Categories
વાચન સમૃદ્ધિ

જાગેલા રાજાનો ચુકાદો

ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા ફિલિપ દ્વિતીય (ઈ. સ. પૂ. 382થી ઈ. સ. પૂ. 336) ગાદી પર આવ્યા પછી ગ્રીસનાં મોટા ભાગનાં રાજ્યો પર વિજય હાંસલ કર્યો.

એક વાર સિકંદરના પિતા રાજા ફિલિપ ન્યાયાલયમાં બેસીને મુકદ્દમાને સાંભળતા હતા. બંને વ્યક્તિ પોતપોતાનો પક્ષ પ્રસ્તુત કરતી હતી. બન્યું એવું કે એમાંની પહેલી વ્યક્તિ જ્યારે એની વાત રજૂ કરતી હતી, ત્યારે રાજા ફિલિપને ઝોકું આવી ગયું. પરિણામે તેઓ પહેલી વ્યક્તિની વાત પૂરી સાંભળી શક્યા નહીં અને એ ઊંઘમાંથી જાગ્યા ત્યારે બીજી વ્યક્તિ પોતાનો પક્ષ પ્રભાવક રીતે રજૂ કરતી હતી. રાજા ફિલિપે એની દલીલનો સ્વીકાર કરીને એના પક્ષમાં ન્યાય આપ્યો. એમણે પહેલી વ્યક્તિને સજા ફરમાવી, ત્યારે એ વ્યક્તિએ કહ્યું, ‘હું આપના નિર્ણય સાથે સહમત નથી અને આપને આપના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાની વિનંતી કરું છું.’ આ શબ્દોએ ન્યાયસભામાં સન્નાટો ફેલાવી દીધો. કોઈએ પહેલી વાર પ્રતાપી રાજા ફિલિપના ન્યાયની સામે અવાજ ઉઠાવ્યો હતો. ન્યાયાલયમાં ઉપસ્થિત નગરજનોને લાગ્યું કે હવે રાજા ફિલિપ એમના ચુકાદાનો વિરોધ કરવા માટે એને સખત સજા કરશે. કિંતુ એને બદલે એમણે એ વ્યક્તિને વળતો પ્રશ્ન પૂછ્યો, ‘તમે પુનર્વિચાર કરવાનું શા માટે કહો છો?’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘મહારાજ, હું તો માત્ર સૂઈ ગયેલા રાજાના નિર્ણયની સામે જાગેલા રાજાને પુનર્વિચાર કરવાનું કહું છું. હું જ્યારે મારો પક્ષ પ્રસ્તુત કરતો હતો, ત્યારે આપને જરા મીઠી ઊંઘ આવી ગઈ હતી અને તેથી તમે મારી પૂરી વાત સાંભળી શક્યા નથી. હવે આપ જાગી ગયા છો, ત્યારે ફરી એ વાત સાંભળો તેવી વિનંતી છે.’ એ વ્યક્તિની વાત સાંભળીને રાજા ફિલિપને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. એના પક્ષમાં સત્ય હોવાથી એને આરોપમુક્ત કર્યો અને બીજી વ્યક્તિને એની સજા સંભળાવી, અને સાથોસાથ રાજા ફિલિપે પહેલી વ્યક્તિની હિંમતને દાદ આપી.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. પૂ. 4 થી ઈ. સ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહનમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાયસંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા પણ સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે છે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યાર બાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

અસલી ચહેરાનો પ્રભાવ

અમેરિકાના નાનકડા ગામમાં વસતા જેન ઑટ્રીએ ગામડામાંથી શહેરમાં આવીને પહેલું કામ એ કર્યું કે ન્યૂયૉર્ક જેવા મહાનગરને છાજે એવી ભાષા બોલવાનો પ્રયાસ કર્યો. એની વાતચીતમાં આવી જતી ટેક્સાસ રાજ્યની બોલીની લઢણ સભાનપણે દૂર કરી. ગામડાનો પોશાક છોડીને મહાનગરના માનવીને શોભે એવો ઠસ્સાદાર પોશાક સજી-ધજીને પહેરવા લાગ્યો, એટલું જ નહીં પણ પોતે જાણે ન્યૂયૉર્કનો વતની છે એવી લોકોને પહેચાન આપવા લાગ્યો. ઑટ્રીએ એ પોતે નહોતો, એવા થવાનો પ્રયત્ન કર્યો. એણે માત્ર દેખાવ બદલ્યો નહીં, એથીય વિશેષ મધુર કંઠ ધરાવતા આ ગાયકે ગાવાનાં ગીતો પણ બદલી નાખ્યાં. ગામઠી સંગીતને તિલાંજલિ આપીને પ્રચલિત શહેરી સંગીતની નકલ કરવા લાગ્યો. એનું આવું અનુકરણ જોઈને કેટલાક જેન ઑટ્રીની મજાક ઉડાવતા હતા, કેમ કે ક્વચિત્ બોલચાલમાં કે વર્તણૂકમાં એનું ગામઠીપણું ડોકિયું કરી જતું. એ સહુની મશ્કરીનો ભોગ બનવા લાગ્યો અને વિશેષ તો શહેરમાં આવવા છતાં ગાયક તરીકે એની કોઈ ગણના થતી નહોતી. એક દિવસ જેન ઑટ્રીએ નક્કી કર્યું કે આવો શહેરી દેખાવ કે બાહ્ય આડંબર છોડી દેવો અને પોતે જે છે, તે રીતે દુનિયા સમક્ષ આવવું. આથી એણે પોતાની આગવી શૈલીમાં બેન્જો વગાડવાનું શરૂ કર્યું અને ગામડાંઓમાં ગવાતું કાઉ-બૉયનું સંગીત ગાવા લાગ્યો. બાળપણમાં એણે આ સંગીત ભરપૂર માણ્યું અને ગાયું હતું અને એ જ એની સાચી ઓળખ હતી. બન્યું એવું કે જેન ઑટ્રીનું કન્ટ્રીસાઇડ કાઉ-બૉય સંગીત ખૂબ લોકપ્રિય બન્યું અને ધીરે ધીરે એની ખ્યાતિ વધતી ગઈ, રેડિયો પર એ શ્રોતાજનોનો પ્રિય ગાયક બની ગયો અને ચલચિત્રોમાં પણ ગાયક તરીકે એના કાઉ-બૉય સંગીતે દર્શકોને ઘેલું લગાડ્યું.