વિજયરાઘવ રાવ


જ. ૩ નવેમ્બર, ૧૯૨૫ અ. ૩૦ નવેમ્બર, ૨૦૧૧

સુવિખ્યાત વાંસળીવાદક, નૃત્યકાર, નૃત્યનિર્દેશક વિજયરાઘવ રાવનો જન્મ ચેન્નાઈમાં પિતા રામારાવ તથા માતા સુબ્બૈયમ્માને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ રુચિ હતી. ૧૯૪૬માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. કૉલેજકાળ દરમિયાન પોતાની શિક્ષણસંસ્થામાં વાદ્યવૃંદના સંચાલક તથા કલાસંઘના મંત્રીપદે કામ કર્યું હતું. નૃત્યકાર ઉદયશંકર તથા રુક્મિણીદેવી ઍરુન્ડેલનાં નૃત્યોથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે નૃત્યની તાલીમ લેવાનો નિર્ધાર કર્યો. ચોક્કાલિંગમ્ પિલ્લઈ તથા મીનાક્ષી પિલ્લઈના શિષ્ય બની ‘કલાક્ષેત્ર’ નૃત્ય સંસ્થામાં ભરતનાટ્યમ્ નૃત્યની તાલીમ લીધી. નૃત્યમાં નિપુણતા મેળવી ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં કાર્યક્રમ આપ્યા. તેઓ તારા ચૌધરી અને રામગોપાલ જેવા અગ્રણી નૃત્યકારોની મંડળીમાં જોડાયા. આ મંડળી સાથે તેમણે લાહોર, દિલ્હી વગેરે સ્થળોએ જાહેર કાર્યક્રમો આપ્યા. ગુલામ સાબિરખાં તથા રોશનબીબી જેવાં સંગીતજ્ઞોની ભલામણથી ૧૯૪૬માં તેઓ દિલ્હી આકાશવાણીના સંગીત વિભાગના નિયમિત કલાકાર તરીકે નિયુક્ત થયા. દિલ્હી ખાતેના રોકાણ દરમિયાન તેમણે સંગીતની સાધના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વાંસળીવાદન શીખવાનું શરૂ કર્યું. પ્રથમ પંક્તિના વાંસળીવાદક તરીકે નામના મેળવી. આમ તેમના જીવનમાં ગાયન, વાદન અને નૃત્ય – આ ત્રણેય કલાઓનો સંગમ થયો. વાંસળીવાદન ઉપરાંત તેમણે ઉસ્તાદ હૈદરહુસેનખાં અને પંડિત રવિશંકર પાસેથી સિતારવાદનની તાલીમ તથા ઉસ્તાદ ગફાડારખાં પાસેથી શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી હતી. રવિશંકરની ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ જેવી પ્રસિદ્ધ નૃત્યનાટિકામાં સંગીતનિર્દેશન પણ કર્યું હતું. તેઓ તબલાં, મૃદંગ અને પિયાનો પણ સારાં વગાડી જાણતા હતા. તેઓ દિલ્હીની ‘સંગીત ભારતી’ તથા ‘ત્રિવેણી કલાસંગમ’ જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. તેમણે  સોવિયેત સંઘ, ચેક રિપબ્લિક, પોલૅન્ડ જેવા દેશોમાં પણ કાર્યક્રમો આપી લોકચાહના મેળવી હતી.

૧૯૭૦માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી સન્માન્યા હતા. ૧૯૮૨માં તેમને ‘ક્રિએટિવ ઍન્ડ એક્સપરિમેન્ટલ મ્યુઝિક’ શ્રેણીમાં સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