જ. 4 જૂન, 1904 અ. 5 ઑગસ્ટ, 1992

લેખક, પર્યાવરણવિદ અને સમાજસેવી ભગત પૂરન સિંહનો જન્મ લુધિયાણા જિલ્લાના રાજેવાલ(રોહનો)માં થયો હતો. પિતા છિબ્બૂમલ્લ અને માતા મેહતાબ કૌર. બાળપણનું નામ રામજીદાસ હતું, પરંતુ તેમણે શીખ ધર્મ અપનાવ્યા પછી તેમનું નામ પૂરન સિંહ રાખવામાં આવ્યું. પિતાના અવસાન પછી તેમને ભણાવવા માટે માતાએ ઘરકામ કર્યાં. તેમણે દસમા ધોરણથી અભ્યાસ છોડ્યો. તેઓ લાહોરમાં હતા ત્યારે ગુરુદ્વારા દેહરાસાહિબમાં પ્રવેશનારના હાથ ધોવા પાણી પૂરું પાડતા, ગુરુદ્વારાનાં પ્રાણીઓની સંભાળ રાખવામાં અને રસોડામાં મદદ કરતા. તેઓ રસ્તામાં પડેલા પથ્થરો, કેળાંની છાણ, ખીલીઓ જેવી વસ્તુ ઉઠાવતા હતા જેથી વાહનો અને ચાલનારાઓને તકલીફ ન પડે. 1934માં તેમણે ગુરુદ્વારા દેહરાસાહિબના દ્વાર પર ત્યજાયેલા રક્તપિત્તથી પીડાતા ચાર વર્ષના શિશુની સારવાર કરી અને પોતાની પાસે રાખ્યું હતું. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે અમૃતસરના શરણાર્થી શિબિરમાં સેવા આપી. તેમણે બીમાર અને અપંગો માટે અમૃતસરમાં ઑલ ઇન્ડિયા પિંગલવારા ચૅરિટેબલ સોસાયટીની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેમણે પર્યાવરણને લગતાં પૅમ્ફ્લેટ્સ અને પુસ્તકોનું વિતરણ કર્યું. તેમણે પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી, પ્રવચનો આપ્યાં અને પુસ્તકો પણ લખ્યાં. તેમણે આજીવન ખાદીનો પ્રચાર કર્યો હતો. તેમણે કરેલાં ઉમદા કાર્યો બદલ ભારત સરકારે તેમને 1981માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. પરંતુ 1984માં ઑપરેશન બ્લૂ સ્ટાર પછી તેમણે તેમના મળેલા પુરસ્કારો અને ચંદ્રકો પરત કર્યા હતા. 1991માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમની સ્મૃતિમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. 2005માં ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાં ભગત પૂરન સિંહ ચૅરની સ્થાપના કરવામાં આવી. 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. ‘એહ જનમ તુમ્હારે લેખે’ નામની ફિલ્મમાં તેમને દર્શાવવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
