મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા માટેના આંદોલનનો પ્રારંભ ગુજરાતથી કર્યો. એ લડતમાં ભાગ લેનારા દેશપ્રેમીઓની માહિતી ઉપરાંત 1857ના સ્વાતંત્ર્યસંગ્રામથી માંડીને આરઝી હકૂમત, દેશી રાજ્યના રાજાઓ સામે લડત આપનારા તથા 1961માં ગોવાના મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા સ્વાતંત્ર્યવીરોનો અહીં સમાવેશ કરીને આ માહિતીકોશમાં 4212 સ્વાતંત્ર્યસૈનિકો વિશે માહિતી આપી છે અને 1956 સ્વાતંત્ર્યસૈનિકોની યાદી મૂકવામાં આવી છે.
ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોમાં પ્રત્યેક ગ્રંથને અંતે ગુજરાતી ભાષાના અંગ્રેજી પર્યાયો અને અંગ્રેજી ભાષાના ગુજરાતી પર્યાયો આપવામાં આવ્યા. ગુજરાતી વિશ્વકોશના ગ્રંથને અંતે જુદી જુદી જ્ઞાનશાખાઓના સંદર્ભમાં પર્યાય વપરાયો હોય તેની પરિભાષા આપવામાં આવી. પ્રા. રમેશ બી. શાહના સંપાદનમાં વિવિધ કલાઓ, ધર્મ-તત્વ-સંસ્કૃતિ, ભાષા-સાહિત્ય અને સમાજવિદ્યાઓનો આ પરિભાષાકોશ તૈયાર થયો.
ભરત દવેલિખિત ‘બૃહદ નાટ્યકોશ’ના ભારતીય રંગભૂમિ પરના બે ભાગ 2022માં પ્રકાશિત થયા છે. આ કોશમાં ભારતના રાજ્યવાર લોકનાટ્યો, લોકનૃત્ય અને લોકકલાઓ વિશે સચિત્ર આલેખન કરવામાં આવ્યું છે. નાટકોની સાથે નૃત્યનાટિકા અને કઠપૂતળી જેવી રંગમંચની કલાઓનો પણ સમાવેશ થયો છે. ‘બૃહદ નાટ્યકોશ’ વાચકોને ભારતભરની નાટ્યકલાઓ અને રંગમંચ કલાઓનો વિસ્તૃત પરિચય કરાવે છે. આધુનિક રંગભૂમિની રાજ્યવાર માહિતી હવે પછીના બે ગ્રંથોમાં આપવામાં આવશે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે વિવિધ વિષયોવાળાં પુસ્તકોનું પ્રકાશન પણ કર્યું છે. આજે ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન આપતી દશેક જેટલી પ્રકાશનશ્રેણી ચાલે છે. રસ અને રુચિને પોષે તેવાં પુસ્તકો આ પ્રકાશનશ્રેણી અંતર્ગત પ્રગટ થયાં છે. જેમાં ‘શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણી’, ‘કર્મયોગી સ્વ. સાંકળચંદભાઈ પટેલ જીવનઘડતરશ્રેણી’, ‘શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યાશ્રેણી’, ‘ધન્ય ગુર્જરી કેન્દ્ર પ્રકાશન’, ‘પૂજ્યશ્રી મોટા સંશોધનશ્રેણી’, ‘શ્રી કાંતિલાલ ઠાકર જ્ઞાનવર્ધક ગ્રંથશ્રેણી’, ‘સુમતિ સર્જન ગ્રંથાવલિ’, ‘શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર’, ‘પ્રિ. આર. એલ. સંઘવી જ્ઞાનપ્રસાર ગ્રંથશ્રેણી’, ‘ધર્મ-તત્વ-દર્શન ગ્રંથશ્રેણી’ અને ‘શ્રી રસિકલાલ છો. પરીખ વિદ્યાવિકાસ ગ્રંથશ્રેણી’ – આ બધી શ્રેણી અંતર્ગત 111 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં ‘ગાંધીજી’, ‘ઝવેરચંદ મેઘાણી’, ‘રાવજી પટેલનું ચરિત્ર’, ‘પન્નાલાલ પટેલનું ચરિત્ર’, ‘વિક્રમ સારાભાઈ’, ‘મેઘનાદ સહા’, ‘સી. વી. રામન’, ‘સત્યેન્દ્રનાથ બોઝ’, ‘હોમી જહાંગીર ભાભા’, ‘જગદીશચંદ્ર બોઝ’, ‘પી. સી. વૈદ્ય’, ‘વિનોદ કિનારીવાલા’ વગેરેનાં ચરિત્રો પ્રગટ થયાં છે.
‘ડાયનાસૉર’, ‘રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ’, ‘જનીનવિજ્ઞાન’, ‘માનવજનીનવિજ્ઞાન’, ‘બ્રહ્માંડ : એક રહસ્ય’ જેવા અઘરા વિષયોને સરળ રીતે રજૂ કર્યા છે. ‘ગુજરાત’નું પુસ્તક તો જી.પી.એસ.સી.ની પરીક્ષા આપનારને તથા ગુજરાત વિશેની સર્વગ્રાહી માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુઓને એટલું ઉપયોગી બન્યું છે કે તેની આઠ આવૃત્તિ પ્રગટ થઈ ગઈ છે. તેને અંગ્રેજીમાં પણ પ્રકાશિત કર્યું છે. કૅન્સર કેટલા બધા પ્રકારનાં થાય છે. તે તમે જાણો છો ? ચાળીસ જેટલાં કૅન્સર વિશેની ગુજરાતી ભાષામાં સમજ આપતું ‘કૅન્સર’ નામનું સચિત્ર પુસ્તક તૈયાર થયું છે. કૅન્સરના નિષ્ણાત ડૉક્ટરોએ એના વિશે લખ્યું છે તેની છ આવૃત્તિ થઈ ગઈ છે.
નાટક વિશેનાં પુસ્તકો પણ આ શ્રેણીમાં પ્રકાશિત થયાં છે. ‘જૂની રંગભૂમિ : રિદ્ધિ અને રોનક’, ‘નાટ્યતાલીમના નેપથ્યે’, ‘નાટક દેશ-વિદેશમાં’, ‘વાસ્તવવાદી નાટક’, ‘નાટ્યસર્જન’ – આ પુસ્તકો પ્રકાશિત થયા છે.
‘લિપિ’, ‘હસ્તપ્રતવિજ્ઞાન’, ‘તળની બોલી’, ‘લોકવિદ્યાપરિચય’, ‘સંસ્કૃતિ-સૂચિ’, ‘વસંત-સૂચિ’ જેવાં સંશોધકોને માટે અત્યંત ઉપયોગી સર્વગ્રાહી પુસ્તકો પ્રકાશિત થયાં છે.
બાળસાહિત્યના સંદર્ભે ‘કીડી કુંજર કરે કમાલ’, ‘વનપરીની મિજબાની અને બીજી વાતો’, ‘ચીકુ’ અને ‘મમ્મી, તું આવી કેવી’ જેવાં પુસ્તકો તેમજ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિલ્પ-સ્થાપત્ય વગેરે વિષયોનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે.
આમાંનાં બત્રીસ જેટલાં પુસ્તકો ઈબુક્સ રૂપે પણ ઉપલબ્ધ છે.
શ્રદ્ધા ત્રિવેદીલિખિત ‘વિશ્વકોશની ગ્રંથયાત્રા’ પુસ્તકમાં વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થયેલાં 108 પુસ્તકોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.