Categories
વાચન સમૃદ્ધિ વ્યક્તિ વિશેષ

વસુબહેન

સાહિત્યકાર, સમાજસેવક અને આકાશવાણીનાં પૂર્વનિયામક વસુબહેનનો જન્મ વડોદરામાં ૨૩ માર્ચ ૧૯૨૪ના રોજ થયો હતો.

માતા સરસ્વતીબહેન અને પિતા રામપ્રસાદ. પિતા વડોદરા રાજ્યના પોલિટિકલ સેક્રેટરી હતા. તેમણે બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી હતી.

વસુબહેનનું શાલેય શિક્ષણ વડોદરામાં થયું. અમદાવાદમાં આવ્યા પછી એસ.એલ.યુ. કૉલેજમાંથી સ્નાતક અને બી.એડ. થયાં. તેઓ ૧૯૪૯માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયાં. આકાશવાણીમાં જુદાં જુદાં પદો પર કાર્ય કરી નિયામક બન્યાં. તેમણે ગુણવત્તાયુક્ત અને લોકપ્રિય કાર્યક્રમોનું નિર્માણ કર્યું અને પ્રસારિત કર્યા. આકાશવાણીને લોકપ્રિય બનાવવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.

તેમની કાર્યનિષ્ઠાને કારણે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ ઑર્ગેનાઇઝેશન અને વૉઇસ ઑવ્ અમેરિકાએ એમને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ ૧૯૮૨માં આકાશવાણીમાંથી નિવૃત્ત થયાં. નિવૃત્તિ બાદ ગુજરાત સરકારે એમને સમાજકલ્યાણ સલાહકાર બોર્ડનાં અધ્યક્ષ બનાવ્યાં. તેઓ ગુજરાત સ્ત્રીકેળવણી મંડળ અને ચિલ્ડ્રન એકૅડેમીનાં પ્રમુખ હતાં. તેમણે ‘આનંદમ્’ નામે મિત્રોનું સાંસ્કૃતિક મંડળ સ્થાપ્યું અને એનાં મંત્રી બન્યાં. તેઓ જુવેનાઇલ વેલફેર બોર્ડ, અમદાવાદનાં અધ્યક્ષ હતાં. તેમણે જે સંસ્થામાં કાર્ય કર્યું તે બધી જ સંસ્થાઓને ચેતનવંતી બનાવી.

વસુબહેન સમાજસેવિકા ઉપરાંત સારાં લેખિકા પણ હતાં. તેમણે ‘રતનબાઈ, ઠમકો કરો’ નામનું એકપાત્રીય નાટક લખ્યું હતું અને એમાં અભિનય પણ કર્યો હતો. તેમણે નવલિકા અને નવલકથાક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમની પહેલી લઘુનવલ ‘ઝાકળ પિછોડી’ (૧૯૫૯) હતી. આ ઉપરાંત તેમણે ‘પાંદડે
પાંદડે મોતી’ (૧૯૬૩), ‘સરસિજ’ (૧૯૬૬), ‘દિવસે તારા રાતે વાદળ’ (૧૯૬૮), ‘માણા રાજ’ (૧૯૭૩), ‘ઘડી અષાઢ ને ઘડી ફાગણ’ (૧૯૮૦), ‘બે આંખની શરમ’ (૧૯૯૬) નવલિકાસંગ્રહો આપ્યા છે. ‘યોગાનુયોગ’(૨૦૦૨)માં તેમણે રેખાચિત્રો આપ્યાં છે. તેમની વાર્તાઓ હિન્દી, અંગ્રેજી, કન્નડ અને મલયાળમ જેવી ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમનાં પુસ્તક ‘પાંદડે પાંદડે મોતી’ને ભગિની નિવેદિતા પુરસ્કાર અને ‘યોગાનુયોગ’ને કાકાસાહેબ કાલેલકર પુરસ્કાર મળ્યા છે.

જુદાં જુદાં ક્ષેત્રોમાં તેમણે કરેલાં કાર્યોને અનેક સન્માનો દ્વારા બિરદાવવામાં આવ્યાં છે. તેમને મહિલા ગૌરવ ઍવૉર્ડ, ‘ધ ગ્રેટ ડોટર ઑવ્ ધ સોઇલ’નો રાષ્ટ્રીય ઍવૉર્ડ, પુષ્પાબહેન મહેતા ઍવૉર્ડ, સિસ્ટર નિવેદિતા ઍવૉર્ડ અને સંસ્કૃતિ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

તેમનું અવસાન ૧૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ થયું હતું.