આ કોશ સર્વસંગ્રાહક સ્વરૂપનો હોવાથી એમાંની માહિતી વ્યાપક સ્વરૂપની હોય તે સ્વાભાવિક છે. વિસ્તાર સાથે ઊંડાણ પણ હોય છે. ગુજરાતને લગતી માહિતી વિગતવાર ઊંડાણથી રજૂ થયેલી છે. ગુજરાતનો પરિચય પરદેશી અને અન્ય ભારતીય ભાષાઓના વિશ્વકોશમાં અત્યંત સીમિત અને અછડતો જોવા મળે છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને ગુજરાત વિશે અભ્યાસ કરવો હોય તો વિષયનાં સર્વ પાસાંને સમાવતી સંપૂર્ણ માહિતી આ વિશ્વકોશમાંથી ઉપલબ્ધ થાય તેમ છે. આ વિશ્વકોશમાં મૂકેલાં ગુજરાત વિશેનાં લખાણો ઉપરથી ‘ગુજરાત’નો દળદાર ગ્રંથ તૈયાર થઈ શક્યો છે અને તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે તે આ વિધાનની સત્યતાની સાક્ષી પૂરે છે.
આ વિશ્વકોશની બીજી વિશેષતા એ છે કે તેમાં કીટકશાસ્ત્ર, ઔષધનિર્માણશાસ્ત્ર, વનસ્પતિરોગશાસ્ત્ર અને સલામતી સેવાઓ જેવા વિષયો કે વિષયજૂથો (જે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવા વિશ્વકોશમાં જોવા મળતાં નથી તે) સમાવવામાં આવ્યાં છે.
ગુજરાતી વિશ્વકોશની ઐતિહાસિક ગણાય એવી એક સિદ્ધિ એ છે કે તેમાં વ્યાપક ફલક પર શક્ય તેટલા તમામ વિષયોનું જ્ઞાન ગુજરાતી ભાષામાં પ્રથમ વાર ઉપલબ્ધ કરી શકાયું છે. આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્ત્ર)ના તમામ વિષયોનું ખેડાણ સૌપ્રથમ વાર આ વિશ્વકોશમાં થયેલું જોવા મળશે. એવી જ રીતે ઇજનેરી, અંતરીક્ષવિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિવિધ વિષયોનું મોટા પાયા પર ખેડાણ અહીં થયેલું જોવા મળશે. તેને પરિણામે લગભગ દરેક વિષયમાં ઓછાવત્તા પ્રમાણમાં નવા પારિભાષિક શબ્દો ગુજરાતી ભાષાને ભેટ મળેલા છે. જેમ કોઈ પ્રચંડ પ્રતિભાશાળી સર્જક મોટા પાયા પરની સર્જનપ્રક્રિયા દરમિયાન ભાષાનું ખેડાણ કરીને તેની નિરૂપણક્ષમતા એકાએક વધારી દે, લગભગ તેવું આ વિશ્વકોશના પ્રયોગથી ગુજરાતી ભાષાનું બન્યું હોય તેમ લાગે છે. દરેક ગ્રંથને અંતે ગ્રંથમાં વપરાયેલ પારિભાષિક શબ્દોની યાદી મૂકેલી છે તે પરથી આ બાબત સ્પષ્ટ થશે. વિશ્વકોશ ગ્રંથશ્રેણીના ગ્રંથો સંપૂર્ણ થતાં વિશ્વકોશની પ્રસ્તુત શ્રેણી સમાપ્ત થઈ છે. પ્રથમ સાત ગ્રંથની બીજી આવૃત્તિ પણ થઈ ગઈ છે.
આ વિશ્વકોશની માંડણી વર્ણાનુક્રમે થયેલી છે તેથી બધા જ વિષયોનાં અધિકરણો અકારાદિક્રમે છૂટાં છૂટાં ગોઠવાયેલાં છે. તેને લીધે વિષયનો સંપૂર્ણ અને અલાયદો ખ્યાલ કદાચ લેવો મુશ્કેલ થાય તે ધ્યાનમાં રાખીને, તમામ અધિકરણોની વિષયવાર યાદી વિશ્વકોશના ભૂમિકાખંડમાં આપવામાં આવી છે; જે સમગ્ર શ્રેણીના વ્યાપનો ખ્યાલ આપવા ઉપરાંત પ્રત્યેક વિષયનું નિરૂપણ કેટલું યથાર્થ ને સુગ્રથિત છે તેનો પણ ખ્યાલ આપે તેમ છે.
