ગુજરાતી વાચકને વિશ્વની અદ્યતન ગતિવિધિઓ અને સંશોધનથી માહિતગાર કરવા માટે તેમજ વિશ્વકોશમાં ચાલતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવા માટે ગુજરાતી વિશ્વકોશના સંપર્ક-પત્ર ‘વિશ્વરંગ’નો 1997ના નવેમ્બરમાં પ્રારંભ થયો. ઑક્ટોબર, 1998થી તે ‘વિશ્વવિહાર’ના નામે દર મહિને પ્રકાશિત થાય છે. વિશ્વની પ્રવર્તમાન સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ વિશે જાગૃતિ કેળવાય તેવું ધ્યેય રાખવામાં આવ્યું છે. માનવવિદ્યા, વિજ્ઞાન, સમાજવિદ્યા, ટૅક્નૉલૉજી, સ્વાસ્થ્ય, કલા, સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં થતાં નવાં નવાં સંશોધનો આવતી કાલના જગતને જુદો ઘાટ અને નવો વળાંક આપી રહ્યાં છે, ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું ‘વિશ્વવિહાર’ એ ગુજરાતીભાષી વાચકોની વિશ્વજ્ઞાનની જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરે છે. ‘વિશ્વવિહાર’ સામયિકનો ડૉ. ધીરુભાઈ ઠાકરના તંત્રીપદે પ્રારંભ થયો. એ પછી 2014થી ડૉ. કુમારપાળ દેસાઈના તંત્રીપદે ‘વિશ્વવિહાર’ પ્રકાશિત થતું રહ્યું છે. એના પ્રારંભકાળથી એનું સંપાદન ડૉ. પ્રીતિ શાહ સંભાળે છે.

વર્ષ ૨૦૦૪-૦૫ દરમ્યાન જુલાઈ ૨૦૦૫નો ૧૦ નંબરનો અંક તે સમયે પ્રકાશિત થયેલ નથી. અંક ૯ (જૂન ૨૦૦૫) બાદ અંક ૧૧ (ઑગસ્ટ ૨૦૦૫) પ્રકાશિત થયો હતો.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. તે સમયગાળા દરમ્યાન એપ્રિલ ૨૦૨૦ (અંક ૭) અને મે ૨૦૨૦ (અંક ૮) આ બે અંક પ્રકાશિત થયા નથી. એટલે કે માર્ચ ૨૦૨૦ (અંક ૬) બાદ જૂન ૨૦૨૦ (અંક ૯) પ્રકાશિત થયો છે જેની વાચકોએ નોંધ લેવી.

‘વિશ્વવિહાર’ સામયિકમાં પ્રગટ થયેલા લેખો ઓડિયો રૂપે યૂ-ટ્યૂબ ઉપર મૂકવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુઓ અને જેમને વાંચનમાં ખૂબ રસ છે પણ આંખોની તકલીફને પરિણામે વાંચી શકતા નથી તેઓ યૂ-ટ્યૂબ ઉપર તેને સાંભળી શકે તેવા હેતુથી આ લેખો મૂકવામાં આવે છે. તેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

YouTube : https://www.youtube.com/@GujaratVishvakoshTrust

અંક વર્ષ