મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩૫o ૩૪’ ઉ. અ. અને ૬o ૦૦’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ છે. પ્રાંતનું ક્ષેત્રફળ ૧૧,૫૭૦ ચોકિમી. છે. તેની વસ્તી ૧૨,૭૫,૦૦૦ (૨૦૨૪, આશરે) છે.
જિબ્રાલ્ટરની સામુદ્રધુનીના પશ્ચિમ છેડે દેશના ઉત્તર કિનારે આવેલું આ આંતરરાષ્ટ્રીય બંદર છે. તે સ્પેનની મુખ્ય ભૂમિથી દક્ષિણે ૩૦ કિમી. અને કાસાબ્લાંકાથી ઈશાને ૩૫૪ કિમી. દૂર છે. તે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર છે અને લશ્કરી દૃષ્ટિએ તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. સમુદ્રકિનારાથી દક્ષિણે મેદાન અને રીફ પર્વતમાળાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવી આબોહવા ધરાવે છે. ઉનાળો સૂકો અને સમધાત હવામાન ધરાવે છે. શિયાળામાં ૬૧૦થી ૮૧૦ મિમી. વરસાદ પડે છે. માર્ગો તથા રેલવે દ્વારા ટેંજિર અન્ય પ્રવાસધામો તથા રબાત, કાસાબ્લાંકા, ફેઝ, મેકનેસ વગેરે અન્ય શહેરો સાથે અને દરિયાઈ માર્ગ દ્વારા સ્પેન, ફ્રાન્સ, ઇટાલી વગેરે દેશો સાથે જોડાયેલ છે. આંતરરાષ્ટ્રીય વિમાનઘર દ્વારા આફ્રિકા તથા યુરોપનાં મહત્ત્વનાં શહેરો સાથે તે સંકળાયેલું છે.

ટેંજિર શહેર
અહીં અનાજ, ખાંડ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત થાય છે, જ્યારે ગાલીચા, ફૉસ્ફેટ વગેરેની નિકાસ થાય છે. ટેંજિરના લોકો મુખ્યત્વે આરબ કે બર્બર છે. અરબી ઉપરાંત ત્યાં અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ અને બર્બર ભાષાઓ બોલાય છે. ઇતિહાસ : ટેંજિરની ઈ. સ. પૂ. ૧૫૦૦માં ફિનિશિયનોએ સ્થાપના કરી હતી. આ શહેર તેમનું વેપારી થાણું હતું. ત્યારબાદ કાર્થેજના લોકો અહીં વસ્યા હતા. રોમનો અહીં ઈ. સ. પૂ. ૮૨થી વસ્યા હતા. રોમનોએ તેને ટિનજિસ નામ આપ્યું હતું અને તે મૉરેટાનિયા ટિન્જિયાનાના રોમન પ્રાંતની રાજધાની હતું. રોમનોએ આશરે ઈ. સ. ૫૦૦ સુધી અહીં રાજ્ય કર્યું હતું. ત્યારબાદ તે વેન્ડાલ અને બાઇઝેન્ટીન શાસન નીચે હતું. ઈ. સ. ૭૦૫માં આરબોએ તે કબજે કર્યું હતું અને ૧૪૭૧ સુધી તે મુસ્લિમ શાસકોને કબજે હતું. ૧૪૭૧થી ૧૫૮૦ સુધી તે પોર્ટુગીઝોને અને ૧૫૮૦થી ૧૬૫૬ સુધી પોર્ટુગલ અને સ્પેનને તાબે હતું. ૧૬૬૨માં પોર્ટુગલની રાજકુંવરી કૅથેરાઇનને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલા સાથે પરણાવતાં તેને તે દાયજામાં આપવામાં આવ્યું હતું. અંગ્રેજો અહીં ૧૬૬૨થી ૧૬૮૪ સુધી રહ્યા હતા. ૧૬૮૪માં મોરોક્કોના સુલતાને ટેંજિર અને આસપાસનો પ્રદેશ કબજે કર્યો હતો. ઓગણીસમી સદી દરમિયાન ટેંજિર પરદેશી એલચીઓનું નિવાસસ્થાન બન્યું હતું. ૧૯૧૨માં મોરોક્કો ફ્રાન્સનું રક્ષિત રાજ્ય બનતાં અહીં ફ્રેન્ચ અસર વધી હતી. ટેંજિરનું વ્યૂહાત્મક મહત્ત્વ પિછાનીને ૧૯૨૩માં તે અને આસપાસના પ્રદેશ આંતરરાષ્ટ્રીય અંકુશ નીચે મુકાયા હતા. ૧૯૪૦ના જૂનમાં સ્પેને તેનો કબજો લીધો હતો. ૧૯૪૫માં ફ્રેન્ચ, બ્રિટન, યુ.એસ. તથા રશિયાએ ફરી તેનો કબજો લીધો હતો. ૧૯૫૬માં મોરોક્કો સ્વતંત્ર થતાં તેણે આ નગરનો કબજો લીધો હતો. ૧૯૬૮માં અમેરિકન યુનિવર્સિટીની અને ૧૯૭૧માં ઉત્તર આફ્રિકન યુનિવર્સિટીની ત્યાં સ્થાપના થઈ હતી. નગરમાં પંદરમી સદીનો કોટ, સત્તરમી સદીની મસ્જિદ અને જૂનો રાજમહેલ જોવાલાયક છે. ત્યાંના રાજમહેલનો સંગ્રહસ્થાન તરીકે ઉપયોગ થાય છે.
શિવપ્રસાદ રાજગોર
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી