જ. ૧૦ નવેમ્બર, ૧૯૨૦ અ. ૧૮ ડિસેમ્બર, ૨૦૦૭
આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પી. સ્વાતંત્ર્યોત્તર ભારતીય કલામાં આધુનિકતાની ચેતના પ્રગટાવવામાં બાક્રેનું પ્રદાન અગત્યનું છે. મુંબઈમાં ગોખલે એજ્યુકેશન સોસાયટી સ્કૂલમાં અભ્યાસ કરીને સોળ વર્ષની ઉંમરે તેમણે પોતાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન મુંબઈમાં યોજ્યું, જેમાં નિસર્ગચિત્રણ ઉપરાંત માનવઆકૃતિનાં ચિત્રો અને શિલ્પો તથા પદાર્થચિત્રણનો સમાવેશ હતો. ૧૯૩૯માં મૅટ્રિક્યુલેશન પસાર કરીને તેમણે મુંબઈ ખાતેની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અભ્યાસ પૂરો થતાં ૧૯૪૪માં તેમને ડિપ્લોમા મળ્યો. ૧૯૪૪થી તેમણે શિલ્પસર્જન ત્યાગીને માત્ર ચિત્રસર્જન કર્યું. મુન્ટર, કેન્ડીન્સ્કી, કલી, વ્લામીન્ક, ઑટો ડીક્સ અને બીજા જર્મન એક્સ્પ્રેશનિસ્ટ ચિત્રકારોનો પ્રભાવ વિશેષ ઝીલ્યો.
૧૯૪૭માં મુંબઈ ખાતે બીજા સાથી આધુનિક ભારતીય કલાકારો એસ. એચ. રઝા, એફ. એન. સૂઝા, એમ. એફ. હુસેન, આરા અને ગાડે સાથે મળીને બાક્રેએ ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’ની સ્થાપના કરી. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન યુરોપ અને અમેરિકામાં જે કલાપ્રવાહો જન્મ્યા અને બળવાન બન્યા તે પ્રવાહોને આત્મસાત્ કર્યા. આ કલાપ્રવાહોને વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં લઈ આવવામાં આ જૂથે જે કાર્ય કર્યું, તેમાં બાક્રેએ મહત્ત્વનું પ્રદાન કર્યું. અવનીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ હેઠળ ભારતીય કલાનાં પ્રાચીન, મધ્યયુગીન અને પરંપરાગત તત્ત્વોને ઉજાગર કરતી અને તેનો મહિમા કરતી બંગાળ શૈલીની કલા(બૅંગોલ સ્કૂલ)નો પ્રભાવ આઝાદી પછીના ભારતના કલાકારો પરથી ફગાવી દેવા પાછળ પ્રોગ્રેસિવ આર્ટ ગ્રૂપ અને બાક્રે સફળ નીવડ્યા. રસશાસ્ત્ર(ઍસ્થૅટિક્સ)નાં પરંપરાગત ચોકઠાં અને બંધનો નવા કલાકારોના દિમાગમાંથી ફગાવી દેવાના પ્રયત્નમાં પણ સફળ નીવડ્યા. લૉર્ડ હાર્ડીન્ગ સ્કૉલરશિપની સહાયથી બાક્રે ૧૯૫૦માં લંડન પહોંચ્યા અને ત્યાં શિલ્પકલા સર્જનમાં આગળ વધ્યા. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી બાક્રે લંડનમાં વસ્યા. ૧૯૭૫માં તેઓ ભારત પાછા આવીને રત્નાગિરિ ખાતે માદરેવતન મુરુડમાં વસ્યા.
સદાનંદ બાક્રેનાં ચિત્રોમાં ઘનવાદ (Cubism) અને અભિવ્યક્તિવાદ (Expressionism) સ્ફુટ થયેલા જોઈ શકાય છે. ૨૦૦૪માં બૉમ્બે આર્ટ સોસાયટીએ તેમને ‘લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડથી નવાજ્યા હતા.
અમિતાભ મડિયા