Categories
વાચન સમૃદ્ધિ

બાબુભાઈ પ્રાણજીવન વૈદ્ય

જ. 23 જુલાઈ, 1909 અ. 12 ડિસેમ્બર, 1979

ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર બાબુભાઈ વૈદ્યનો જન્મ દ્વારકામાં થયો હતો. તેમના પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં થયું હતું. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો પણ વચ્ચે એક વર્ષ વડોદરાની કૉલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1929માં પિતામહનું અવસાન થતાં તેમનું ઔષધાલય પણ તેઓ અભ્યાસની સાથે ચલાવતા હતા. અભ્યાસનાં વર્ષોમાં સત્યાગ્રહની લડતમાં પ્રભાવશાળી ભાષણો કરી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 1930થી 1943માં જેતપુરની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા. તેઓ એક સારા વક્તા પણ હતા.

વ્યવસાયે વૈદ્ય અને રાજકીય-સામાજિક કાર્યકર હોવા છતાં તેમણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું લેખનકાર્ય જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજના મુખપત્રથી શરૂ થયું. તેમણે 1937થી ‘ફૂલછાબ’માં ગ્રંથાવલોકનો લખવાં શરૂ કર્યાં અને 1943માં ‘ફૂલછાબ’ દૈનિકના સહતંત્રી તરીકે જોડાયા. 1945માં એમણે સંપાદક મેઘાણી સાથે ‘ફૂલછાબ’ છોડ્યું અને 1946માં મુંબઈમાં ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. 1947માં રાજકોટથી ‘જયહિન્દ’ નામે દૈનિક શરૂ થતા એના આદ્યતંત્રી બન્યા. તેમણે વાર્તાસંગ્રહ, નાટકો અને જીવનચરિત્રોનાં અનેક પુસ્તકો લખ્યાં છે – ‘અ. સૌ. વિધવા’, ‘નિરાંતનો ઓટલો’, ‘મા વિનાનાં’, ‘રોતી ઢીંગલી’ અને ‘રાણકદેવી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. મોટેભાગે કુટુંબજીવનની ઘટના પ્રધાન વાર્તાઓ આ સંગ્રહોમાં છે. ‘એ……આવજો’ અને ‘પ્રેરણા’ તેમનાં મૌલિક નાટકો છે. આ ઉપરાંત ઇબ્સનનાં નાટકોના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘નંદબાબુ’, ‘ઉપમા’ ‘ગોદાવરી’, ‘વિશ્વામિત્ર’ જેવી નવલકથાઓ પણ તેમણે લખી છે. ‘રેતીમાં વહાણ’ એમનું સંસ્મરણોનું પુસ્તક છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં પણ તેમનો મહત્ત્વનો ફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના બોર્ડના મંત્રી હતા. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યના તેઓ અપક્ષ ધારાસભ્ય હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મનુભાઈ મહેતા

જ. 22 જુલાઈ, 1868 અ. 14 ઑક્ટોબર, 1946

વડોદરા અને બિકાનેર રાજ્યના દીવાન અને પ્રાધ્યાપક મનુભાઈ મહેતાનો જન્મ સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા નંદશંકર અને માતા નંદા ગૌરી. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક નંદશંકર મહેતાના તેઓ પુત્ર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં થયું હતું. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી એમ.એ. અને એલએલ.બી. થયા. તેમણે 1891થી 1899 સુધી તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. 1899થી 1906 સુધી બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના ખાનગી સચિવ, 1914થી 1916 સુધી મહેસૂલમંત્રી અને 1916થી 1927 સુધી રાજ્યના મુખ્ય દીવાન તરીકે કાર્ય કર્યું હતું. તેઓ વડોદરાના ઘડતરના મુખ્ય શિલ્પીઓમાંના એક હતા. 1927માં બિકાનેર રાજ્યના સલાહકાર મંડળમાં રહ્યા ત્યાર બાદ તેઓ ગ્વાલિયર રાજ્યના ગૃહમંત્રી અને રાજકીય મંત્રી બન્યા. તેમણે બિકાનેર રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિવય 55થી વધારીને 58 વર્ષ કરી. તેઓ લંડનમાં યોજાયેલી ત્રણ ગોળમેજી પરિષદમાં ભારતીય રજવાડાંઓના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં બંધારણીય સુધારાના અમલ માટેની સંસદીય સમિતિના સભ્ય હતા. તેમણે ચેમ્બર ઑફ પ્રિન્સેસ દ્વારા સમગ્ર રજવાડાંઓમાં બંધારણીય અને લોકશાહી સુધારાઓ માટે પ્રયત્ન કર્યો હતો જે ‘મહેતા વ્યૂહરચના’ તરીકે જાણીતી બની. 1940 સુધીમાં લગભગ બધા મોટાં રજવાડાંઓએ કેટલાક સુધારાઓ અપનાવ્યા હતા. તેમણે ‘હિંદ, રાજસ્થાન એન્ડ ઍનૅલ્સ ઑવ ધ નેટિવ સ્ટેટ્સ’ અને ‘પુરાવાના કાયદાના સિદ્ધાંતો’ એમ બે પુસ્તકો લખ્યાં છે. તેમની વહીવટી કુશળતા બદલ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ તેમને ‘ઉદયાદિત્ય’, બ્રિટિશ સરકારે તેમને ‘સર’ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આનંદ બક્ષી

