Categories
વાચન સમૃદ્ધિ

સાદા જીવનનું આશ્વાસન

એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી. વળી દુશ્મનો  પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી. અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, ‘હે માતા ! તમે જીવનમાં અપાર દુઃખો વેઠ્યાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.’ આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુઃખી અને દારિદ્રયના દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ‘આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

પંદર કલાકનો પદાર્થપાઠ

અમેરિકન નૌકાદળની ‘બાયા એસ.એસ.318’ નામની સબમરીનમાં 1945ના માર્ચમાં રોબર્ટ મૂર એના બીજા સાથી 88 સૈનિકો સાથે 376 ફૂટ નીચે પાણીમાં  પસાર થતો હતો. એ સમયે ટેલિસ્કોપથી જોતાં જાણ થઈ કે જાપાનનાં ત્રણ યુદ્ધજહાજો એમના તરફ ધસી રહ્યાં છે. અમેરિકન સબમરીને ત્રણ ટોરપીડો છોડીને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યાંત્રિક ખામીને કારણે અમેરિકન ટોરપીડો નિષ્ફળ ગયા. એવામાં આકાશમાં ઊડતા જાપાની વિમાનનો સંકેત પ્રાપ્ત કરીને જાપાનના નૌકાદળના રક્ષક જહાજે સબમરીનની જગાને શોધી કાઢી. એ સમયે સબમરીનનો સહેજે અવાજ ન સંભળાય તે માટે પંખા, કૂલિંગ સિસ્ટમ તેમજ ઇલેક્ટ્રિક ગિયર બંધ કરી દીધાં. બધા હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા અને સબમરીનને ચારે તરફથી બંધ કરી દીધી. ત્રણેક મિનિટ બાદ જાપાની જહાજમાંથી બૉમ્બ ફેંકાયા એટલે તત્કાળ સબમરીન 276 ફૂટ નીચે લઈ જવામાં આવી. જાપાનના હુમલાખોર જહાજે પંદર કલાક સુધી બૉમ્બ ઝીંક્યે રાખ્યા. જો આમાંથી એક પણ બૉમ્બ 17 ફૂટ નજીક પડ્યો હોત, તો સબમરીનમાં કાણું પડી જાત. આ પંદર કલાકમાં સામે મોત દેખાતાં રોબર્ટ મૂરના મનમાં ગત જીવનના અનેક અનુભવો પસાર થઈ ગયા. ઓછો પગાર, બૉસનો વિચિત્ર સ્વભાવ, પત્ની સાથેના કલહ-કંકાસ એ બધી વાતો યાદ આવી અને થયું કે હું કેવી નાની નાની બાબતો માટે ચિંતા સેવતો અને ઝઘડતો હતો. એ સમયે મૃત્યુની સન્મુખ ઊભેલા રોબર્ટ મૂરને અફસોસ થયો કે જીવન તો કેવું અતિ મૂલ્યવાન છે. આવી નાની નાની ચિંતાઓનું એમાં સ્થાન ન હોવું જોઈએ. એને અફસોસ થયો કે કેવી કેવી ચિંતાઓ અને ભાવો સેવીને મેં મારા જીવનને વ્યર્થ અને વામણું બનાવી દીધું. કેટલીય અર્થહીન બાબતો માટે બીજી વ્યક્તિ સાથે, સમાજ સાથે અથડામણમાં ઊતર્યો. રોબર્ટ મૂરે પોતાની જાતને વચન આપ્યું કે જો હું જીવતો બહાર નીકળીશ તો હું ક્યારેય ચિંતા નહીં કરું. સદ્ભાગ્યે રોબર્ટ મૂરની એ સબમરીન જાપાનના યુદ્ધજહાજોના હુમલામાંથી હેમખેમ બચી ગઈ, પણ કટોકટીના પંદર કલાકે રોબર્ટ મૂરને જીવન જીવવાની ચાવી આપી દીધી.