છેલ્લા અઢી દાયકાથી વણથંભી ચાલતી વિશ્વકોશની યાત્રા તેમજ ગુજરાતી પ્રજા માટે ઐતિહાસિક ક્ષણ આવી 2009ની 15 ડિસેમ્બરે. તે દિવસે બે ઘટના બની. ગુજરાતની સ્થાપનાના રજતજયંતી વર્ષમાં શરૂ થયેલ વિશ્વકોશની રચનાનું કાર્ય સુવર્ણજયંતી વર્ષમાં પૂર્ણ થયું. ‘ગુજરાતી વિશ્વકોશ’ના પચીસ ગ્રંથોની ગ્રંથશ્રેણી ગુજરાતને ચરણે ધરીને ગુજરાતી પ્રજાને ગૌરવ બક્ષ્યું. તો તેની સાથે જ ગુજરાતના કેળવણીકાર અને ‘મુછાળી મા’નું બિરુદ પામનાર ગિજુભાઈ બધેકાનું બાળવિશ્વકોશની રચનાનું સ્વપ્ન સાકાર થયું. તેના પ્રથમ ગ્રંથનું વિમોચન તે દિવસે જ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું. પૂજ્ય મોરારિબાપુ અને શ્રી ગુણવંત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો.
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના સંપાદન હેઠળ ગુજરાતી બાળવિશ્વકોશના દસ ભાગ (2009-2019) બાળકો હોંશે હોંશે વાંચે તેવા આર્ટ પેપરમાં આકર્ષક લે-આઉટ અને રંગીન ચિત્રો સાથે પ્રકાશિત થયા. તે માટે જાણીતા ચિત્રકાર શ્રી રજની વ્યાસનો સહકાર પ્રાપ્ત થયો. બાળવિશ્વકોશ એટલે બાળવિશ્વનો કોશ. બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં અને રસપ્રદ શૈલીમાં આ કોશ તૈયાર કરવામાં આવ્યો છે.
ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, કલા, ટૅક્નૉલૉજી અને બાળવિશ્વની જિજ્ઞાસાને સંતોષે તેવા તમામ વિષયોને આવરી લેતા આ દસ ગ્રંથમાં 6176 રંગીન ચિત્રો સાથે 2350 લખાણો(અધિકરણો)નો સમાવેશ કર્યો છે. 2972 પૃષ્ઠના આ દસ ગ્રંથો ગુજરાતની મોટાભાગની શાળાઓએ વસાવ્યા છે. અંજના ભગવતી, શુભ્રા દેસાઈ, અમલા પરીખ અને શ્રદ્ધા ત્રિવેદી આરંભથી જ બાળવિશ્વકોશ સાથે જોડાયાં, ત્યારબાદ રાજશ્રી મહાદેવિયાનો પણ સાથ મળ્યો.
બાળવિશ્વકોશના વિમોચન પ્રસંગના ફોટો આપ અહીં આપેલી લિંક ઉપરથી જોઈ શકશો.
https://www.facebook.com/media/set/?set=a.1635714933860639&type=3