રોજ સોનેરી સવાર ઊગે છે !


સવારે નિદ્રાત્યાગ કરતી વખતે તમારી મન:સ્થિતિ કેવી હોય છે ? કેટલીક વ્યક્તિઓ પથારીમાંથી ઊઠતાં પૂર્વે ઘણો લાંબો સમય આળસ સાથે આળોટ્યા કરે છે. કેટલાક જાગ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા તંદ્રાવસ્થામાં અધકચરાં સ્વપ્નોની મોહનિદ્રામાં ડૂબી જતા હોય છે. કોઈકને વળી ઊંઘ પૂરી થયા બાદ પથારીમાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી આસપાસના અવાજો સાંભળવાની આદત હોય છે. કેટલાક આખી રાત ગાઢ નિદ્રા નથી આવી, તેના વસવસા સાથે પથારીમાં પડ્યા રહે છે અને પછી માંડ માંડ કોઈ હાથ ખેંચીને ઉઠાડતું હોય તેમ ઊઠે છે.

રાતભર સ્વપ્નોની સૃષ્ટિમાં રમણભ્રમણ કર્યા પછી થાકેલા મનથી એ આંખ ખોલે છે અને વીતેલાં સ્વપ્નોનો બોજ એના મન પર ટીંગાયેલો હોય છે. આ બધી બાબતો એ વ્યક્તિના સમગ્ર દિવસની કાર્યશક્તિ પર અસર કરતી હોય છે. જેના દિવસનો આરંભ વિષાદથી થાય છે એને વિષાદમાંથી બહાર નીકળવા માટે આખેઆખી સવાર જોઈએ છે. સૂર્ય મધ્યાહને આવે ત્યારે એનો ‘મૂડ’ બરાબર થાય છે. સવારની ક્ષણો સમગ્ર દિવસને ઘાટ આપતી હોય છે.

વ્યક્તિ આંખ ખોલે એ સાથે એણે મનોમન વિચારવું જોઈએ કે આજનો દિવસ એવો ઊગ્યો છે કે જેવો સુંદર દિવસ મારા જીવનમાં પૂર્વે કદાપિ ઊગ્યો નથી. આજની સવાર આયુષ્યની એક અનોખી સવાર છે, જેને કારણે આજે મારો આખો દિવસ સરસ જશે. પ્રારંભની ક્ષણોને જે આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે એનો આખો દિવસ આનંદની રંગોળી બની રહે છે. પ્રત્યેક દિવસ સોનેરી તક લઈને તમારી સામે આવે છે. પ્રત્યેક ઉષા જીવનમાં નૂતન ઉષાનું સર્જક કરે છે.

કુમારપાળ દેસાઈ