આ કોશ સર્વસંગ્રાહક સ્વરૂપનો હોવાથી એમાંની માહિતી વ્યાપક સ્વરૂપની હોય તે સ્વાભાવિક છે. વિસ્તાર સાથે ઊંડાણ પણ હોય છે. ગુજરાતને લગતી માહિતી વિગતવાર ઊંડાણથી રજૂ થયેલી છે. ગુજરાતનો પરિચય પરદેશી અને અન્ય ભારતીય ભાષાઓના વિશ્વકોશમાં અત્યંત સીમિત અને અછડતો જોવા મળે છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને ગુજરાત વિશે અભ્યાસ કરવો હોય તો તે વિષયનાં સર્વ પાસાંને સમાવતી સંપૂર્ણ માહિતી આ વિશ્વકોશમાંથી ઉપલબ્ધ થાય તેમ છે. આ વિશ્વકોશમાં મૂકેલાં ગુજરાત વિશેનાં લખાણો ઉપરથી ‘ગુજરાત’નો દળદાર ગ્રંથ તૈયાર થઈ શક્યો છે અને તેની અત્યાર સુધીમાં આઠ આવૃત્તિઓ થઈ છે તે આ વિધાનની સત્યતાની સાક્ષી પૂરે છે. ગુજરાત, ભારત અને વિશ્વ – એમ ત્રણે વિશેની સામગ્રી આમાં આપવામાં આવી.

ગુજરાતી વિશ્વકોશની બીજી વિશેષતા એ છે કે તેમાં કીટકશાસ્ત્ર, ઔષધનિર્માણશાસ્ત્ર, વનસ્પતિરોગશાસ્ત્ર અને સલામતી સેવાઓ જેવા વિષયો કે વિષયજૂથો સમાવવામાં આવ્યાં છે, જે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવા વિશ્વકોશમાં જોવા મળતાં નથી.

ગુજરાતી વિશ્વકોશની ઐતિહાસિક ગણાય એવી એક સિદ્ધિ એ છે કે તેમાં વ્યાપક ફલક પર શક્ય તેટલા તમામ વિષયોનું જ્ઞાન ગુજરાતી ભાષામાં પ્રથમ વાર ઉપલબ્ધ કરી શકાયું છે. આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્ત્ર)ના તમામ વિષયોનું ખેડાણ સૌપ્રથમ વાર આ વિશ્વકોશમાં થયેલું જોવા મળશે. એવી જ રીતે ઇજનેરી, અંતરીક્ષવિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિવિધ વિષયોનું મોટા પાયા પર ખેડાણ અહીં થયેલું જોવા મળશે. તેને પરિણામે લગભગ દરેક વિષયમાં ઓછાવત્તા પ્રમાણમાં નવા પારિભાષિક શબ્દો ગુજરાતી ભાષાને ભેટ મળેલા છે. જેમ કોઈ પ્રચંડ પ્રતિભાશાળી સર્જક મોટા પાયા પરની સર્જનપ્રક્રિયા દરમિયાન ભાષાનું ખેડાણ કરીને તેની નિરૂપણક્ષમતા એકાએક વધારી દે, લગભગ તેવું આ વિશ્વકોશના પ્રયોગથી ગુજરાતી ભાષાનું બન્યું હોય તેમ લાગે છે. દરેક ગ્રંથને અંતે ગ્રંથમાં વપરાયેલ પારિભાષિક શબ્દોની યાદી મૂકેલી છે તે પરથી આ બાબત સ્પષ્ટ થશે. વિશ્વકોશ ગ્રંથશ્રેણીના પચીસ ગ્રંથોની સાથે સાથે 1થી 9 ગ્રંથોનું નવસંસ્કરણ થતું રહ્યું અને તે દ્વારા અદ્યતન માહિતી આપવામાં આવી. આ માહિતી ઉમેરવામાં એક હજાર પાનાં વધ્યાં તેથી આજે આ ગ્રંથશ્રેણીના છવ્વીસ ગ્રંથો પ્રકાશિત થયેલા છે.

આ વિશ્વકોશની માંડણી વર્ણાનુક્રમે થયેલી છે તેથી બધા જ વિષયોનાં અધિકરણો અકારાદિક્રમે છૂટાં છૂટાં ગોઠવાયેલાં છે. તેને લીધે વિષયનો સંપૂર્ણ અને અલાયદો ખ્યાલ કદાચ લેવો મુશ્કેલ થાય તે ધ્યાનમાં રાખીને, તમામ અધિકરણોની વિષયવાર યાદી વિશ્વકોશના ભૂમિકાખંડમાં આપવામાં આવી છે; જે સમગ્ર શ્રેણીના વ્યાપનો ખ્યાલ આપવા ઉપરાંત પ્રત્યેક વિષયનું નિરૂપણ કેટલું યથાર્થ ને સુગ્રથિત છે તેનો પણ ખ્યાલ આપે તેમ છે. દરેક ગ્રંથને અંતે એ ભાગમાં વપરાયેલી પરિભાષા ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી એમ બંને રીતે વર્ણાનુક્રમે ગોઠવીને મૂકવામાં આવી છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપનાનો હેતુ એવો છે કે દુનિયાભરનું જ્ઞાન તમને એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય. આ સંસ્થાનો ધ્યેયમંત્ર છે ‘ज्ञानामृतं भोजनम्.’ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક શ્રી ચંદ્રકાન્ત શેઠે ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને વિશ્વકોશ ગીત લખ્યું છે. જેનું સ્વરાંકન જાણીતા ગાયક અને સ્વરકાર શ્રી અમર ભટ્ટે કર્યું છે. વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમ પૂર્વે આ કાર્યની વિભાવના અને ભાવના વ્યક્ત કરતું વિશ્વકોશ-ગીત પ્રસ્તુત થાય છે.

