Categories
વાચન સમૃદ્ધિ

સામે ચાલીને વિનાશ નોતરશો

નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતાના વતન જર્મનીમાં વસતા હતા. એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થયો અને હિટલરના નાઝીઓએ યહૂદી લોકો પર ભારે જુલમ આચર્યો. જર્મનીના નાઝી શાસને યહૂદી પ્રજા સામે એવો દુષ્પ્રચાર કર્યો કે અન્ય દેશોમાં પણ યહૂદીઓ અળખામણા બન્યા. એમના પર જાતજાતના અંકુશો મૂકવામાં આવ્યા. નાઝી પોલીસે આઇન્સ્ટાઇનના ઘરની જડતી લીધી અને એમના સંશોધનને લગતા કાગળોની હોળી કરી હતી. યહૂદી વિરોધી વાતાવરણને કારણે યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાભ્યાસ માટે યહૂદીઓને પ્રવેશ અપાતો નહીં. નિસર્ગમાં સંવાદિતાની ખોજ કરનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મુક્ત દેશ અને મુક્ત માનવીની ઝંખના હતી. વ્યાપક શાંતિવાદના તેઓ ચાહક હતા અને તેથી જર્મની અને  અન્ય દેશોમાં યહૂદીઓ પર થતા અત્યાચારો જોઈને એમને ભારે વેદના થતી હતી. આથી યહૂદીઓનો સ્વતંત્ર દેશ રચાય અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આગવી યુનિવર્સિટી સ્થપાય તેને માટે આઇન્સ્ટાઇને સહયોગ આપ્યો હતો. અંતે ઇઝરાયલ દેશમાં હિબ્રૂ યુનિવર્સિટીની સ્થાપના થઈ. 1952માં ઇઝરાયલના પ્રમુખ ડૉ. વાઇઝમાનના અવસાન બાદ આઇન્સ્ટાઇનને ઇઝરાયલનું પ્રમુખપદ ધારણ કરવા માટે વિનંતી કરવામાં  આવી, પણ એમણે એનો અસ્વીકાર કરતાં કહ્યું કે ‘રાજકારણમાં મને ફાવે નહીં.’ આઇન્સ્ટાઇને ઇઝરાયલ અને હિબ્રૂ યુનિવર્સિટીની સ્થાપનામાં સહયોગ આપવાની સાથોસાથ યહૂદીઓને સાચી વાત પણ કરી કે ધનસંપત્તિ કમાવામાં જીવનના આદર્શો ભૂલી જશો તો તમે તમારે હાથે જ તમારો વિનાશ નોતરશો.

Categories
વાચન સમૃદ્ધિ

અવરોધ ઓળંગીએ

ઇન્ડોનેશિયામાં વસતા સુકર્ણોના પિતા નિશાળમાં શિક્ષક હતા. એમનો પુત્ર સુકર્ણો એક દિવસ હઠ લઈને બેઠો કે એ કોઈ પણ સંજોગોમાં નિશાળે જવા માગતો નથી. એને નિશાળમાં સહેજે ગોઠતું નથી. શિક્ષક પિતાએ પુત્રને પ્રેમથી સમજાવવા કોશિશ કરી, ત્યારે સુકર્ણોએ કહ્યું, ‘આ નવી નિશાળમાં તો બધા મારી ખૂબ મજાક ઉડાવે છે. ઠઠ્ઠા-મશ્કરી કરે છે, મને પજવે છે.’ એના પિતાએ સમજાવ્યું, ‘નવી નિશાળમાં જઈએ ત્યારે આવું તો બને જ. થોડો સમય આવું રહેશે, પણ પછી બધા હળીભળી જશે અને તારા મિત્ર બની જશે.’ આમ છતાં નિશાળે જવાની અનિચ્છા ધરાવતા સુકર્ણોએ પુસ્તક નીચે પછાડ્યું. માતા-પિતાએ ખૂબ સમજાવ્યો, પણ બાળક સુકર્ણો તૈયાર ન થયો ત્યારે એના શિક્ષક પિતાએ અનુભવીની મદદ લેવાનું વિચાર્યું. એ અનુભવી સુકર્ણોને એક નાના ઝરણા પાસે લઈ ગયા અને એના વહેતા પ્રવાહની વચ્ચે એમણે એક મોટો પથ્થર ફેંક્યો અને સુકર્ણોને કહ્યું, ‘જો, આ પથ્થર વહેતા ઝરણાના પાણીમાં કેવો અવરોધ કરે છે ?’ બન્યું પણ એવું કે મોટા પથ્થરને કારણે પાણી અટકી ગયું, પરંતુ થોડા જ સમયમાં પોતાની ગતિથી પાણી વહેવા લાગ્યું અને પથ્થર પાણીમાં ડૂબી ગયો. એમણે સુકર્ણોને કહ્યું, ‘બેટા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધથી ગભરાવું જોઈએ નહીં. જો તો ખરો ! પાણી પણ અવરોધ પર વિજય મેળવીને કેવું આગળ વધી રહ્યું છે, જ્યારે તું માનવી થઈને મુશ્કેલીઓથી કેમ ગભરાય છે ?’ સુકર્ણોને આ વાત સ્પર્શી ગઈ. એણે બીજા દિવસથી નિશાળે જવાનો પ્રારંભ કર્યો. થોડાક સમયમાં એના સહાધ્યાયીઓ એના મિત્રો બની ગયા. સમય જતાં સુકર્ણો સ્નાતક થયો અને પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને ડચ સરકારની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને તે પછી બે દાયકા સુધી દેશના પ્રમુખ રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

