પ્રહલાદ પારેખ


જ. ૨૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન યુગના સૌન્દર્યનિષ્ઠ કવિતાના સર્જક પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં જેઠાલાલ અને મંગળાબહેનને ત્યાં થયો હતો. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના ઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો, જેલવાસ ભોગવ્યો, પાછો અભ્યાસ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. વધુ અભ્યાસ અર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ અભ્યાસ કર્યો. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યમાં કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક થયા. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫થી છેવટ સુધી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક રહ્યા.

રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારી બહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા તેમની કવિતાનું આગવું લક્ષણ છે. આ સંગ્રહમાં તેની પ્રતીતિ થાય છે. ‘સરવાણી’ તેમનો ગીતસંગ્રહ છે. પ્રકૃતિપ્રેમ અને માનવપ્રેમ એ તેમની કવિતાના મુખ્ય વિષયો રહ્યા છે. માનવહૃદયના કોમળ ભાવોને તેમણે પ્રકૃતિના નિમિત્તે સુંદર રીતે વ્યક્ત કર્યા છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ ધ્યાનપાત્ર છે. અમૂર્ત ભાવોને તેમણે મૂર્ત સ્વરૂપે રજૂ કર્યા છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની જાણીતી રચનાઓ છે. ભાષા અને છંદની સાફસૂથરી માવજત, તાજગીભરી કલ્પનલીલા અને સંયમપૂર્વકની અનુભવમૂલક નિરૂપણરીતિના કારણે ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહી બિરદાવી છે. તેમણે ગુજરાતી લોકગીતોના તેમજ બંગાળીના પયાર આદિના લયઢાળોનો પણ એમની કવિતામાં સરસ વિનિયોગ કરી બતાવ્યો છે. ‘ગુલાબ અને શિવલી’ – એ ભાઈબહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલાક અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) તેમની પરિચયપુસ્તિકા છે. તેમની પાસેથી બાળવાર્તાઓ અને બાળકાવ્યો પણ મળ્યાં છે. તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી