવી ચૂકેલી શિક્ષિત અને નોકરી નહીં કરતી બહેનોના જીવનમાં એક પ્રકારનો ખાલીપો વર્તાય છે. આ બહેનો આનંદપૂર્વક પોતાની શક્તિઓનો સદુપયોગ કરે તેવા હેતુથી 7 જુલાઈ, 2016થી ‘વિશ્વા’ની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. ‘વિશ્વા’માં માત્ર બહેનોને જ કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ધીરુબહેનની એવી ઇચ્છા પણ ખરી કે એક મૅગેઝિન તૈયાર થાય. તેમાં માત્ર બહેનોના જ લેખો આવે અને તેનું સંપૂર્ણ સંચાલન બહેનો જ કરે. પરિણામે તેમના અવસાન પછી ‘વિશ્વા’ નામ સાથે 29 મે, 2023ના રોજ તેમની જન્મતિથિના દિવસે અંક પ્રકાશિત કર્યો. તે દર ત્રણ મહિને પ્રકાશિત થાય છે. ‘વિશ્વા’ દ્વારા ચિત્ર, સંગીત, હાસ્ય, પર્યાવરણ, આરોગ્યવિષયક, કાયદાવિષયક વ્યાખ્યાનો તેની નિષ્ણાત બહેનો દ્વારા યોજાય છે. કોરોના દરમિયાન સાંકળકથાનો પ્રયોગ પણ બહુ સફળ રહ્યો હતો.વાર્તાલેખન, નાટકની પ્રસ્તુતિ, વ્યાખ્યાન, વાચિકમ્, એકાંકીલેખનસ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. એક દિવસનો પ્રવાસ, વાનગીસ્પર્ધા અને બેઠા ગરબામાં બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ કરે છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગૅઝેટિયર

ગુજરાત સરકારે ગૅઝેટિયરનું કામ કર્યું છે. ગુજરાતના દરેક જિલ્લાના ગૅઝેટિયર પ્રકાશિત થયા છે. આ ગૅઝેટિયરમાં દરેક જિલ્લાનાં રાજકારણ, અર્થતંત્ર, ઇતિહાસ, ભૂગોળ, સામાજિક રિવાજ, સાહિત્ય વગેરે વિષયની માહિતી આપતો દળદાર ગ્રંથ સરકાર તૈયાર કરે છે.

ગુજરાત સરકારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને ગૅઝેટિયરનું કામ સોંપ્યું હતું. સરકાર પાસેથી તેની સંપૂર્ણ વિગત આવે તેને બરાબર ચકાસીને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ડાંગ, જૂનાગઢ જિલ્લા અને પંચમહાલ જિલ્લાનું ગૅઝેટિયર પ્રકાશિત કર્યું છે. આ ગૅઝેટિયરના અંતે શબ્દસૂચિ પણ મૂકવામાં આવી છે.

આર્કાઇવ્ઝ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે એના આર્કાઇવ્ઝ વિભાગ દ્વારા ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વની વસ્તુઓ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં ગુજરાતી ભાષામાં એક વ્યક્તિએ એકલે હાથે ‘જ્ઞાનચક્ર’ને નામે વિશ્વકોશ તૈયાર કરવાનો પુરુષાર્થ કર્યો હતો, તેની હસ્તપ્રત જળવાયેલી છે, તો ગુજરાતના સમર્થ સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની કાવ્યકૃતિ ‘સ્નેહમુદ્રા’ એમના હસ્તાક્ષરમાં મળે છે. એવી જ રીતે શાયર મરીઝની ડાયરી અને નાટ્યકાર ચં. ચી. મહેતાની સ્મૃતિભેટો પણ વિશ્વકોશના આર્કાઇવ્ઝમાં સચવાયેલી છે. જુદા જુદા સાહિત્યકારો અને કલાકારોના જીવનની તસવીરો પણ અહીં સીડી રૂપે જાળવી રાખી છે.

શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહમાં સાહિત્ય, કલા અને અન્ય ક્ષેત્રોનાં સતત વ્યાખ્યાનો ચાલતાં હોય છે અને એ ઉપરાંત નાટક, સંગીત, નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો 175 પ્રેક્ષકોનો સમાવેશ કરતા આ સભાગૃહમાં અવિરત ચાલતા રહે છે.

શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ

વિશ્વકોશમાં જ્ઞાન અને વિચારની નવી તરાહોની વાત થાય, સાહિત્ય અને કલાના પ્રકલ્પોની ચર્ચા થાય તેમજ કોઈ વિષયની ગવેષણા થાય તે માટે એક અદ્યતન સભાગૃહની જરૂર હતી અને તેથી એકસો બેઠકો ધરાવતું શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ તૈયાર કરવામાં આવ્યું અને આજે એ ચર્ચા સભાઓ અને વૈચારિક ગોષ્ઠિનું મહત્વનું સ્થાન બની ગયું છે.

અનાહત ખંડ

સ્વ. કાન્તાબહેન ચીમનલાલ મહેતા અને ચીમનલાલ કે. મહેતાની સ્મૃતિમાં અદ્યતન દૃશ્ય-શ્રાવ્ય ખંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ઓડિયો-વીડિયોનાં સાધનો રાખવામાં આવ્યાં છે. અગ્રણી વ્યક્તિની મુલાકાતો અને સંગીતના કાર્યક્રમોનું ધ્વનિ-મુદ્રણ અને વીડિયોગ્રાફી થાય છે.

ગૂર્જર ગ્રંથભંડાર

વિશ્વકોશ અને ગૂર્જરનાં સાહિત્ય અને સંસ્કારપ્રેરક પુસ્તકો વળતરથી ઉપલબ્ધ થાય તે માટે શ્રી મનુભાઈ શાહના સહયોગથી વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે.

શ્રી સંવેગભાઈ લાલભાઈના પરિવારના અને શ્રી મધુરી ડી. દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિશ્વકોશભવનના બીજા માળે જુદા જુદા વિષયોની કાર્યશિબિરો અને સ્પર્ધા યોજી શકાય તે માટે એક વિશાળ ખંડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં લિપિ, હસ્તપ્રત, પ્રૂફરીડિંગના અભ્યાસક્રમથી માંડીને ડૉક્યુમેન્ટરીના નિર્માણ સુધીની પ્રક્રિયાઓ શીખવવામાં આવે છે. વળી અહીં અવારનવાર પુસ્તક-પ્રદર્શન અને ચિત્રસ્પર્ધા પણ યોજાતી હોય છે.