ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે. કવિ દલપતરામે કહ્યું હતું –

‘આવ ગિરા ગુજરાતી
તને અતિ શોભિત હું શણગાર સજાવું’

અને એ રીતે માતૃભાષા ગુજરાતીમાં સૃષ્ટિના સર્વાંગીણ જ્ઞાનનો ભંડાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લિખિત શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી દુનિયામાં જ્ઞાનસંચયનું કાર્ય ચાલે છે ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે માતૃભાષા ગુજરાતીમાં વિશ્વનું જ્ઞાનસંચય કરવાનું ધ્યેય રાખ્યું અને સિદ્ધ કર્યું. આથી જ વિશ્વકોશના કાર્યને ગુજરાતમાં થયેલી ‘શાંત ક્રાંતિ’ તરીકે ઓળખાવવામાં આવે છે.

ગુજરાતની પાસે પોતાનો ‘વિશ્વકોશ’ નથી એવું મહેણું ભાંગવા માટે વિસનગરના કર્મયોગી શ્રી સાંકળચંદ પટેલની પ્રેરણાથી ગુજરાતી વિશ્વકોશના શિલ્પી પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરે આ કાર્યનો પ્રારંભ કર્યો.

ભારતમાં ભાષાવાર પ્રાંતરચના થઈ તે સંદર્ભે 1960ના મે મહિનાની પહેલી તારીખે ગુજરાત બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એ પછી ગુજરાતી પ્રજાની અસ્મિતાને ઉપસાવનારાં વિવિધ સાંસ્કૃતિક પરિબળો પ્રગટ થયાં, તેમાંનું એક તે વિશ્વકોશરચનાની પ્રવૃત્તિ. ગુજરાતી ભાષામાં વિશ્વકોશની ઊણપ હતી. જોકે અગાઉ ગુજરાતી ભાષામાં વિશ્વકોશની રચના માટેના પ્રયત્નો થયેલા, પરંતુ તેનું કશું નક્કર પરિણામ મળ્યું નહોતું. આ ઊણપ દૂર કરીને ‘ગુજરાતને બેઠો’ કરવાની હોંશ ધરાવતા ગુજરાતના એક કર્મઠ સંત પૂજ્યશ્રી મોટાના મનમાં એક વિચાર આવ્યો. ગુજરાતની અસ્મિતાને ઊજળી કરનારા અન્ય કાર્યક્રમોની સાથે ભાષા અને સાહિત્યના વિકાસ માટે વિશ્વસમસ્તના જ્ઞાનવિજ્ઞાનની તમામ શાખાઓની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવો સર્વસાધારણ ‘વિશ્વકોશ’ (General Encyclopaedia) ગુજરાતીમાં તૈયાર કરવા માટે પૂજ્યશ્રી મોટાએ ગુજરાત યુનિવર્સિટીને દસ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીએ આને માટે જુદો વિભાગ રચીને મોડાસાથી નિવૃત્ત થઈને આવેલા ડૉ. ધીરુભાઈ ઠાકરને આ કામ સોંપ્યું. આ કાર્ય કરવા માટે સરકારની ગ્રાન્ટ પણ મંજૂર થઈ, પરંતુ તે પછીથી સરકાર બદલાઈ અને તેણે ‘વિશ્વકોશ’ બનાવવા માટે જે ગ્રાન્ટ આપી હતી તે ઠરાવ રદ કરીને વિશ્વકોશની યોજના નામંજૂર કરી ! પરિણામે ગુજરાતી વિશ્વકોશ બનાવવાનું પ્રારંભિક કામ થયું હતું તેનું પોટલું બનાવીને યુનિવર્સિટીને પરત કરી દીધું અને યુનિવર્સિટીએ હરિ ૐ આશ્રમને દાનની રકમ વ્યાજ સાથે પરત કરી.

