દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી.
દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક. લંબાઈ ૨,૮૯૭ કિમી.. કુલ સ્રાવવિસ્તાર ૧૧,૬૫,૫૦૦ ચોકિમી.. તે માનસરોવર નજીકના લાંગા સરોવરના ૪,૮૭૫ મીટર ઊંચાઈ ધરાવતા ઉત્તર ભાગમાંથી નીકળે છે. અહીંથી તે વાયવ્ય તરફ ૩૨૦ કિમી. જેટલું અંતર કાપી; અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, લદ્દાખના પાટનગર લેહથી ૨૦ કિમી. અંતરેથી પસાર થાય છે. અહીં તેને ઝાસ્કર નદી મળે છે. ત્યારબાદ ત્યાંથી ૨૪૦ કિમી. સુધી વહે છે. ત્યાં તેના જમણા કાંઠે શ્યોક, શિગાર, હુંઝા, ગિલગિટ, અસ્તોર વગેરે નદીઓ પણ મળે છે.

સિંધુ નદી
કાશ્મીરની પશ્ચિમ સરહદના વટાવ્યા પછી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. અહીં નંગા પર્વતની હારમાળામાં આ નદીએ ૩,૦૦૦ મીટર ઊંડું અને ૨૦થી ૨૫ કિમી. પહોળું કોતર કોરી કાઢેલું છે. અહીં તેણે ૧,૫૦૦ મીટર જેટલો ઢાળ તૈયાર કર્યો છે. અટક પાસે તેને કાબુલ નદી મળે છે તથા પશ્ચિમ તરફથી આવતી ઝોબ, સાંગાર, રાકની, કુર્રમ, ટોચી અને ગોમલ જેવી નાની નદીઓ મળે છે. અહીંના ૬૦૦ મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં તેના પર સર્વપ્રથમ રેલમાર્ગ-સડકમાર્ગ ધરાવતો પુલ આવેલો છે. અહીંથી તે પશ્ચિમ તરફ ફંટાય છે. ત્યારબાદ કાલાબાઘ નજીક પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશે છે, ત્યાં તેને પૂર્વ કાંઠે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓ એક પછી એક મળતી જાય છે, ત્યાર બાદ તે ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થતી હોવા છતાં તેને પાંચ નદીઓનો પુરવઠો મળતો હોવાથી વિશાળ પટવાળી બની રહે છે. ત્યારબાદ કાંપ અને રેતીના થર પથરાતા જતા હોવાથી તેનો પ્રવાહ-વેગ ઘટતો જાય છે અને મેદાની સ્વરૂપ રચાતું જાય છે. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે પૂર્વ કિનારા તરફ કાંપજમાવટ થતી રહે છે અને વહનમાર્ગ બદલાતો જાય છે. સક્કર, ખૈરપુર અને હૈદરાબાદ વટાવ્યા પછી કરાંચીથી અગ્નિકોણમાં આવેલા ટટ્ટા પાસે તે પંજાકારે વહેંચાઈને આશરે ૩,૦૦૦ ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતા અસમતળ ત્રિકોણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. છેવટે તે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખત્રિકોણના બંને છેડા વચ્ચેની લંબાઈ આશરે ૨૦૮ કિમી. જેટલી બની રહે છે. ભરતી વખતે નદીનાળામાં પાછાં પડતાં પાણી અંતરિયાળ ભાગ તરફ ૮ કિમી.થી ૩૨ કિમી. સુધી ફેલાય છે.
જળજથ્થો – કાંપજથ્થો : સિંધુ નદી દર વર્ષે સરેરાશ આશરે ૧૧૧ અબજ ઘનમીટર જળજથ્થો સમુદ્રમાં ઠાલવે છે. એ જ રીતે તેમાં ઉપરવાસમાંથી આવતું ઘનદ્રવ્ય જે હૈદરાબાદની દક્ષિણે ઠલવાય છે, તેનો અંદાજ દરરોજનો ૧૦ લાખ ટન જેટલો મુકાયેલો છે. વસવાટ : ૪,૦૦૦ વર્ષ અગાઉની મોહેં-જો-દડોની સંસ્કૃતિ આ નદીને કાંઠે વિકસી હતી. તેથી તેના ‘સિંધુ’ નામ પરથી ‘હિંદુ’ શબ્દ આવેલો છે. તેના કાંઠા પર આજે કરાંચી, હૈદરાબાદ, કોટરી, સેહવાન સક્કર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઇલખાન, મુલતાન અને અટક જેવાં શહેરો વસેલાં છે. કરાંચી તે પૈકીનું મોટું શહેર, વેપારીમથક અને કુદરતી બારું છે.
ગિરીશભાઈ પંડ્યા
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ (નદી),
પૃ. ૨૦૮)