ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો આરબ દેશ. દેશનું સત્તાવાર નામ સીરિયન આરબ પ્રજાસત્તાક છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં ઇરાક, દક્ષિણે જૉર્ડન તથા પશ્ચિમે ઇઝરાયલ, લેબેનૉન અને ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. તેનો વિસ્તાર આશરે ૧,૮૫,૧૮૦ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી લગભગ ૨,૫૨,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. દમાસ્કસ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. દેશનો પૂર્વ ભાગ સીરિયાના રણથી બનેલો છે. બાકીના પ્રદેશમાં અસમતળ મેદાનો, ફળદ્રૂપ નદીખીણો અને ઉજ્જડ વિસ્તારો આવેલાં છે. આ દેશ ‘ફર્ટાઇલ ક્રેસન્ટ’ (ફળદ્રૂપ અર્ધચંદ્રાક્ર વિસ્તારવાળો) – એ નામથી ઓળખાતા સમૃદ્ધ ખેતપ્રદેશના પશ્ચિમ છેડે આવેલો છે. કિનારાના પ્રદેશની આબોહવા ભેજવાળી રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧૦૦૦ મિમી. જેટલો પડે છે. રણપ્રદેશમાં ગરમ અને સૂકી આબોહવા અનુભવાય છે. અહીં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. કપાસ અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે ઉપરાંત જવ, શર્કરાકંદ, તમાકુ, દ્રાક્ષ, ઑલિવ અને ટામેટાં જેવાં શાકભાજી અને ફળોનું પણ વાવેતર કરવામાં આવે છે. અહીંના બેદૂઈન લોકો તેમનાં ઢોર, ઘેટાં, બકરાં લઈ વિચરતા ફરે છે.

દમાસ્કસ શહેર, સીરિયા
સીરિયાના અર્થતંત્રમાં ૭% જેટલો ફાળો ખાણકાર્યમાંથી મળી રહે છે. દેશના ઈશાન ભાગમાંથી ખનિજતેલ અને મયના પાલ્મીરામાંથી ફૉસ્ફેટ-ખડકો મળી રહે છે. અહીં ખનિજતેલની શોધ ૧૯૫૬માં થયેલી. દેશના અન્ય ભાગોમાંથી ચિરોડી, ચૂનાખડક અને કુદરતી વાયુ મળી રહે છે. દમાસ્કસ, ઍલેપ્પો, હોમ્સ અને લેતકિયા મહત્ત્વનાં ઔદ્યોગિક મથકો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં કાપડ, પીણાં, સિમેન્ટ, ખાતર, કાચ, પ્રક્રમિત ખાદ્યપેદાશો તથા ખાંડનો સમાવેશ થાય છે. દેશના અર્થતંત્રમાં ૬૦% હિસ્સો સેવા-ઉદ્યોગોનો છે. નાણાકીય બાબતો, શિક્ષણ, સ્વાસ્થ્ય-સંભાળ અને ઉપભોક્તા ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ સેવા-ઉદ્યોગમાં ગણાય છે. દમાસ્કસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દેશનો ઘણોખરો વિદેશી વેપાર ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા લેતકિયા બંદરેથી થાય છે. દેશમાં વસતા મોટા ભાગના લોકો જૂના વખતમાં અહીં આવીને વસેલી સેમાઇટ જાતિમાંથી ઊતરી આવેલા છે. અરબી લોકો ઉપરાંત અહીં આર્મેનિયન અને કુર્દ લોકો પણ વસે છે. સીરિયાની ભૂમિ અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ઘણી પ્રાચીન ગણાય છે. આફ્રિકા, એશિયા અને યુરોપને જોડતા મુખ્ય વેપારી માર્ગોના ત્રિભેટે આ દેશ આવેલો હોવાથી તેનો ખૂબ વિકાસ થયો હતો. સ્થાપત્ય, જહાજી બાંધકામ અને લોખંડની ચીજવસ્તુઓનું કામ પણ સીરિયામાંથી શરૂ થયેલું. સાહિત્યક્ષેત્રે પણ સીરિયાનો ફાળો ઘણો અગત્યનો છે. આ દેશના જાણીતા કવિઓ, જ્ઞાનીઓ અને લેખકોમાં અલ્ મુતાનબ્બી, અલ્ મારી, અલ્ ફરાબી, ઓમર અબુ રીશ, નિઝાર કબ્બાની અને અલી અહમદ સઈદનો સમાવેશ થાય છે. અહીં આવેલાં પાલ્મીરાનાં ખંડિયેર જોવાલાયક છે. સીરિયા પ્રજાસત્તાક દેશ છે. તે ૧૩ પ્રાંતોમાં તથા દમાસ્કસ શહેરના એક અલગ એકમમાં વહેંચાયેલ છે. દમાસ્કસ ઉપરાંત ઍલેપ્પો, હોમ્સ, લેતકિયા તથા હામા અગત્યનાં શહેરો છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સીરિયા, પૃ. ૨14)