સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ (2013)

આ ઍવૉર્ડ લલિતકલામાં જેમણે પોતાનું જીવન સમર્પિત કરીને ઉત્તમ પ્રદાન કર્યું હોય એવી વ્યક્તિને આપવામાં આવે છે. એક દિવસ વિશ્વકોશભવનમાં મિટિંગ માટે આવેલા શ્રી સી. કે. મહેતાએ ધીરુભાઈ ઠાકરના નામે ઍવૉર્ડ આપવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ ધીરુભાઈએ ઍવૉર્ડ સાથે પોતાનું નામ રાખવાની ના પાડી. તેથી ‘સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ એવું નામ આપવામાં આવ્યું. 2014માં ધીરુભાઈનું અવસાન થતાં આ ઍવૉર્ડનું નામ ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ રાખવામાં આવ્યું. ડૉ. ધીરુભાઈ ઠાકરના જન્મદિવસે એટલે કે 27મી જૂને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવે છે. આ ઍવૉર્ડમાં એક લાખ રૂપિયા, શાલ અને સ્મૃતિચિહનથી ઍવૉર્ડ વિજેતા વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઍવૉર્ડ શ્રી નારાયણ દેસાઈ (સાહિત્ય – 2013), શ્રી મૃણાલિની સારાભાઈ (નૃત્ય – 2014), શ્રી કે. જી. સુબ્રમણ્યન્ (ચિત્ર – 2015), શ્રી મંજુ મહેતા (સંગીત – 2016), શ્રી બાલકૃષ્ણ દોશી (સ્થાપત્ય – 2017), શ્રી ભરત દવે (નાટ્યકલા – 2018), શ્રી નિરંજન રાજ્યગુરુ (લોકસાહિત્ય – 2019), શ્રી જ્યોતિ ભટ્ટ (ચિત્રકલા-ફોટોગ્રાફી – 2020), શ્રી કુમુદિની લાખિયા (નૃત્ય – 2021), શ્રી ચંદ્રકાન્ત શેઠ (સાહિત્ય – 2022), શ્રી સરિતા જોશી(નાટક – 2023) અને શ્રી અમર ભટ્ટ(સંગીત – 2024)ને અર્પણ કરવામાં આવ્યો છે.

સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ (2016)

સમાજસેવાના ક્ષેત્રે પાયાનું કામ કરનારને સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ આપવામાં આવે છે. શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી અપાતો આ ઍવૉર્ડ શ્રી સંજય-તુલા, વિચરતા સમુદાય માટે કાર્ય કરનાર શ્રી મિત્તલ પટેલ, આદિવાસી સમાજમાં પરિવર્તન લાવનાર અને ગ્રામવિદ્યાપીઠનું સંચાલન કરનાર શ્રી હસમુખ પટેલ, અનેકવિધ સેવાકાર્ય કરનાર સુરેન્દ્રનગરનાં શ્રી નિરૂપાબહેન શાહને તથા વર્ષ 2024માં શ્રી જિજ્ઞાબહેન દવેને અર્પણ કરવામાં આવ્યો છે.

શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ (2018)

નવા વિચાર, નવા અભિગમ કે ટૅકનૉલૉજીના પ્રચાર દ્વારા લોકોના જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ કરી હોય કે પરિવર્તન આણ્યું હોય તેવી વ્યક્તિને ‘શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ’ અર્પણ કરવામાં આવે છે. સાંબરકાંઠાના પુંસરી ગામના પૂર્વ- સરપંચ શ્રી હિમાંશુ પટેલને આદર્શ ગામ બનાવવા બદલ, સજીવન ખેતી દ્વારા કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવનાર જતન ટ્રસ્ટ અને શ્રી કપિલભાઈ શાહને તથા પ્રાકૃતિક ખેતીમાં આગવું પ્રદાન કરવા માટે શ્રી ગોપાલભાઈ સુતરિયાને, વર્ષ 2024માં શ્રી હીરજીભાઈ ભીંગરાડિયા અને ગોદાવરીબહેન ભીંગરાડિયા આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવૉર્ડ (2023)

જાણીતા ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવેનું સ્વિટ્ઝર્લૅન્ડમાં આકસ્મિક અવસાન થયું. તેમના ભાઈ જગદીશ દવેએ તેમની સ્મૃતિ જળવાઈ રહે તેથી તેમના નામનો ઍવૉર્ડ અપાય તેવી ઇચ્છા વ્યક્ત કરી આર્થિક સહયોગ આપ્યો. જેનો પ્રથમ ઍવૉર્ડ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી અમિત અંબાલાલને 25 ઑગસ્ટ, 2023ના રોજ તથા વર્ષ 2024નો ઍવૉર્ડ શ્રી ઇન્દ્રપ્રમિત રૉયને એનાયત કરવામાં આવ્યો.

