જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરસ્પર તેમજ સમાજ સાથેનો અનુબંધ રચાય તે ઉદ્દેશથી વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. ખૂબ વિલક્ષણ સંજોગોમાં ‘ગુજરાતી વિશ્વકોશ’ની આ વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ થયો. કૉલકાતાના કલામંદિર હૉલમાં વિશ્વકોશના ૨૨મા ખંડનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ સમયે વિશ્વકોશના ટ્રસ્ટી શ્રી સી. કે. મહેતા સાથેની વાતચીતમાં કુમારપાળ દેસાઈએ એમ કહ્યું કે, ‘એક એવી વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ કરવો જોઈએ કે જેમાં નિયમિતતા, ચોકસાઈ અને વિશ્વકોશને છાજે તેવા વિષયોનો વ્યાપ હોય.’
શ્રી સી. કે. મહેતાએ કહ્યું, ‘આવી વ્યાખ્યાનશ્રેણીનો મને લાભ આપો.’ અને ત્યારથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ થયો. આ વ્યાખ્યાનશ્રેણીનું નામ રાખવામાં આવ્યું ‘શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી’.
આની સાથે વ્યાખ્યાનના આયોજન અંગે કેટલાક નિયમો પણ ઘડ્યા. શક્ય હોય તો મહિનાના કોઈ પણ બે બુધવારે અથવા અન્ય કોઈ દિવસે આ વ્યાખ્યાનશ્રેણી યોજવી. હમેશાં સાંજે બરાબર સાડા પાંચ વાગ્યે વ્યાખ્યાન શરૂ થાય તેવો આગ્રહ રાખ્યો. પ્રારંભે પાંચ મિનિટનું વિશ્વકોશ ગીત અને પાંચેક મિનિટના વક્તાના સંક્ષિપ્ત પરિચય બાદ વક્તાનું પચાસ મિનિટ કે એક કલાકનું પ્રવચન યોજવું અને જરૂર લાગે તો છેલ્લે જિજ્ઞાસુ શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી રાખવી. આનું પરિણામ એ આવ્યું કે આ વ્યાખ્યાનમાં શહેરના પ્રબુદ્ધ શ્રોતાજનો નિયમિત આવવા લાગ્યા. એની વિશેષ બાબત એ હતી કે સામાન્ય રીતે ભાવકોને સાહિત્ય, સમાજ, સ્વાસ્થ્ય અને રાજકારણ જેવા વિષયોનાં વ્યાખ્યાનોનો લાભ મળતો હતો. જ્યારે આ વ્યાખ્યાનશ્રેણી વિશ્વકોશ દ્વારા ચાલતી હોવાથી તેમાં વિશ્વના તમામ વિષયોનું જ્ઞાન આપવાનો આશય રાખ્યો. પરિણામે ગણિત, વનસ્પતિશાસ્ત્ર, બાયૉટૅક્નૉલૉજી, ખગોળશાસ્ત્ર, ભૂગોળ, ઉદ્યોગ, ગ્રંથો, શિક્ષણ, પ્રવાસ, ઊર્જા, ધર્મ, કાયદો, માધ્યમો, આધુનિક ટૅક્નૉલૉજી જેવા વિષયો વિશે એ ક્ષેત્રના તજજ્ઞોનાં વ્યાખ્યાનો યોજવામાં આવ્યાં છે. આ વ્યાખ્યાનશ્રેણી 19 એપ્રિલ, 2006થી નિયમિત રીતે ચાલે છે. પ્રતિ માસ બે વ્યાખ્યાન યોજાય છે અને ઑક્ટોબર, 2023 સુધીમાં ચારસો પચીસથી વધુ વ્યાખ્યાનો યોજાયાં છે. એમાંથી પસંદ કરેલાં વ્યાખ્યાનોનો સંચય જ્ઞાનાંજન-1 અને જ્ઞાનાંજન-2 નામે પ્રગટ થયો છે, જેનું સંપાદન પ્રીતિ શાહે કર્યું છે.