ઑગસ્ટ, 1985માં ડૉ. ધીરુભાઈ ઠાકરને વિસનગર જવાનું થયું. એ સમયે ધીરુભાઈ એમના મિત્ર અને વિસનગરના જાણીતા સામાજિક કાર્યકર અને કર્મયોગી શ્રી સાંકળચંદભાઈ પટેલને એમને ઘેર મળવાનું બન્યું. એ નવેમ્બર મહિનો હતો. બંને વ્યક્તિઓ સાંકળચંદભાઈને ત્યાં ભોજન લેતા હતા. જમતાં જમતાં વાતનો દોર ચાલ્યો.

ધીરુભાઈ : આપણે ગુજરાતી ભાષામાં વિશ્વકોશ બનાવવો જોઈએ.

સાંકળચંદભાઈ : મને એ બધું શું છે તે ખબર ન પડે. હું તો સાત ચોપડી ભણેલો માણસ.

ધીરુભાઈ : કામ તો કરવા જેવું છે.

આ સંવાદ ભોજન દરમિયાન થયો. પછી બંને છૂટા પડ્યા. બીજે દિવસે સાંકળચંદભાઈએ ત્રણ-ચાર મિત્રોને પૂછ્યું. તેમના મિત્રોએ આ કામ વિશે સાંકળચંદભાઈને સમજાવ્યું. પૂજ્ય શ્રીમોટાના અંતેવાસી પૂ. નંદુભાઈની સલાહ લીધી. એમણે ભારપૂર્વક કહ્યું કે આ કામ કરવા જેવું છે. ત્રણ-ચાર દિવસ પછી સાંકળચંદભાઈ પટેલ અમદાવાદ આવ્યા. શારદા સોસાયટીમાં રહેતા મિત્ર ધીરુભાઈ ઠાકરને મળ્યા અને કહ્યું, તમે પેલું વિશ્વકોશનું કામ કહેતા હતા તે કરો.

ધીરુભાઈ : ‘તમને ખબર છે એનો કેટલો ખર્ચ થાય ?’

સાંકળચંદભાઈ : ના.

ધીરુભાઈ : ‘અત્યારની ગણતરી પ્રમાણે સિત્તેરથી પંચોતેર લાખ થાય અને બરાબર ચાલે તો એક કરોડ ઉપર ખર્ચ પહોંચે.’

સાંકળચંદભાઈ : ‘તમે શરૂ તો કરો.’

સૌપ્રથમ ડૉ. ધીરુભાઈ ઠાકર કુમારપાળ દેસાઈ, જે. જે. ત્રિવેદી, પ્રો. દેવવ્રત પાઠક, ડૉ. ચંદ્રકાન્ત મહેતા (ગુજરાતીના અધ્યાપક) વગેરેને મળ્યા. ધીરુભાઈ ઠાકરે આ આખી યોજના સમજાવી અને આ બધા આ કાર્ય કરવા તૈયાર થયા. કુમારપાળ દેસાઈ ધીરુભાઈના પીએચ.ડી.ના વિદ્યાર્થી. ધીરુભાઈએ એમને કહ્યું, ‘કુમારપાળ, આ કામ કરવાનું છે અને તમારે ના નથી પાડવાની.’ શરૂઆતમાં કુમારપાળ દેસાઈએ તેમની અધ્યાપનની કામગીરી ચાલુ હોવાથી કહ્યું કે, ‘હું બપોરે બે કલાક આવીશ. કદાચ રોજ ન પણ આવી શકું.’ આમ પ્રથમ તબક્કાની ટીમ તૈયાર થઈ.

