જ. ૨ નવેમ્બર, ૧૯૨૪ અ. ૧૦ નવેમ્બર, ૧૯૮૯
ગુજરાતી કેળવણીકાર અને બે યુનિવર્સિટીના કુલપતિપદે રહેલા ઈશ્વરભાઈનો જન્મ પીજ(જિ. નડિયાદ)માં લેઉઆ પાટીદાર જ્ઞાતિના જેઠાભાઈ પટેલ અને રૂપાબાને ત્યાં થયો હતો. એમ.એ. અને બી.ટી.ની પદવી પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ શિક્ષણ લીધું. ૧૯૩૭માં આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને કારાવાસ ભોગવ્યો. મુક્તિ બાદ શિક્ષણકાર્યમાં જોડાયા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિપદે રહ્યા. ૧૯૭૩માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા. ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટીના નેજા હેઠળ ‘જ્ઞાનગંગોત્રી’ નામની ૩૦ ગ્રંથની જ્ઞાનકોશ શ્રેણીનું આયોજન કર્યું. ૧૯૭૦માં તેમણે યુનિવર્સિટી છોડી પણ જ્ઞાનગંગોત્રીનું કામ ચાલુ હતું. ૧૯૯૬માં ૩૦ ગ્રંથ સાથે આ જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી પૂર્ણ થઈ. તેઓ ગ્રંથનિર્માણ બોર્ડમાં હતા ત્યારે તેમણે સર્વસામાન્ય ગુજરાતી જ્ઞાનકોશનું આયોજન કરેલું જે થઈ શક્યું નહોતું. જોકે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના જ્ઞાનકોશનું કાર્ય ૧૯૮૪માં સંપન્ન થઈ શકેલું. તેમણે શિશુભારતી, બાલભારતી તથા કિશોરભારતી નામે જ્ઞાનસાહિત્યની શ્રેણીનું આયોજન પણ કર્યું હતું. થોડો સમય તેમણે બાલમાસિક ‘બાલમિત્ર’ અને વિજ્ઞાનમાસિક ‘વિજ્ઞાનદર્શન’નું સંપાદનકાર્ય સંભાળેલું. તેમણે અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી.
તેમની પાસેથી ‘બહુરત્નાવસુંધરા’, ‘ત્યાગવીર દરબારસાહેબ’, ‘લાલા લજપતરાય’ વગેરે મળી લગભગ નવેક જીવનચરિત્રો મળ્યાં છે. આ ઉપરાંત તેમણે પ્રસંગકથાઓ, કિશોરકથાઓ, નિબંધસંગ્રહો તથા અનુવાદક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું. તેમનાં કેટલાંક પુસ્તકોને રાજ્યકક્ષાનાં પારિતોષિકો મળ્યાં હતાં. આંતરડાંના કૅન્સરથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.
શ્રદ્ધા ત્રિવેદી