જ. ૨૨ એપ્રિલ, ૧૯૧૪ અ. ૫ નવેમ્બર, ૨૦૦૮

બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. તેમનું પૂરું નામ બળદેવ રાજ ચોપરા હતું. તેમનો જન્મ લાહોરમાં ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્ય અને કળા તરફ રુચિ હતી. લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ. થયા. કૉલેજકાળ દરમિયાન લલિત નિબંધો અને ટૂંકી વાર્તાઓ લખતા. અહીં તેમણે ૧૯૪૫ના ગાળામાં ‘સિને હેરલ્ડ’ નામનું સામયિક શરૂ કર્યું હતું. દેશના ભાગલા પડતાં ૧૯૪૭ના ઑગસ્ટમાં મુંબઈ આવ્યા. તેમણે ૧૯૫૨માં ‘શોલે’ અને ૧૯૫૪માં ‘ચાંદની ચોક’ નામે ફિલ્મો બનાવી, જે ખૂબ સફળ રહી. ૧૯૫૫માં સ્વતંત્ર બૅનર સાથે બી. આર. ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી. આ બૅનર તળે બનેલી સૌપ્રથમ ફિલ્મ હતી ‘એક હી રાસ્તા. તેઓ દરેક ફિલ્મમાં સ્વચ્છ મનોરંજન સાથે સમાજના નીતિરીતિ અને વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પડે તેનું ધ્યાન રાખતા. રસિક કથાનક, છટાદાર સંવાદો અને કલાત્મકતા તેમની વિશેષતા હતી. ‘નયાદૌર’, ‘સાધના’, ‘ધૂલ કા ફૂલ, ‘કાનૂન’, ‘ધર્મપુત્ર’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાજ’, ‘આદમી ઔર ઇન્સાન’ જેવી સફળ, યાદગાર અને ભાવનાત્મક ફિલ્મો તેમણે બનાવી હતી. તેમણે પોતાની સર્જનાત્મકતાથી ફિલ્મોનું સર્જન કર્યું હતું. જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે દૂરદર્શનના નાના પડદા માટે ફિલ્મો બનાવેલી. ધારાવાહિક શ્રેણી ‘મહાભારત’ તેમનું એક અમર અને અણમોલ સર્જન છે. આ માટે ચોપરાને ખૂબ યશ, ધન અને નામના મળ્યાં છે. તેમને ‘કાનૂન’ના દિગ્દર્શન માટે ૧૯૬૨માં ‘ફિલ્મફેર ઍવૉર્ડ, ૨૦૦૮માં ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા હતા. ૨૦૦૧માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંજના ભગવતી