Categories
વાચન સમૃદ્ધિ

સામતા પ્રસાદ

જ. 20 જુલાઈ, 1921 અ. 31 મે, 1994

બનારસ(ઉત્તરપ્રદેશ)ના તબલા અને પખાવજના બોલ અને ઠેકાની લયમાં મગ્ન પરિવારમાં સામતા પ્રસાદનો જન્મ થયો હતો. તેમની પ્રારંભિક તાલીમ પિતા હરિ સુંદર (બચા મિશ્રા) પાસે શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર સામતા પ્રસાદે બિક્કુ મહારાજને ગુરુપદે સ્થાપ્યા અને ઘણા કલાકો સુધી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 1942માં ‘અલાહાબાદ સંગીત સંમેલન’માં એકલવાદક કલાકાર તરીકે તેમણે ત્યાં હાજર સંગીતકારો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના આ પ્રથમ જાહેર કાર્યક્રમના પગલે તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ભારતમાં કૉલકાતા, મુંબઈ, લખનઉ, ચેન્નાઈ વગેરે સ્થળોએ તેમણે કાર્યક્રમો કર્યા હતા. ‘ઝનક ઝનક પાયલ બાજે’ (1955), ‘બસંત બહાર’ (1956), ‘મેરી સૂરત તેરી આંખે’ (1963), ‘શોલે’ (1975) વગેરે જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં તેમણે તબલાં વગાડ્યાં હતાં. ફ્રાન્સ, રશિયા અને એડિનબર્ગ જેવાં સ્થળોએ તેમણે ભારતીય સાંસ્કૃતિક જૂથનું પ્રતિનિધિત્વ કરતા કાર્યક્રમો કર્યા હતા. પ્રખ્યાત સંગીતકાર રાહુલ દેવ બર્મન અને બપ્પી લાહિરી તેમના જ શિષ્યો હતા. પંડિત કુમારલાલ મિશ્ર (પુત્ર), પંડિત ચંદ્રકાંત કામત, પંડિત માણિકરાવ પોપટકર વગેરે પણ તેમની પાસે કેળવાયા હતા. સંગીત નાટક અકાદમી પુરસ્કાર(1979)થી નવાજવામાં આવેલ આ તબલા સમ્રાટને 1987માં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી (1972), પદ્મભૂષણ(1991)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

બાલાઈચાંદ મુખોપાધ્યાય ‘બનફૂલ’

જ. 19 જુલાઈ, 1899 અ. 9 ફેબ્રુઆરી, 1979

બંગાળના સુપ્રસિદ્ધ લેખક, ડૉક્ટર અને ‘બનફૂલ’ના ઉપનામથી જાણીતા બાલાઈચંદનો જન્મ બિહારના કટિહાર જિલ્લાના મનિહારી ગામમાં થયો હતો. માતા મૃણાલિની દેવી અને પિતા સત્યચરણ. પ્રારંભિક શિક્ષણ મનિહારીમાં લીધું. 1918માં સાહેબગંજની રેલવે હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થયા. શાળામાં તેમણે ‘વિકાસ’ નામની હસ્તલિખિત પત્રિકા શરૂ કરી હતી. હજારીબાગની કૉલેજમાંથી આઈ.એસ.સી. પાસ કરી. પછી મેડિકલનો અભ્યાસ કર્યો. થોડો સમય ખાનગી નોકરી કરીને તેઓ આજિમગંજની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર બન્યા. એ નોકરી છોડી તેઓ ભાગલપુર આવ્યા અને ત્યાં પૅથૉલૉજી લૅબોરેટરી શરૂ કરી. ત્યાં 40 વર્ષ રહી 1968માં કૉલકાતામાં આવીને વસ્યા. તેમણે 65 વર્ષ સુધી લેખનકાર્ય કર્યું. તેમણે 586 વાર્તાઓ, 60 નવલકથાઓ, 15 નાટકો, હજારો કવિતાઓ-લેખોથી બંગાળી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બંગાળી સાહિત્યમાં લઘુકથા સ્વરૂપને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. તેમની કૃતિઓ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ પામી છે. ‘નિરંજના’, ‘ભુવન સોમ’, ‘મહારાણી’, ‘અગ્નિશ્વર’, ‘કૃષ્ણપક્ષ’ નવલકથાઓ; ‘પ્રતિબાદ’, ‘બહુલો’, ‘બોનોફુલર ગોલ્પો’, ‘બોનોફુલર આરો’ નવલિકાસંગ્રહો; ‘અંગારપર્ણી’, ‘ચતુર્દશી’, ‘કરકમલેષુ’, ‘સુરસપ્તક’ કાવ્યસંગ્રહો; ‘શિક્ષાર ભિત્તિ’, ‘ઉત્તર’, ‘મનન’ નિબંધસંગ્રહો; ‘વિદ્યાસાગર’, ‘મંત્રમુગ્ધ’, ‘રૂપાન્તર’ નાટકો અને ‘છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ’, ‘છોટોદેર ભાલો ભાલો ગલ્પ’ બાળસાહિત્ય તેમની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. વિદ્યાર્થીજીવનના વૈદકીય અનુભવો ‘તૃણખંડ’માં આલેખ્યા છે. તેમની નવલકથાઓ પરથી હિન્દી અને બંગાળીમાં ફિલ્મો બનાવવામાં આવી છે. ‘અગ્નિશ્વર’, ‘ભુવન સોમ’, ‘એકટિ રાત’, ‘આરોહી’, ‘અર્જુન પંડિત’, ‘તિલોત્તમા’ વગેરે ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. ‘અર્જુન પંડિત’ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ લેખકનો પુરસ્કાર, ‘આરોહી’ની શ્રેષ્ઠ વાર્તા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમને 1951માં શરત સ્મૃતિ પુરસ્કાર, 1962માં રવીન્દ્ર પુરસ્કાર, 1975માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નવલકથાના નામ પરથી સહરસાથી કૉલકાતા જતી એક ટ્રેનનું નામ ‘હાટે-બાજારે એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. તેમની 100મી જયંતી પર ભારત સરકારે ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