શત્રુને મિત્ર

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન(ઈ. સ. 1809થી ઈ. સ. 1865)ના સમયમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યો. લિંકનની સમવાય સરકાર અને અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો વચ્ચેનો આ વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ઉત્તરનાં રાજ્યોએ અબ્રાહમ લિંકનને તત્કાળ લશ્કરી પગલાં ભરવાની માંગ કરી અને અમેરિકામાં ખેલાયેલું ‘ધ બૅટલ ઑવ બુલ’ નામનું ઘમસાણ યુદ્ધ વાસ્તવમાં એનો લોહિયાળ આંતરવિગ્રહ હતો. આ યુદ્ધકાળમાં લિંકનની માનવતા વધુ ઝળકી ઊઠી. આ સમયે લિંકન કાર્યાલયમાં આવતા હજારો પત્રો પર જાતે નોંધ લખતા અને એ અંગે જરૂરી પગલાંઓ માટે સૂચન કરતા. એક વાર એક મહિલાએ નોકરીની શોધમાં મદદરૂપ થવા પ્રમુખને વિનંતી-પત્ર લખ્યો, ત્યારે પ્રમુખ અબ્રાહમ લિંકને તેની કામ કરવાની તૈયારીને પ્રોત્સાહન આપ્યું. પોસ્ટમાસ્તર જેવી સામાન્ય નિમણૂકો જાતે રસ લઈને કરતા. જાતે પોતાના બૂટની પૉલિશ કરતા અને રોજ એકાદ કલાકથી વધુ સમય નાગરિકોને મળવા પાછળ ફાળવતા. અબ્રાહમ લિંકને ગુલામી પ્રથાની નાબૂદીની ઘોષણા કરતાં ચાળીસ લાખ ગુલામો મુક્ત થયા અને યુદ્ધની બાજી પલટાવા લાગી. અનાથ બાળકો, નોંધારી વિધવાઓ અને લશ્કરી છાવણીમાં રહેલા યુદ્ધકેદી જવાનો પ્રત્યે અપાર સહાનુભૂતિ રાખતા. દરેકને માટે વ્યક્તિગત ધોરણે કંઈક કરી છૂટતા. તેઓ કહેતા, ‘અંતે તેઓ પણ આપણા જેવા સંવેદનશીલ માનવીઓ છે. યુદ્ધમાં પણ મર્યાદાની એક રેખા હોવી જોઈએ. એમાં ક્રૂર કે નિર્દય બનવાનું ન હોય.’ અબ્રાહમ લિંકનની આવી વાત સાંભળીને એક વૃદ્ધા ઉશ્કેરાઈ ગઈ. એણે કહ્યું, ‘પ્રમુખ, તમે તે કેવા છો ? જે શત્રુઓનો વિનાશ કરવો જોઈએ, એમની સાથે માનવતાભર્યો વ્યવહાર રાખવાની વાત કરો છો !’ અબ્રાહમ લિંકને વૃદ્ધાના ચહેરા પરના ઉશ્કેરાટને હસીને અળગો કરતાં કહ્યું, ‘મેડમ, એમને મિત્ર બનાવીને હું શત્રુઓનો વિનાશ કરું છું.’