રમેશ પારેખ


જ. ૨૭ નવેમ્બર, ૧૯૪૦ અ. ૧૭ મે, ૨૦૦૬

ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર રમેશ પારેખનો જન્મ અમરેલીમાં મોહનલાલ અને નર્મદાબહેનને ત્યાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન અમરેલીમાં જ લીધેલું. ૧૯૫૮માં મૅટ્રિક થયા. ૧૯૬૦થી જિલ્લા પંચાયત,  અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ તેમની સર્જકતાનાં પ્રેરક બળો રહ્યાં છે. નાનપણથી જ સંગીતનો શોખ. એમણે ‘મૉરલ મ્યુઝિક ક્લબ’ પણ સ્થાપેલી. તેમને ચિત્રકલા, જ્યોતિષ અને હિપ્નૉટિઝમમાં પણ રસ હતો. કવિ અનિલ જોશીની મૈત્રીએ તેમને પ્રેરણા આપેલી. એ રીતે એમની આધુનિકતાની સમજણ પણ ઘડાતી રહી. ૧૯૭૭થી તેઓ રાજકોટમાં રહેતા હતા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં ? ૧૯૭૦માં પ્રગટ થતાં તેમની એક અગ્રણી કવિ તરીકેની ગણના થવા માંડી. તેમની પાસેથી ‘ખડિંગ’, ‘ત્વ’, ‘સંનનન’, ‘ખમ્મા આલા બાપુને’, ‘મીરા સામે પાર’ ‘વિતાન સુદ બીજ’, ‘છાતીમાં બારસાખ’, ‘સ્વાગત પર્વ’ વગેરે મળી ૧૨ જેટલા કાવ્યસંગ્રહો મળ્યા છે. આ કવિની કવિતામાં ભાવ, ભાષા અને અભિવ્યક્તિની તાજગી, નવીનતા અને વૈવિધ્ય પ્રાપ્ત થાય છે. ‘છ અક્ષરનું નામ’ (૧૯૯૨) તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. તેમણે અનેક કાવ્યરૂપોમાં સર્જન કર્યું છે, પણ ગીત અને ગઝલ પર વિશેષ પ્રભુત્વ છે. એમનાં અનેક ગીતો લોકકંઠે સચવાયાં છે.

‘સ્તનપૂર્વક’ એમનો વાર્તાસંગ્રહ છે અને ‘સગપણ  એક ઉખાણું’ તેમનું ત્રિઅંકી નાટક છે.

ગુજરાતી બાળસાહિત્યક્ષેત્રે તેમનું પ્રદાન ચિરસ્મરણીય છે. ‘હાઉક’, ‘ચીં’, ‘હસીએ ખુલ્લમ્-ખુલ્લા’, ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ – એ તેમના બાળકાવ્યસંગ્રહો છે. બાળભોગ્ય ધિંગામસ્તીનું વિષયવસ્તુ તેમજ ગેયતાને કારણે તેમનાં બાળકાવ્યો બાળપ્રિય બન્યાં છે. ‘હું ને ચંદુ છાનામાના’, ‘એકડો સાવ સળેકડો’ વગેરે કાવ્યો  ખૂબ લોકપ્રિય થયાં છે. તેમની પાસેથી પાંચેક બાળવાર્તાસંગ્રહો મળ્યા છે. ‘કોનું કોનું જાંબુ ?’ તેમની ખૂબ જાણીતી વાર્તા છે. તેમને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાં કુમાર ચંદ્રક, નર્મદચંદ્રક, ૧૯૮૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૮નો ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, ૧૯૯૪નો દિલ્હી સાહિત્ય  અકાદેમી પુરસ્કાર, ૨૦૦૪માં નરિંસહ મહેતા ઍવૉર્ડ તથા ૨૦૧૧નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાળ સાહિત્ય પુરસ્કાર’નો સમાવેશ થાય છે.

શ્રદ્ધા ત્રિવેદી