ડૉ. ધીરુભાઈ ઠાકર અને ડૉ. કુમારપાળ દેસાઈ આ અંગે શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને મળવા ગયા. વિશ્વકોશની તમામ વાત તેમને કરી. ગુજરાતને એની આવશ્યકતા છે, એ સમજાવ્યું. સાથે એ માટે થનારા અંદાજિત ખર્ચની વિગત આપી. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ કહ્યું, ‘તમને ખ્યાલ આવે છે કે તમે રેતીમાં વહાણ ચલાવવા નીકળ્યા છો ?’ ત્યારે શ્રી ધીરુભાઈ અને શ્રી કુમારપાળભાઈએ કહ્યું કે, ‘તમે પાણી પર ચાલતા વહાણમાં બેઠા છો. એકાદ વખત રેતીમાં ચાલતા વહાણમાં બેસોને.’ છેવટે એમણે ટ્રસ્ટના પ્રમુખ થવાની સંમતિ આપી. ત્યારબાદ બીજા શ્રેષ્ઠીઓ, શિક્ષણજગત સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ ટ્રસ્ટી તરીકે જોડાઈ. હવે પ્રશ્ન થયો કે આ કાર્ય કરવા માટે કાર્યાલયની વ્યવસ્થા કરવી કઈ રીતે ?

અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને વાત કરતાં એમણે એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સની હૉસ્ટેલના કમ્પાઉન્ડમાં આવેલું ભોજનાલયનું મકાન વાપરવા આપ્યું. શ્રી સાંકળચંદભાઈને વાત કરી કે કાર્યાલય મળ્યું છે પણ તે રસોડું છે. તેમણે વિસનગરથી તેમના કારીગરો સાથે આવીને રસોડાના ચૂલા ખોદાવી, જરૂરી સમારકામ અને રંગરોગાન કરાવીને વિદ્વાનોને કામ કરવા માટેની સુવિધા કરી આપી. આમ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને કાર્યાલય માટે જગ્યા મળી અને 2 ડિસેમ્બર, 1985ના રોજ તેની સ્થાપના થઈ.

વિશ્વકોશની સર્જનપ્રક્રિયા :

વિશ્વકોશને કાર્યાલય મળતાં તરત જ કાર્ય શરૂ કર્યું. પહેલાં તો ગુજરાતી વિશ્વકોશ બનાવવા માટે વિષયો નક્કી થયા. એ વિષયોમાં તજજ્ઞોની ટીમ બનાવવામાં આવી. દરેક વિષયમાં ત્રણ કે ચાર તજજ્ઞો નીમવામાં આવ્યા. એમ 170 વિષયો નક્કી થયા. તે દરેક વિષયમાં શેના વિશે લખી શકાય તે અધિકરણનું શીર્ષક નક્કી કરવામાં આવે. તે વિશે કોણ લખશે અને કેટલા શબ્દોમાં લખશે તે નક્કી થતું. એ સ્વાભાવિક હતું કે ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર થાય એટલે ગુજરાત વિશેની સામગ્રીને અગ્રિમ મહત્વ મળે. પછી ભારત અને વિશ્વની સામગ્રી પર ભાર આપવો તેમ નક્કી થયું. તજજ્ઞો દ્વારા વિષયપસંદગી, એના લખનાર નિષ્ણાતની પસંદગી અને ત્યારબાદ શબ્દસંખ્યા નક્કી થાય. તે પ્રમાણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી નિમંત્રણ મોકલવામાં આવતું. આ લેખ કઈ રીતે લખવો તેનું માળખું પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની સાથે એક માર્ગદર્શિકા પણ મોકલવામાં આવતી. તે પ્રમાણે અધિકરણ લખાય. લેખક તરફથી લખાણ તૈયાર થઈને આવે તે પછી તેનું પરામર્શન જે-તે વિષયના નિષ્ણાતો કરે છે. તેમાં માહિતીની પ્રમાણભૂતતા અને અદ્યતનતાની ખાસ ચકાસણી કરવામાં આવે છે. પરામર્શન થયા પછી ભાષાના નિષ્ણાત પાસે લખાણ જાય છે. તેમાં સામગ્રીના સુગ્રથન અને નિરૂપણની શુદ્ધતા ચકાસાય છે. તે પછી સંપાદક તેનું સર્વસામાન્ય સ્વરૂપનું સંશોધન-સંપાદન કરીને તેને મુદ્રણ માટેની નકલ તૈયાર કરવા સોંપે છે.

