સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું શહેર.
ભૌગોલિક સ્થાન : તે ૨૫° ૩૦´ ઉ. અ. અને ૫૫° ૩૦´ પૂ. રે. પર આવેલું છે. શારજાહ સંયુક્ત આરબ અમીરાત(UAE)માં આવેલાં દુબઈ અને અબુધાબી પછીનું ત્રીજા ક્રમનું મોટું શહેર છે. તે આરબ દ્વીપકલ્પ(peninsula)માં ઈરાની અખાતના ઉત્તર કિનારે આવેલું છે. તેનો વિસ્તાર લગભગ ૨૩૫ ચોકિમી. જેટલો છે અને વસ્તી લગભગ ૮,૯૦,૬૬૯ (૨૦૦૮) જેટલી છે. ૧૮મી સદીથી શારજાહ પર અલ્ કાસિમી (Al Qasimi) વંશનું શાસન ચાલે છે. હાલમાં સુલતાન બિન મહમ્મદ અલ્ કાસિમી (Sultan bin Mohamed Al-Qasimi) તેના શાસક છે. સંશોધકોના મત પ્રમાણે શારજાહ દુબઈ અને અબુધાબીની પૂર્વ તરફ આવેલું હોવાથી તે અલ્ શારેકાહ (Al Sharequah) તરીકે ઓળખાતું હતું, જે પછી શારજાહ તરીકે જાણીતું થયું. શારજાહની સીમા પર દુબઈ અને અજમાન (Ajman) શહેરો આવેલાં છે. પાટનગર અબુધાબીથી તે ૧૭૦ કિમી. દૂર આવેલું છે. શારજાહની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી છે. વરસાદનું પ્રમાણ પણ ઘણું ઓછું અને અનિયમિત છે. અહીં જૂનમાં મહત્તમ તાપમાન ૪૯.૨ સે. અને ફેબ્રુઆરીમાં લઘુતમ તાપમાન ૨.૫ સે. જેટલું નોંધાય છે. ૨ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ સંયુક્ત આરબ અમીરાતનું સાત રાજ્યોનું બનેલું સમવાયતંત્ર અસ્તિત્વમાં આવ્યું. મજબૂત સમવાયતંત્ર હોવા છતાં પ્રત્યેક અમીરાત નોંધપાત્ર સ્વાયત્તતા ધરાવે છે. શારજાહ પણ સમવાયતંત્ર(federal)ના માળખામાં રહી પોતાની કાયદાકીય, રાજકીય, સંરક્ષણલક્ષી અને આર્થિક બાબતો માટે અન્ય અમીરાતો સાથે કામ કરે છે.
શારજાહ પબ્લિક ટ્રાન્સપૉર્ટ અહીં અવરજવર માટેની સુવિધા પૂરી પાડે છે. અહીં ઍર અરેબિયાનું વડું મથક આવેલું છે. શારજાહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. અહીં અનેક શાળાઓ, કૉલેજો તથા યુનિવર્સિટીઓ આવેલી છે. એમાં યુનિવર્સિટી ઑવ્ શારજાહ, અમેરિકન યુનિવર્સિટી ઑવ્ શારજાહ અને ટ્રૉય યુનિવર્સિટી મુખ્ય છે. ફૂટબૉલ અહીંની પ્રિય રમત છે. શારજાહમાં ક્રિકેટ-સ્ટેડિયમ પણ આવેલું છે. અહીં લગભગ ૨૧૮ જેટલી એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-મૅચો રમાયેલી છે. શારજાહ શહેર તેના અબુ શાગરા (Abu Shagara) વિસ્તારમાં વપરાયેલાં વાહનોના બજાર માટે ખૂબ જાણીતું છે. તે અખાતીય વિસ્તારમાં આવેલું આ માટેનું સૌથી મોટું બજાર ગણાય છે. અહીં નેચરલ હિસ્ટ્રી, વિજ્ઞાન, ઇસ્લામિક કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતાં અનેક મ્યુઝિયમો આવેલાં છે. યુનેસ્કો (UNESCO) દ્વારા ૧૯૯૮માં શારજાહને ‘કલ્ચરલ કૅપિટલ ઑવ્ આરબ વર્લ્ડ’નો ખિતાબ એનાયત થયો હતો. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રૉલા સ્ક્વૅર (Rolla Square), શારજાહ ફૉર્ટ, સૂક અલ્ મરકાઝી (Souq Al Markazi) અથવા બ્લૂ સૂક (બજાર), મહાત્તાહ ફૉર્ટ (Mahattah Fort), અલ્ મૉન્ટઝા ફન પાર્ક (Al Montahazah Fun Park), અલ્ બહીરાહ કૉર્નિક (Al Baheirah Corniche) તથા શારજાહ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે. અહીં અલ્ ખાન અને ખાલિદ લગૂનના વિસ્તાર નજીક બહુમાળી ઇમારતો આવેલી છે. યુનાઇટેડ આરબ અમીરાત(UAE)ના પ્રવાસન-ઉદ્યોગમાં શારજાહનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. દર વર્ષે અલ્ બહીરાહ કૉર્નિક ખાતે નૌકા-સ્પર્ધા યોજાય છે. તે પ્રવાસીઓનું આકર્ષણ બની રહી છે.
અમલા પરીખ