ગુજરાત વિશ્વકોશમાં યોજાતી વ્યાખ્યાનશ્રેણીનું આયોજન આગોતરું કરવામાં આવે છે. એક મહિના પહેલાં વ્યાખ્યાન, વક્તા, વિષય, સમય, સ્થળ નક્કી થઈ જાય છે. વળી વ્યાખ્યાન સમયસર શરૂ થાય અને સમયસર પૂરું થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. વિષયના તજજ્ઞને અગાઉથી જાણ કરવામાં આવે છે. દરેક વક્તાનું વ્યાખ્યાનનું વીડિયો રેકૉર્ડિંગ કરવામાં આવે છે અને પછી તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યૂ-ટ્યૂબ ઉપર પણ મૂકવામાં આવે છે.
આ ઉપરાંત જુદા જુદા વિષયોને અનુલક્ષીને વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો.
શ્રી મનસુખભાઈ જે. મેદાણીના સહયોગથી બે વ્યાખ્યાનશ્રેણી ચાલે છે. 3 જુલાઈ, 2010થી શરૂ થયેલી સ્વાસ્થ્ય-યોગશ્રેણીમાં ડૉ. તેજસ પટેલ, ડૉ. સુધીર શાહ, ડૉ. શિલીન શુક્લ, ડૉ. કે. સી. મહેતા જેવા નામાંકિત ડૉક્ટરોએ હૃદયરોગ, સ્ટ્રોક, કૅન્સર જેવા વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. આ ઉપરાંત આહારવિજ્ઞાન, લયબદ્ધ શ્વસનક્રિયા, વાળ અને ચામડીની સમસ્યા તેમજ યોગ ઉપર વ્યાખ્યાનો યોજાયાં. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે યોગશિબિર પણ યોજવામાં આવી. શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી ચાલતી બીજી વ્યાખ્યાનશ્રેણી છે ‘જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી’ (12 જુલાઈ, 2014). એમાં જીવન-ઘડતર અને જીવન-ઉત્કર્ષને લગતાં વ્યાખ્યાનો યોજાય છે.
મુંબઈના નિષ્ણાત ડર્મેટૉલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ ‘પિગ્મેન્ટેશન અને ખરતા વાળની સમસ્યા તથા તેના ઉપાયો’ વિશે, શ્રી રાજેન વકીલે ‘લયબદ્ધ શ્વસનક્રિયા’, ડૉ. હિમાંશુ પટેલે ‘કિડનીના રોગો’, શ્રી વરધીબાઈ ઠક્કરે ‘પ્રાકૃતિક જીવનશૈલીથી આરોગ્યલાભ’ વિષય પર વ્યાખ્યાન આપ્યાં. શ્રી ભારતીબહેન મિસ્ત્રીએ યોગ વિશે વ્યાખ્યાનો ઉપરાંત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે, ઘૂંટણની સમસ્યા ન થાય તે માટે યોગશિબિરો કરી. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિશિષ્ટ યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું.
જીવન ઉત્કર્ષ શ્રેણીમાં ડૉ. પ્રતિભા આઠવલે કે જેમણે પૂર્વાંચલમાં જઈને દાંત માટેની અનેક શિબિરો કરી તેના વિશે, ડૉ. સુધીર શાહે ‘સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિનો રાજમાર્ગ’ વિશે, ડૉ. ખેવના દેસાઈએ સામાજિક મૂલ્યો વિશે, સોલો ટ્રાવેલર શ્રી નીલમ વર્માએ ‘બાંધવગઢનું કલાકેન્દ્ર’ વિશે, શ્રી યઝદી કરંજિયાએ ‘હસતા હસતા કપાય જીવનના રસ્તા’ વિશે તેમજ જાણીતા વકીલ
શ્રી કે. સી. પટેલે ‘વસિયતનામા’ વિશે વ્યાખ્યાનો આપ્યાં. પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા ગુજરાતી કવિતાનું ગાન પણ યોજવામાં આવ્યું.
અર્થશાસ્ત્રના વિદ્વાન અને એચ. એલ. કૉમર્સ કૉલેજની ત્રણ ત્રણ દાયકા સુધી ધુરા સંભાળનાર ‘પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા’ (2 માર્ચ, 2015) શરૂ થઈ.