કાદંબિની ગાંગુલી

જ. 18 જુલાઈ, 1861 અ. 3 ઑક્ટોબર, 1923

ભારતનાં પ્રથમ મહિલાસ્નાતક અને પ્રથમ મહિલાડૉક્ટર કાદંબિની ગાંગુલીનો જન્મ ભાગલપુર બિહારમાં થયો હતો. તેમના પિતા વ્રજકિશોર બાસુ જમીનદાર હતા. તેઓ ઉદાર વિચારધારા ધરાવતા હોવાથી તે સમયના સામાજિક રૂઢિ-રિવાજ વિરુદ્ધ કાદંબિનીને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું. તેણે પ્રાથમિક શિક્ષણ બંગા મહિલા વિદ્યાલયમાં લીધું હતું. 1878માં કૉલકાતા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં હતાં. બેથુને કૉલેજ કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા બન્યાં હતાં. 1886માં કૉલકાતા મેડિકલ કૉલેજમાંથી પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્રમાં ડિગ્રી મેળવનાર પણ તેઓ પ્રથમ મહિલા હતાં. 1893માં તેઓ ચિકિત્સાક્ષેત્રે વધુ અભ્યાસ માટે યુનાઇટેડ કિંગ્ડમ ગયાં. પાછાં ભારત આવ્યાં બાદ લેડી ડફેરન હૉસ્પિટલમાં થોડો સમય કામ કર્યા બાદ પોતાની ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. તેમને ભારત સહિત દક્ષિણ એશિયાના પ્રથમ મહિલા ફિઝિશિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. ભારત આવ્યાં બાદ તેમણે સંપૂર્ણ ધ્યાન સ્ત્રીરોગ અને મહિલાસ્વાસ્થ્ય પર કેન્દ્રિત કર્યું હતું. તે માટે તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પોતાની અભૂતપૂર્વ ચિકિત્સાકારકિર્દી ઉપરાંત તેઓ સામાજિક સુધારાના પ્રબળ સમર્થક હતાં. 1883માં તેમણે દ્વારકાનાથ ગાંગુલી સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં. તેમના પતિ સામાજિક કાર્યકર્તા, બ્રહ્મોસમાજના નેતા અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા. આથી કાદંબિની પણ સામાજિક કાર્યોમાં જોડાઈ ગયાં. 1898માં મદ્રાસ (ચેન્નાઈ) અધિવેશનમાં ભાગ લીધો અને કૉંગ્રેસ અધિવેશનમાં ભાષણ આપનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે કૉંગ્રેસ આયોજિત મહિલાસંમેલનમાં તથા 1914માં ગાંધીજીનાં સન્માન માટે આયોજિત સભામાં અધ્યક્ષપદ શોભાવ્યું હતું. તેમણે મજૂરોની સ્થિતિ સુધારવા તથા સ્ત્રીઓના અધિકારો વિશે જાગૃતિ લાવવા ખૂબ પ્રયાસો કર્યા હતા. કોલસાની ખાણોમાં કામ કરતી મજૂર સ્ત્રીઓના ઉત્કર્ષ માટે તથા સ્ત્રીઓને ન્યાય મળે તે માટે ખૂબ કામ કર્યું. તેમણે સમગ્ર જીવન રાજકીય શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ પાછળ સમર્પી દીધું. કાદંબિનીની જીવનકથા પરથી બંગાળમાં ટેલિવિઝન સિરિયલ પ્રસારિત કરવામાં આવી હતી.