Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમ ધવન

જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001

દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ્ય પ્રમાણપત્રો

વિશ્વના મહાન નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયૉ ટૉલ્સ્ટૉય(જ. ઈ. સ. 1828, અ. ઈ. સ. 1910)ને એમના મિત્રએ મીઠો ઉપાલંભ આપતાં કહ્યું કે મેં નોકરી માટે મારા એક પરિચિતને તમારી પાસે મોકલ્યો હતો. એની પાસે અનેક ઊંચી પદવીઓ હતી. અભ્યાસમાં એની કારકિર્દી પણ અત્યંત તેજસ્વી હતી. આટલાં બધાં પ્રમાણપત્રો ધરાવતો હોવા છતાં તમે એમની પસંદગી કરી નહીં. એ તો ઠીક, પરંતુ તમે એ સ્થાન માટે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે કોઈ ઊંચી પદવી નહોતી કે કોઈ વિશાળ અનુભવ નહોતો, તો મારે જાણવું એ છે કે તમે શા માટે મારા સૂચનનો અનાદર કર્યો અને પદવીધારી યુવાનને નોકરી આપી નહીં? લિયૉ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘મેં જેની પસંદગી કરી, તેની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એવાં પ્રમાણપત્રો કે જે કૉલેજ કે યુનિવર્સિટી દ્વારા મળ્યાં ન હોય; પરંતુ જીવનની પાઠશાળામાંથી મેળવેલાં હોય.’ ટૉલ્સ્ટૉયનો મિત્ર મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું, ‘મને તો એવી કોઈ જીવનની પાઠશાળાની ખબર નથી કે જે આવાં પ્રમાણપત્રો આપતી હોય.’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘જુઓ, તમે જે વ્યક્તિને મોકલી હતી, એણે પ્રવેશતાંની સાથે જ ધડાધડ પોતાનાં પ્રમાણપત્રો બતાવવા માંડ્યાં, પોતાને વિશે મોટી બડાશ હાંકવા લાગ્યો. તમારી સિફારિશનો પણ ઉલ્લેખ કર્યો અને જાણે ઉપકાર કરતો હોય એ રીતે એણે કહ્યું કે તમે મને નોકરીમાં રાખશો, તો તમને ઘણો લાભ થશે.’ મિત્રએ પૂછ્યું, ‘તમે જેને નોકરીમાં રાખ્યો, એણે શું કર્યું ?’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘ખંડમાં પ્રવેશતાં પૂર્વે એણે અમારી પરવાનગી માગી. બારણું અથડાય નહીં એ રીતે એને ધીમેથી બંધ કર્યું. એનાં કપડાં સામાન્ય હતાં; પરંતુ અત્યંત સ્વચ્છ હતાં. અમારી રજા માગીને એ ખુરશી પર બેઠો અને આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવાબો વ્યવસ્થિત અને સચ્ચાઈપૂર્ણ હતા. એનામાં પ્રગતિ કરવાની એક ધગશ હતી. આવી ગુણસંપન્ન વ્યક્તિની પાસે કોઈની સિફારિશ કે મોટી મોટી પદવીઓ ન હોય તેથી શું ? હવે તમે જ કહો કે મેં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી ને.’

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર ગાંધી

જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.