ગુજરાતી વિશ્વકોશના તમામ ગ્રંથો ઑનલાઇન મૂકવામાં આવ્યા છે અને તેથી આ અધિકરણોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
ગ્રંથ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬/૧ | ૬/૨ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ | ૧૯ | ૨૦ | ૨૧ | ૨૨ | ૨૩ | ૨૪ | ૨૫ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
માનવવિદ્યાઓ | ૪૩૫ | ૨૮૦ | ૩૬૮ | ૨૬૭ | ૩૫૨ | ૨૩૮ | ૧૯૭ | ૩૬૨ | ૩૭૬ | ૩૨૬ | ૨૬૪ | ૨૭૪ | ૨૨૮ | ૩૩૮ | ૩૦૦ | ૨૮૦ | ૪૩૭ | ૩૪૨ | ૪૦૦ | ૩૩૦ | ૨૭૬ | ૪૮૯ | ૨૨૫ | ૪૩૨ | ૧૭૩ | ૨૦૫ |
વિજ્ઞાન | ૪૩૦ | ૩૫૨ | ૫૮૯ | ૩૦૪ | ૩૧૪ | ૩૫૩ | ૨૩૫ | ૪૧૧ | ૫૧૫ | ૨૧૪ | ૨૭૫ | ૨૬૩ | ૩૯૩ | ૩૧૭ | ૨૭૫ | ૨૩૦ | ૩૧૨ | ૧૯૨ | ૩૨૫ | ૨૭૩ | ૨૪૧ | ૧૯૨ | ૨૪૩ | ૨૭૫ | ૨૩૨ | ૨૬૮ |
સમાજવિદ્યાઓ | ૪૧૧ | ૨૮૭ | ૩૮૭ | ૩૦૨ | ૩૬૦ | ૨૫૯ | ૧૮૯ | ૩૬૧ | ૩૦૩ | ૨૫૬ | ૨૪૦ | ૨૫૭ | ૧૮૯ | ૩૫૯ | ૨૫૦ | ૩૪૧ | ૩૨૨ | ૨૯૨ | ૩૭૫ | ૨૩૪ | ૨૦૩ | ૨૬૫ | ૨૦૨ | ૩૭૮ | ૧૬૧ | ૨૭૪ |
લઘુચરિત્રો | ૨૪૦ | ૧૭૭ | ૧૫૯ | ૧૭૫ | ૪૧૭ | ૨૯૩ | ૨૦૬ | ૩૨૭ | ૨૫૦ | ૨૫૭ | ૨૭૭ | ૧૫૦ | ૧૭૫ | ૨૨૫ | ૩૨૨ | ૩૦૦ | ૪૦૦ | ૩૩૨ | ૪૪૩ | ૩૨૯ | ૨૮૯ | ૫૨૦ | ૧૫૭ | ૩૯૩ | ૧૮૯ | ૩૪૮ |
વ્યાપ્તિલેખો | ૫૩ | ૩૧ | ૧૬ | ૨૧ | ૧૭ | ૧૭ | ૧૨ | ૨૮ | ૧૫ | ૧૬ | ૨૦ | ૨૦ | ૨૫ | ૨૭ | ૨૦ | ૧૦ | ૧૦ | ૨૨ | ૨૮ | ૩૫ | ૨૫ | ૧૫ | ૨૫ | ૨૬ | ૧૨ | ૧૨ |
ચિત્રો | ૪૬૦ | ૩૦૦ | ૫૦૦ | ૪૦૦ | ૩૫૦ | ૪૦૦ | ૪૦૦ | ૪૮૮ | ૫૦૦ | ૫૫૦ | ૫૫૦ | ૫૦૦ | ૫૦૦ | ૫૦૦ | ૬૦૦ | ૪૫૦ | ૪૫૦ | ૪૫૦ | ૪૫૦ | ૪૫૦ | ૪૦૦ | ૪૦૦ | ૩૫૦ | ૫૫૦ | ૩૦૦ | ૫૦૦ |
અનુવાદિત લેખો | ૩૫ | ૧૦ | ૧ | ૨૫ | ૫ | ૧૮ | ૮ | ૧૭ | ૧૫ | ૧૫ | ૧૧ | ૨ | ૮ | ૩ | ૪ | ૪ | ૨ | ૮ | ૫ | ૧૧ | ૧૧ | ૫ | ૨ | ૮ | ૪ | ૮ |
કુલ લખાણો | ૧૨૭૬ | ૯૧૯ | ૧૩૪૪ | ૮૭૩ | ૧૦૨૬ | ૮૫૦ | ૬૨૧ | ૧૧૩૪ | ૧૧૯૬ | ૭૯૬ | ૭૭૯ | ૭૯૪ | ૮૧૦ | ૧૦૧૪ | ૮૨૫ | ૮૫૧ | ૧૦૭૧ | ૮૨૬ | ૧૧૦૦ | ૮૩૭ | ૭૨૦ | ૯૪૬ | ૬૭૦ | ૧૦૮૫ | ૫૬૬ | ૭૪૫ |
લેખકો | ૩૮૯ | ૪૦૫ | ૪૪૬ | ૩૨૩ | ૩૧૫ | ૨૬૧ | ૨૨૩ | ૩૭૨ | ૨૫૯ | ૨૫૮ | ૨૬૬ | ૨૩૫ | ૨૩૦ | ૨૨૯ | ૨૧૩ | ૨૦૮ | ૧૫૯ | ૧૭૯ | ૧૪૯ | ૧૭૭ | ૧૫૫ | ૨૦૮ | ૧૭૯ | ૧૮૮ | ૧૪૦ | ૧૩૬ |
શબ્દસંખ્યા (લાખ) | ૭ | ૫ | ૬ | ૪ | ૪.૫ | ૫.૫ | ૫ | ૪.૫ | ૪.૭૫ | ૫.૨૫ | ૫.૫ | ૫.૨૫ | ૫.૨ | ૫.૩ | ૫.૩ | ૬ | ૫.૫ | ૫.૫ | ૪.૫ | ૪.૫ | ૫.૫ | ૫.૫ | ૫.૫ | ૫ | ૫ | ૬ |
વિમોચન વર્ષ | ‘૮૯ | ‘૯૦ | ‘૯૧ | ‘૯૨ | ‘૯૩ | ‘૯૪ | ‘૯૪ | ‘૯૬ | ‘૯૭ | ‘૯૭ | ‘૯૮ | ‘૯૯ | ‘૯૯ | ‘૦૦ | ‘૦૧ | ‘૦૨ | ‘૦૨ | ‘૦૩ | ‘૦૪ | ‘૦૫ | ‘૦૫ | ‘૦૬ | ‘૦૭ | ‘૦૮ | ‘૦૯ | ‘૦૯ |
પુન:મુદ્રણ | ‘૦૧ | ‘૦૨ | ‘૦૫ | ‘૦૬ | ‘૦૮ |