જ. ૨૦ નવેમ્બર, ૧૯૦૫ અ. ૨૮ મે, ૧૯૯૮
સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી સાંસદ. પારસી પરિવારમાં જન્મ. મૂળ નામ મિનોચર રુસ્તમ મસાણી પણ હેતથી બધા મીનુ કહેતા. ૧૯૨૫માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. કૉલેજનાં વર્ષો દરમિયાન યૂસુફ મહેરઅલીના પરિચયમાં આવ્યા, જેમણે કાયદો તથા રાજકારણમાં રસ જગાવ્યો. ત્યારબાદ તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ માટે ગયા અને ઇંગ્લૅન્ડથી બાર-એટ-લૉની ડિગ્રી લઈ ભારત પાછા આવ્યા. ૧૯૨૯માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ઍડ્વોકેટ તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩-૪૪માં નગરપતિપદે રહ્યા. ૧૯૩૪માં તેમના નેતૃત્વમાં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની મુંબઈ શાખાની સ્થાપના થવાથી તેમાં સહમંત્રી બન્યા. ૧૯૩૫માં કેન્દ્રીય વિધાનસભામાં શામેલ થયા. ૧૯૩૮માં આ જ પક્ષના લાહોર અધિવેશનના તેઓ પ્રમુખ નિમાયા પણ ૧૯૩૯માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું. સ્વતંત્રતા બાદ ૧૯૪૮-૪૯ સુધી બ્રાઝિલમાં ભારતના રાજદૂત તરીકે કાર્ય કર્યું. ૧૯૫૭માં અપક્ષ ઉમેદવાર તરીકે બિહારના રાંચી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને ૧૯૭૧ સુધી સાંસદ રહ્યા. ૧૯૫૯માં ચક્રવર્તી રાજગોપાલાચારી સાથે જોડાઈને સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આ દરમિયાન તેઓએ લોકસભામાં મુખ્ય વિરોધપક્ષનો દરજ્જો મેળવ્યો.
૧૯૭૧ની ચૂંટણી હારી ગયા પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છતાં ડી.આર.એમ. અને ‘ફ્રીડમ ફર્સ્ટ’નું પ્રબંધન જારી રાખ્યું. કટોકટીનો વિરોધ કરવા ‘ફ્રીડમ ફર્સ્ટ’ ત્રૈમાસિકનો પ્રારંભ કરેલો. ૧૯૭૮માં જનતા પક્ષની સરકારે તેમને લઘુમતી પંચના અધ્યક્ષ નીમેલા. તેમણે ભારતની આર્થિક સ્થિતિના સંદર્ભમાં ‘પ્રોજેક્ટ ફોર ઇકૉનૉમિક એજ્યુકેશન’ની સ્થાપના કરેલી. અર્થતંત્ર અને સમાજવ્યવસ્થાને આવરી લેતા વિષયો પર તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ‘અવર ઇન્ડિયા’ (૧૯૪૦) જે શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે ગણના પામેલું તથા ભારતની વિવિધ ભાષાઓમાં અનૂદિત પણ થયેલું. ‘સોશિયાલિઝમ રીકન્સિડર્ડ’ (૧૯૪૪), ‘પ્લી ફોર અ મિક્સડ ઇકૉનૉમી’ (૧૯૪૭), ‘ટૂ મચ પૉલિટિક્સ, ટૂ લિટલ સિટીઝનશિપ’ (૧૯૬૯) નોંધપાત્ર છે. ‘બ્લિસ બૉઝ ઇટ ધેટ ડૉન’ (૧૯૭૭) અને ‘અગેન્સ્ટ ધ ટાઇડ’ (૧૯૮૧) તેમની આત્મકથાના બે ગ્રંથો છે. ‘વી ઇન્ડિયન્સ’ તેમનો અંતિમ પ્રકાશિત ગ્રંથ છે.
રાજશ્રી મહાદેવિયા