વિશ્વકોશ-ગીત

            અહીં જ્ઞાનસૂર્ય સંચરે,

                         આપણું ચિત્ત પ્રકાશિત કરે…

            અહીં જ્ઞાનયજ્ઞ સહુ કરે,

                         ચિત્તનું વિશ્વ વિકાસિત કરે…

            શબ્દ-પ્રકાશે, અર્થ-ઉજાશે,

                         તર્ક-મર્મના સહજ વિકાસે,

                         જ્ઞાનામૃત નિર્ઝરે….

                         અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે…

            ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,

            વિશ્વકોશની એવી સૃષ્ટિ

                         તમસ-તાપ સંહરે…

                         અંતરે સુખ સમજણનું ઠરે…

            રેવા-જળ-શી શક્તિદાયિની,

            સત્ય-સંમુદા-મુક્તિદાયિની

                         ‘વિશ્વવિહાર’ જ કરે…

                         શીલ-સત્વ સંભરે…

                         ગુર્જરી

                         વિશ્વરૂપને વરે !…

— ચંદ્રકાન્ત શેઠ

આજે તો ‘ગુજરાતી વિશ્વકોશ’ના તમામ ગ્રંથો ઑનલાઇન મુકાઈ ગયા છે.

‘ગુજરાતી વિશ્વકોશ’ની વિશિષ્ટતાઓ :

* ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ, એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક એન્સાઇક્લોપીડિયા

* 170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

* એક હજાર પૃષ્ઠનો એક એવા છવ્વીસ ગ્રંથોની શ્રેણી

* ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સઘન અધિકૃત પરિચય

* ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી

* વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન

* પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધીની વિદ્યાકીય સંસ્થાઓ, પુસ્તકાલયો, બૅન્કો, વીમા કંપનીઓ, સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયી સંસ્થાઓને તત્કાળ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાનસાધન

* ભારતનાં વિવિધ રાજ્યોમાં તેમ જ વિદેશમાં વસતાં ગુજરાતીભાષી કુટુંબોને માટે સાંસ્કૃતિક અસ્મિતાના સેતુરૂપ ગ્રંથશ્રેણી

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શરૂઆતમાં આગોતરા ગ્રાહકની યોજના કરી હતી. ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અને અનેક વ્યક્તિઓ આગોતરા ગ્રાહક બની હતી. એ નોંધવું જોઈએ કે ‘ગુજરાતી વિશ્વકોશ’ના સર્વપ્રથમ આગોતરા ગ્રાહક ગુજરાતના તત્કાલીન વિધાનસભાના સ્પીકર સ્વ. ધીરુભાઈ શાહ હતા.

ગુજરાતના સંતો, સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ વગેરેના સહયોગથી ગુજરાતી વિશ્વકોશના 1997 સુધીમાં આઠ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા હતા. વિશ્વકોશની સતત ચાલતી રહેતી પ્રવૃત્તિને લક્ષમાં રાખીને ગુજરાત સરકારે તેના પ્રકાશનખર્ચમાં સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી. શ્રેષ્ઠીઓ અને સેવાભાવીઓએ વિશ્વકોશની રચના માટે સ્વયંભૂ સહયોગ આપ્યો, તેને કારણે કમ્પ્યૂટર જેવાં અદ્યતન ઉપકરણો વસાવી શકાયાં. ગ્રંથાલય સમૃદ્ધ થયું. સંશોધન, પરિસંવાદો અને ચર્ચાસભાઓ માટે અનુકૂળતા થઈ. વર્તમાન વિશ્વકોશભવન નિર્માણ પામ્યું છે. અમદાવાદના ઉસ્માનપુરામાં ગુજરાત સરકારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને આશરે 2726 ચોમી. જમીન વિનામૂલ્યે આપી. શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, દાનવીર શ્રી દીપચંદ ગારડી, મુંબઈના ઉદ્યોગપતિ શ્રી પ્રતાપ ભોગીલાલ, શ્રી પ્રવીણચંદ્ર ગંભીરચંદ, હરિ ૐ આશ્રમ, શ્રી પ્રકાશ ભગવતી, શ્રી સંવેગ લાલભાઈ, શ્રી સી. કે. મહેતા, શ્રી નવનીતભાઈ શાહ, શ્રી ગૌરવ શેઠ, શ્રી નીતિન શુક્લ વગેરેના સહયોગથી અનેક પ્રવૃત્તિઓ અને ભવનના કેન્દ્રની રચના થઈ. આજનું વિશ્વકોશભવન મે, 2005માં નિર્માણ પામ્યું અને અત્યારે તેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.