પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો


બનાવશો નહીં ——-

કલ્પના પણ કરી ન હોય તેમ માતાપિતા પોતાના બાળક પર બોજરૂપ બને છે. તેઓ તેમના મનની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાનો બોજ નાની વયના શિશુ પર લાદે છે અને એને એ દિશામાં દોરવાનો યત્ન કરે છે. પિતાની ઇચ્છા પુત્ર વેપારી બને તેવી હોય, તો તે પુત્રના જન્મથી જ એને વેપારી તરીકે જોશે. એની વેપારી તરીકેની કુનેહ ખીલવવા કોશિશ કરશે. પોતાના અનુભવો અને સિદ્ધિઓ કહીને બાળકને એ દિશામાં વાળવા પ્રયાસ કરશે. એને માટે કોઈ રસ્તો પણ બનાવી રાખશે.

આમ પિતા જે હોય છે તે અથવા તો જે બની શક્યા નથી તે, પોતાનો પુત્ર બને તેને માટે પ્રયાસ કરતા હોય છે અને તેથી જ પિતાની અતૃપ્ત ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષાઓનો બોજ બાળક પર પડતો હોય છે. બાળકને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવવા વિચારતા હોય છે. પુત્રને એન્જિનિયર બનાવવાની ઇચ્છાવાળા પિતાને એમ જાણ થાય કે પુત્રને નાટ્યવિદ્યા કે સંગીતકલામાં રસ છે, તો પિતા બેચેન બની જશે, કારણ કે એને તો બાળકને પોતાની ઇચ્છાના ઢાંચામાં ઢાળવો છે. એમાં કશુંક પ્રતિકૂળ થાય તો પિતાનો દિમાગ જતો રહે છે અને બાળકના ભાવિ વિશે ઘણી વાર નાહી નાખે છે.

પિતાના આ ‘બોજને કારણે બાળકનો નૈસર્ગિક વિકાસ રૂંધાય છે. એની અંદર પડેલી સર્જનાત્મકતા ગૂંગળાય છે. પિતા એના ખ્યાલોથી બાળકને બાંધવા પ્રયાસ કરે છે ત્યારે પિતાને મન જેનું મૂલ્ય હોય છે, તે બાળકને મન સાવ તુચ્છ હોય છે. બાળક કલાકાર બનવા માગતો હોય, તો એને ક્યારેય અઢળક ધનસંપત્તિના સ્વામી થવાનો વિચાર નહીં આવે, પરંતુ અઢળક સંપત્તિનો સ્વામી એવો એનો પિતા બાળકની કલારુચિ પ્રત્યે તિરસ્કાર દાખવીને એને પોતાને રસ્તે લઈ જવા પ્રયાસ કરશે. બાળકને માત્ર પ્રેમ આપવો એ જ પૂરતું નથી, એને ઓળખવો જોઈએ અને એની ઇચ્છાઓને આદર આપવો ઘટે.

કુમારપાળ દેસાઈ