આ વ્યાખ્યાનશ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન શ્રી સૌરભ સોપારકરે ‘કેન્દ્રીય અંદાજપત્ર’ પર આપ્યું હતું. ડૉ. પંકજ જોષીએ ‘આપણા બ્રહ્માંડની ઓળખ’, ડૉ. યોગેન્દ્ર અલઘે ‘ગુજરાતના વિકાસની દિશા’ ડૉ. દિનેશ શાહે ‘નૅનોટૅકનૉલૉજી’ વિશે જ્ઞાનસભર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ડૉ. મંદાબહેન પરીખ, ડૉ. સંજય ચૌધરી, શ્રી પ્રવીણ ક. લહેરીએ પણ વક્તવ્ય આપ્યાં છે.
ત્યારબાદ શ્રી પ્રીતિ શાહના સહયોગથી ‘ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણી’(12 ઑગસ્ટ, 2017)નું આયોજન થયું. જેમાં ધર્મનાં મૂળ તત્ત્વોની યોગ્ય સમજ આપતાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે.
આ વ્યાખ્યાનશ્રેણીનું ઉદ્ઘાટન સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજીના હસ્તે કરવામાં આવ્યું અને તેમણે ‘આધુનિક માનવજીવન અને વેદાંત દર્શન’ની વાત કરી. ડૉ. વિજય પંડ્યાએ ‘બૃહદારણ્યક ઉપનિષદ’ વિશે, શ્રી કુમારપાળ દેસાઈએ ‘કબીર’ તથા ‘શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશે, પૂજ્યશ્રી ભદ્રેશદાસ સ્વામીએ ‘શ્રીમદભાગવતગીતા’ વિશે, શ્રી ગુણવંત બરવાળિયાએ ક્રાંતિકારી સંત શ્રી સંતબાલજી વિશે, શ્રી નરેશ વેદે ઉપનિષદો વિશે વક્તવ્યો આપ્યાં છે.
2018માં વિશ્વખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી અને શ્રીમતી કમલાબહેન દોશીના સહયોગથી ‘શ્રી રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા’ (22 માર્ચ, 2018) શરૂ થઈ, જેમાં ગુજરાતી સાહિત્યના કવિ, સંશોધક, વિવેચક અને નાટ્યસર્જક એવા શ્રી રસિકલાલ છો. પરીખની સ્મૃતિને છાજે તેવા વિષયો પર કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ વ્યાખ્યાનમાળાની શરૂઆત ત્રિદિવસીય કાર્યક્રમોથી થઈ જેમાં શ્રી બાલકૃષ્ણ દોશીએ રસિકલાલ પરીખના વ્યક્તિત્વની વાત કરી. શ્રી થોમસ પરમારે તેમના ભારતીય વિદ્યાના પાસાની તો શ્રી મહેશ ચંપકલાલે તેમની નાટ્યરચનાઓની વાત કરી. આ ઉપરાંત શ્રી સોનલ પરીખ, શ્રી દીપક મહેતા, શ્રી દેબાશિષ નાયક, શ્રી પૂર્ણિમા ભટ્ટ, શ્રી અરવિંદ ઘોસાલકરનાં વ્યાખ્યાનો
યોજાયાં. કનુ દેસાઈના ગ્રંથનું વિમોચન તથા તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
જ્યારે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર શ્રી નંદુભાઈ શુક્લની સ્મૃતિમાં એમના સુપુત્ર ડૉ. શિલીન શુક્લના સહયોગથી ‘કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્યિક વિષય વ્યાખ્યાનશ્રેણી’(19 મે, 2018)નું આયોજન થયું.
આ વ્યાખ્યાનશ્રેણીની શરૂઆતમાં ડૉ. શિલીન શુક્લે ભૂમિકા તથા શ્રી રોહિત શુક્લએ નંદુભાઈ શુક્લના જીવનકાર્ય વિશે વાત કરી હતી. શ્રી મનસુખ સલ્લા, શ્રી અરુણ દવે, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રી ચિંતન ભટ્ટ, શ્રી ભદ્રાયુ વછરાજાનીએ શિક્ષણમાં ગાંધીવિચારવિશે વ્યાખ્યાનો આપ્યા હતા. માતૃભાષા તેમજ શિક્ષણના અન્ય પાસાંઓ વિશે વ્યાખ્યાનો યોજાયા હતા.