નકલ થયા પછી લેખનું કમ્પ્યૂટરમાં ટાઇપ-સેટિંગ થાય છે અને તેનું પ્રથમ પ્રૂફ સુધારાય છે. આ કક્ષાએ તેમાં લેખકની સૂચના મુજબનાં ચિત્રો કે આકૃતિઓ ઉમેરવામાં આવે છે. એ રીતે લેખ બે પ્રૂફમાંથી પસાર થઈને તૈયાર થયા બાદ પેજિંગ માટે વર્ણાનુક્રમે ગોઠવાય છે. નિશ્ચિત લે-આઉટમાં કરેલી ગોઠવણી ચકાસાય છે. છેવટે તે મુખ્ય સંપાદક પાસે રજૂ થાય. એ નોંધવું જોઈએ કે પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરની નજર હેઠળથી વિશ્વકોશનાં તમામ અધિકરણો પસાર થયાં છે. એ સમયે તે લખાણ વાંચીને મંજૂરી આપે તે પછી તેની બટર કાઢવામાં આવતી. બટર ચેક કર્યા પછી તેનું પ્રકાશન થતું હતું.

ભૂમિકાખંડ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે પ્રથમ તો તેનો ‘ભૂમિકાખંડ’ તૈયાર કર્યો. સામાન્ય રીતે વિશ્વકોશની રચના પૂર્ણ થાય, તે પછી એનાં અધિકરણોની સૂચિ ધરાવતો ગ્રંથ પ્રગટ થતો હોય છે. ગુજરાતી વિશ્વકોશની વિશેષતા એ બની કે એણે સૌપ્રથમ બે વર્ષની જહેમતથી પહેલાં ભૂમિકાખંડ (1987) આપ્યો, જેમાં સમગ્ર વિશ્વકોશમાં આવરી લેનારા 170 વિષયોની સૂચિ આપી. વિષયવાર વિષયનિષ્ણાતોની સમિતિ અને વિગતો આપવામાં આવી. તેમાં નમૂનાનાં અધિકરણો પણ આપવામાં આવ્યાં. જેથી એ અધિકરણોની સૂચિ જોઈને એમાં કોઈ વિષય રહી ગયો હોય તો તે જે તે ગ્રંથના લેખન સમયે ઉમેરી શકાય. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે નક્કી કર્યું કે એક હજાર પૃષ્ઠનો એક ગ્રંથ તૈયાર કરવો અને આમ પ્રારંભે વીસ ગ્રંથની યોજના બનાવી. જે અંતે પચીસ ભાગમાં પૂર્ણ થઈ. એમાં 1500થી વધારે લેખકોનો સાથસહકાર મળ્યો. તે ઉપરાંત વિશ્વકોશ કાર્યાલયમાં જુદા જુદા વિષયના તજજ્ઞો પૂર્ણ સમય કે ખંડ સમય માટે આવતા હતા. આવા ત્રીસેક વિદ્વાનો વિશ્વકોશભવનમાં બેસીને નિયમિતપણે અધિકરણોનું લેખન અને પરામર્શનનું કાર્ય કરતા હતા. એમાંના કેટલાક નામો જોઈએ.

વિશ્વકોશના વિદ્યાયજ્ઞની ગ્રંથ ગૌરવયાત્રા (2019)