જ. 21 જુલાઈ, 1930 અ. 30 માર્ચ, 2002

હિન્દી ફિલ્મજગતના ખ્યાતનામ કવિ-ગીતકાર આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડી, પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ ભારતના ભાગલા સમયે એમના પરિવારે જીવ બચાવીને દિલ્હી ભાગી આવવું પડ્યું હતું. કવિતા લખવાનો શોખ આનંદ પ્રકાશ બક્ષીને કિશોર વયથી હતો. થોડો સમય ભારત નેવીમાં તથા ત્યાંથી ભારતીય આર્મીમાં કામ કર્યું, પરંતુ એમના કવિજીવને બંધનયુક્ત કામ માફક ન આવ્યું અને મુંબઈ જઈને ફિલ્મજગતમાં પ્રયત્ન કરવાનું સપનું જોયું. શરૂઆતનો સમય ઘણો સંઘર્ષમય રહ્યો. દરમિયાન અભિનેતા ભગવાન દાસને મળવાનું બન્યું. એમના નિર્માણમાં બનતી ફિલ્મ માટે તાત્કાલિક ગીતો લખી આપવાનો પડકાર સ્વીકારીને આનંદ બક્ષીએ ત્યાં બેઠા બેઠા ચાર ગીતો લખી આપ્યાં. આમ ‘ભલા આદમી’ ફિલ્મ સાથે આનંદ બક્ષીનું હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ થયું. એમની ગીતકાર તરીકેની કારકિર્દી સાડાચાર દાયકાથી વધુ ચાલી. આ શબ્દયાત્રામાં નિસાર બાઝમીથી અનુમલિક સુધી તમામ સંગીતનિર્દેશકો સાથે કામ કર્યું. 300 ફિલ્મોમાં 6000 ગીતો લખ્યાં. કવિતાના માધ્યમથી સમાજને સાહિત્ય સાથે જોડનાર આનંદ બક્ષીની કલમે લખાયેલાં ગીતો ફિલ્મની વાર્તા તથા પ્રસંગોની માંગને ધ્યાનમાં રાખીને લખાયાં છતાં એની ગુણવત્તા ભાવકોના હૃદયને સ્પર્શી જતી. હિમાલય કી ગોદ મેં, જબજબ ફૂલ ખીલે, હરે ક્રિશ્ના હરે રામ, સત્યમ્ શિવમ્ સુંદરમ્, શોલે, શક્તિ, વિધાતા, આરાધના, મેરા ગાંવ મેરા દેશ વગેરે ફિલ્મોમાં આનંદ બક્ષીલિખિત પ્રત્યેક ગીત ભાવકોના મન પર તરત જ અંકિત થઈ જતું. ગીતલેખનના પ્રથમ પુરસ્કાર રૂપે ચાર ગીતોના 150 રૂપિયા પ્રાપ્ત થયા હતા. 1954માં કમલા બક્ષી સાથે તેમણે લગ્ન કર્યાં. એમને ચાર સંતાનો હતાં. પૌત્ર આદિત્ય દત્તા ફિલ્મજગતમાં દિગ્દર્શક તરીકે કાર્યરત છે. એમના લેખનના કાર્યકાળ દરમિયાન એમને ચાર વખત ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. 2002માં હૃદય અને ફેફસાંની બીમારીને કારણે એમનું અવસાન થયું. આનંદ બક્ષી એમનાં ગીતો દ્વારા આજે પણ ભાવકોના હૃદયમાં જીવંત છે.