ગુજરાતના શિક્ષણજગતમાં મહત્વનું પ્રદાન કરનારા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પૂર્વટ્રસ્ટી ‘શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી’ (6 માર્ચ, 2019) શરૂ કરવામાં આવી. જેમાં શ્રી શ્રેયસી પરીખનો સહયોગ મળ્યો છે.
આ વ્યાખ્યાનશ્રેણીની શરૂઆતમાં શ્રી કુમાર પ્રશાંતનાં ગાંધીવિષયક ત્રણ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અનામિક શાહે નવી શિક્ષણનીતિ વિશે, શ્રી લાભશંકર પુરોહિત, શ્રી રમેશ તન્ના, શ્રી અમૃત ગંગર વગેરેએ વ્યાખ્યાનો આપ્યાં છે.
ગુજરાતના સમર્થ વિવેચક અને પરિચય પુસ્તિકાના પ્રેરક શ્રી યશવંત દોશીની સ્મૃતિમાં ‘શ્રી યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાનશ્રેણી’ (5 સપ્ટેમ્બર, 2019) શરૂ થઈ જેનું પ્રથમ વ્યાખ્યાન જાણીતા પત્રકાર શ્રી નગીનદાસ સંઘવીએ આપ્યું હતું.
‘યશવંત દોશીના જીવન અને કવન’ વિશે પત્રકાર શ્રી નગીનદાસ સંઘવીએ આ શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન આપ્યું. શ્રી દીપક મહેતાલિખિત યશવંત દોશી વિશેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. શ્રી દીપક મહેતા અને શ્રી હસિત મહેતાએ સંપાદક યશવંત દોશી વિશે વાત કરી હતી.
શ્રી દેવીબહેનના સહયોગથી કુમાર જયકીર્તિની સ્મૃતિમાં ‘અનેકાંત વ્યાખ્યાનમાળા’(15 મે, 2022)નું આયોજન કરવામાં આવે છે. કુમાર જયકીર્તિપ્રેરિત આ વ્યાખ્યાનમાળામાં પંન્યાસ શ્રી લબ્ધિચંદ્રસાગરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી મંતેશચંદ્રસાગરજી મહારાજસાહેબે પ્રથમ વ્યાખ્યાન આપ્યું. તે ઉપરાંત ‘જૈન ધર્મ : જીવનશિલ્પી અને જગતશિલ્પી’ અને ‘ક્રાંતદ્રષ્ટા અને યુગપ્રવર્તક પૂજ્ય આચાર્યશ્રીઓ’ – એવા બે વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ચંદ્રકાન્ત મહેતા (અમેરિકા)એ ‘જૈન ધર્મ, આધુનિક વિજ્ઞાન અને માનવજીવન’ વિશે અને શ્રી વિનોદ કપાસી(લંડન)એ ‘DNA અને કર્મનું તત્ત્વજ્ઞાન’ વિશએ વ્યાખ્યાનો આપ્યા હતા.
શ્રી હેમંત બ્રોકર અને તેમના પરિવારના સહયોગથી ગુજરાતના સંસ્કારપુરુષ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ-વ્યાખ્યાનની શરૂઆત કરવામાં આવી. તેનું પ્રથમ વ્યાખ્યાન શ્રી મકરંદ મહેતા અને શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાતની મહાજન પરંપરા અને તેનું ગુજરાતના સાંસ્કારિક ઘડતરમાં પ્રદાન વિશે આપ્યું હતું. તે ઉપરાંત શ્રી ગૌરવ શેઠ અને શ્રી ભારતીબહેને મહેતાએ ગુજરાત મહાજન પરંપરાના શ્રેષ્ઠીઓ વિશે વાત કરી હતી.
ગુજરાત દર્પણ પ્રેરિત ‘પત્રકારત્વ વ્યાખ્યાનમાળા’નું પણ આયોજન થાય છે. રાજકીય પદ્ધતિઓ અને વૈશ્વિક અજંપો વિશે પ્રા. રક્ષા વ્યાસ અને પોઝીટીવ જર્નાલિઝમ ક્ષેત્રે મારા અનુભવો વિશે શ્રી રમેશ તન્નાએ વ્યક્તવ્યો આપ્યા છે.