ડૉ. હેમરાજ વિ. શાહ પ્રેરિત કવિ નર્મદ પારિતોષિક (2023)

નર્મદના જન્મદિવસ 24 ઑગસ્ટે આ ઍવૉર્ડ આપવામાં આવે છે. વર્ષ 2023માટે આ ઍવૉર્ડ શ્રી રાજેન્દ્ર શુક્લને તથા વર્ષ 2024માટે આ ઍવૉર્ડ વર્ષાબહેન અડાલજાને અર્પણ કરવામાં આવ્યો હતો.

ચંદરયા પરિવાર પ્રેરિત રતિલાલ ચંદરયા માતૃભાષા ગૌરવ ઍવૉર્ડ (2023)

રતિભાઈ ચંદરયા માતૃભાષાના ચાહક હતા. તેમની સ્મૃતિમાં માતૃભાષા વિશે મહત્વનું કાર્ય કરનારને ઍવૉર્ડ આપવો તેમ નક્કી કર્યું છે. તેનો પ્રથમ ઍવૉર્ડ ઑક્ટોબર, 2023માં માતૃભાષાનું નિઃસ્પૃહભાવે કામ કરનાર શ્રી રૂપલ મહેતાને આપવામાં આવ્યો.

શિક્ષણવિદ શ્રી દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ (2024)

શિક્ષણક્ષેત્રના ધ્રુવતારક શ્રી દાઉદભાઈ ઘાંચીના પરિવારજનો દ્વારા ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કરનારને શિક્ષણવિદ શ્રી દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ આપવામાં આવે છે જેનો પ્રથમ ઍવૉર્ડ એપ્રિલ, 2024માં નૅશનલ ફૉરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસને એનાયત કરવામાં આવ્યો હતો.

શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલાગૌરવ પુરસ્કાર (2024)

ગુજરાતના જાણીતા ચિત્રકાર શ્રી અમિત અંબાલાલના સહયોગથી દર બે વર્ષે ચિત્રકલા, શિલ્પ, ફોટોગ્રાફી, ફિલ્મ, ગ્રાફિક તથા અન્ય પ્રકારના વિઝ્યુઅલ આર્ટ વિષયોમાં આગવી પ્રતિભા દાખવનાર કલાકારને શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલાગૌરવ પુરસ્કાર આપવામાં આવશે, જેનો પ્રથમ ઍવૉર્ડ ઑક્ટોબર, 2024માં શ્રી અર્પિતા સિંહને એનાયત કરવામાં આવ્યો.

આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક (2009)

પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શેઠાણી માણેકબહેન જમનાબાઈના સ્મરણાર્થે શેઠ જમનાબાઈ ભગુભાઈ ટ્રસ્ટ દ્વારા દર બે વર્ષે પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ભાષામાં સંશોધન માટે ‘આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક’ એનાયત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ડૉ. રૂપેન્દ્રકુમાર પગારિયા (2009), ડૉ. ચિમનલાલ ત્રિવેદી (2011), ડૉ. કાંતિભાઈ બી. શાહ (2013), ડૉ. રમણિક શાહ (2015), ડૉ. ભારતી શેલત (2017), ડૉ. ભગવાનદાસ પટેલ (2019), ડૉ. રાજેશ પંડ્યા(2021), અને ડૉ. રસીલાબહેન કડીઆ(2023)ને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

શ્રી ચંદ્રવદન મહેતા નાટ્યલેખન ઍવૉર્ડ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં કાર્યરત શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા ચં. ચી. મહેતાની સ્મૃતિમાં પ્રતિવર્ષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે તેમજ નાટ્યલેખન માટે ‘શ્રી ચંદ્રવદન મહેતા નાટ્યલેખન ઍવૉર્ડ’ અપાય છે. અત્યાર સુધીમાં સર્વ શ્રી દુર્ગેશ શુક્લ, હસમુખ બારાડી, સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, સૌમ્ય જોશી, સતીશ વ્યાસને અને મધુ રાયને આ ઍવૉર્ડ એનાયત થયો છે.