2019ની 5મી જાન્યુઆરી, શનિવારના રોજ નવા વર્ષના પ્રારંભે 25 ખંડોમાં પથરાયેલા વીસમી સદીના ‘ગુજરાતી વિશ્વકોશ’ના મહાગ્રંથની ગૌરવયાત્રા યોજવામાં આવી. એક હજાર વર્ષ પૂર્વે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે રચેલા ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ગ્રંથની સ્મૃતિમાં પાટણમાં આવી ગ્રંથયાત્રા યોજવામાં આવી હતી. એક હજાર વર્ષ પછી ગુજરાતી વિશ્વકોશની નીકળેલી ગ્રંથયાત્રાએ એનો પડઘો પાડ્યો. ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસા સમાન 25 ખંડોવાળા મહાગ્રંથ ‘ગુજરાતી વિશ્વકોશ’ની આ ગૌરવયાત્રાનો ઉસ્માનપુરામાં આવેલા વિશ્વકોશભવનના પ્રાંગણમાંથી પ્રારંભ થયો. ગુજરાતની રાષ્ટ્રીય એકતા કેન્દ્ર, ગુજરાત વિદ્યાસભા અને ધર્મજાગૃતિ કેન્દ્ર જેવી ત્રણ આયોજક સંસ્થાઓ, આઠ જેટલી સહયોગી સંસ્થાઓએ મળીને ધર્મજાગૃતિ કેન્દ્રના અગ્રણી સમાજસેવક શ્રી પ્રમોદ શાહના નેતૃત્વ હેઠળ આનું આયોજન કર્યું અને વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે તેર જેટલી સંસ્થાઓએ ગૌરવયાત્રામાં ભાગ લીધો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠ, સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, પ્રકાશ હાઈસ્કૂલ, મિરામ્બિકા હાઈસ્કૂલ, પૂજ્યશ્રી મોટા પ્રેરિત હરિ ઓમ્ સત્સંગ મંડળ અને તે ઉપરાંત અન્ય સાહિત્યિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ આ ગ્રંથ-ગૌરવયાત્રામાં જોડાયેલા હતા.

આ ગૌરવયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરતા હાથીની અંબાડી પર માથે મુગટ અને હાથમાં વિશ્વકોશના ગ્રંથોથી શોભતી બે બાળાઓ બિરાજમાન હતી. તો બીજી બાજુ એની શોભામાં અભિવૃદ્ધિ કરતા ટૅબ્લોમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનાં વિવિધ પ્રકાશનો તથા સ્વ. સાંકળચંદભાઈ પટેલ અને સ્વ. ધીરુભાઈ પટેલની તસવીરો વગેરેની માહિતી દર્શાવવામાં આવી હતી. સ્કૂલની બાળાઓ સુંદર અને આકર્ષક છાબમાં પુસ્તકો મૂકીને એ છાબ માથા પર મૂકીને ગરબા અને નૃત્ય કરતી હતી. તો આ સમગ્ર ગ્રંથ-ગૌરવયાત્રામાં વિશ્વકોશના ગ્રંથોની મહત્તા દર્શાવતાં સૂત્રો અને બૅનરો વિદ્યાર્થીઓના હાથમાં આકર્ષક અને પ્રેરક લાગતાં હતાં.

સવારે 9 વાગ્યે આ યાત્રાનો પ્રારંભ થયો. જેમાં શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ, અધ્યાપકો અને 700 જેટલા વિદ્યાર્થીઓ સાથે આ ગૌરવયાત્રા શરૂ થઈ. વિશ્વકોશના પ્રાંગણમાં ધીરુબહેન પટેલ, ચંદ્રકાન્ત શેઠ, કુમારપાળ દેસાઈ અને પ્રમોદ શાહે વાસક્ષેપ અને અક્ષતથી ગ્રંથોનું પૂજન કર્યું, ત્યારબાદ આ મહાનુભાવોએ લીલી ઝંડી આપીને ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ સમગ્ર દૃશ્ય આંખોને આનંદિત કરે અને હૃદયને પ્રમોદિત કરે એવું હતું. આ ગૌરવયાત્રા જે માર્ગો પરથી પસાર થઈ, ત્યારે રસ્તે જનારે કે એને જોનારે આશ્ચર્ય અને આનંદ અનુભવ્યાં, ‘વાહ, હાથીની અંબાડી પર ગ્રંથો !’ વ્યાપાર-ઉદ્યોગ માટે જાણીતી આ પ્રજાએ આ સરસ્વતીવંદનાને ઉમળકાભેર વધાવી અને માણી. પ્રજ્ઞાચક્ષુઓ પણ અર્થસભર સૂત્રાત્મક બૅનરો લઈને આમાં જોડાયા હતા. આ ગ્રંથયાત્રા વાજતે-ગાજતે સાબરમતીના ગાંધીઆશ્રમના હૃદયકુંજના દરવાજે પહોંચી અને સભાના રૂપમાં ફેરવાઈ, ત્યારે મંચ પર વૈશ્વિક સ્તરે સન્માનિત થયેલા સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી, પૂર્વ સનદી અધિકારી શ્રી પી. કે. લહેરી, શ્રી પરાગભાઈ શાહ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિવિશેષની હાજરીમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં સક્રિય યોગદાન આપતા પ્રત્યેકનું સન્માન કરાયું હતું. ગૌરવયાત્રાના પ્રણેતા પ્રમોદ શાહની વિદ્યાપ્રીતિ અને આયોજનશક્તિને સહુએ ધન્યવાદ આપ્યા.

આ યાત્રા જ્યારે ફૉર્ચ્યૂન લૅન્ડમાર્ક હોટલ પાસેથી પસાર થઈ, ત્યારે હોટલમાં રોકાયેલા વિદેશીઓ બહાર આવીને આ યાત્રા જોતા હતા અને તસવીરો લેતા હતા. જ્યારે તેમણે સંસ્થાના ટ્રસ્ટી પ્રકાશ ભગવતી પાસેથી યાત્રાનું પ્રયોજન જાણ્યું, ત્યારે તેઓ ખૂબ રાજી થયા હતા. કોઈ પ્રજા પોતાની માતૃભાષાના વિશ્વકોશ માટે આવી ગૌરવયાત્રાનું આયોજન કરે તે જાણીને તેમણે ગુજરાતી પ્રજા માટે આદર વ્યક્ત કર્યો હતો. કુમારપાળ દેસાઈએ કહ્યું હતું કે, ‘વિશ્વકોશથી શરૂ થયેલી અમારી યાત્રા છેક વિશ્વસંસ્કૃતિ તરફ ગતિ કરી રહી છે, ત્યારે જેમણે પોતાની માતૃભાષામાં ‘સત્યના પ્રયોગો’ જેવી આત્મકથા લખી એવા મહાત્મા ગાંધીની ભૂમિ પર આ સમારંભ યોજાય છે, ત્યારે ગુજરાતી ભાષાના સંવર્ધનનો અને ગુજરાતની અસ્મિતા ઉજાગર કરવાનો અમારો સંકલ્પ દૃઢ બને છે.’

જ્યારે શ્રી પી. કે. લહેરીએ કહ્યું કે, ‘આજે ગુજરાતી વિશ્વકોશના મુરબ્બી ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને સાકાર કરીને, બદલાતી ટૅક્નૉલૉજી સાથે તાલ મિલાવીને, અનેકવિધ ઉપક્રમો દ્વારા જ્ઞાનની સીમા વિસ્તારતા અને ખાસ કરીને અમદાવાદમાં જે બૌદ્ધિક પ્રવૃત્તિઓ માટે આદર્શ સ્થળ ગણાય તે રીતે ‘ગુજરાતી વિશ્વકોશ’ને વિકસાવવામાં ડૉ. કુમારપાળભાઈ સિંહફાળો આપી રહ્યા છે.’

આ પ્રસંગે શ્રી બાલકૃષ્ણ દોશીએ કહ્યું કે, ‘આજે ખૂબ આનંદનો દિવસ છે એનાં બે-ત્રણ કારણ છે. એક તો અહીં બાળકો છે, વડીલો છે, સાહિત્યકારો છે અને આપણે આપણી માતૃભાષાની વાત કરીએ છીએ અને તે પણ સાબરમતીના કિનારે આવેલા આશ્રમના પ્રાંગણમાં. આપણી ભાષા આપણને ગળથૂથીથી મળી છે. બહારથી નથી આવી. એનું ઘણું મોટું કાર્ય સફળપણે વિશ્વકોશ કરી રહ્યું છે.’ આ રીતે ગ્રંથ-ગૌરવયાત્રા સીમાચિહનરૂપ અવસરમાં પલટાઈ ગઈ અને એનાં સંકેતો અને સ્પંદનોનો ગુજરાતભરમાં સહુએ અનુભવ કર્યો.