Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ રોક્સબર્ગ

જ. 29 જૂન, 1751 અ. 18 ફેબ્રુઆરી, 1815

સ્કોટિશ તબીબ અને વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્સબર્ગનો જન્મ ક્રેગી નજીક આયરશાયર(Ayershire)માં થયો હતો. ભારતમાં વનસ્પતિશાસ્ત્રક્ષેત્રે આવેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ભારતીય વનસ્પતિવિજ્ઞાનના જનક (Father of Indian Botany) માનવામાં આવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ‘અંડરવુડ પૅરિસ’ શાળામાં લીધું. 1771માં મૅટ્રિક પાસ કર્યા બાદ તેમણે ડૉ. એલેકઝાન્ડર મોનરોના હાથ નીચે તબીબી શસ્ત્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જોન હોપના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1772માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાં સર્જન તરીકે ભારત આવ્યા. અહીં મદ્રાસ (ચેન્નાઈ) અને બીજાં કેટલાંક બંદરો પર પોતાની સેવાઓ આપી. 28 મે, 1776ના રોજ તેઓ ચેન્નાઈ મેડિકલ સર્વિસમાં સહાયક સર્જન તરીકે અને 1780માં મુખ્ય સર્જન તરીકે નિયુક્ત થયા. તેમને પ્રથમ ડૉક્ટરેટ(M.D.)ની ઉપાધિ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી મળી જ્યારે બીજી ડૉક્ટરેટની પદવી એબરડીનની મેરિશ્ચલ(Marischal) કૉલેજમાંથી પ્રાપ્ત થઈ. ભારતમાં રહી તેમણે વનસ્પતિ, છોડ, પર્ણ તથા જડીબુટ્ટીઓનો ગહન અભ્યાસ કર્યો. 1793માં તેઓને કૉલકાતાના શિવપુરમાં આવેલા રૉયલ બૉટનિકલ ગાર્ડનના અધિક્ષક નિયુક્ત કરાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પોતાનાં સંશોધનો માટે ભારતીય કલાકારોને અસંખ્ય વનસ્પતિઓનું ચિત્રીકરણ કરવાનું કામ સોંપ્યું. તેમણે વનસ્પતિની અનેક પ્રજાતિઓનું વર્ણન Icones Roxburghianeeમાં પ્રકાશિત કર્યું. તેમણે ભારતની હજારો વનસ્પતિઓની પ્રમાણભૂત માહિતી આપતો દસ્તાવેજ રજૂ કરી આધુનિક વનસ્પતિશાસ્ત્રનો પાયો નાંખ્યો. તેમણે ‘ફ્લોરા ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું જે ભારતીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓના જ્ઞાન માટેનો સૌપ્રથમ આધારભૂત દસ્તાવેજ ગણાય. 1791માં તેમને રૉયલ સોસાયટી ઑફ એડિનબરોના ફેલો બનાવવામાં આવ્યા. 1805માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ આર્ટસનો સુવર્ણચંદ્રક, 1803માં ભારતમાં વૃક્ષોના વિકાસ પરના સંશોધનો માટેનો સુવર્ણચંદ્રક અને 1814માં નોફોર્ડના ડ્યુક દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરાયા. તેમને અનેક મરણોત્તર સન્માનો પણ પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગા

હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા, (8) વિંધ્યવાસિની દુર્ગા અને (9) રિપુમારી દુર્ગાનો સમાવેશ થાય છે. આગમો જણાવે છે કે નીલકંઠી ધન અને સુખ આપે છે, ક્ષેમંકરી તંદુરસ્તી આપે છે, હરસિદ્ધિ ઇચ્છેલું ફળ આપે છે, જયદુર્ગા સિદ્ધિ આપે છે અને રિપુમારી દુર્ગા શત્રુઓનો સંહાર કરે છે. જ્યારે વારાહપુરાણમાં દુર્ગાનાં નવ રૂપોમાં (1) શૈલપુત્રી, (2) બ્રહ્મચારિણી, (3) ચંદ્રઘંટા, (4) કૂષ્માણ્ડા, (5) સ્કંદમાતા, (6) કાત્યાયની, (7) કાલરાત્રી, (8) મહાગૌરી અને (9) સિદ્ધિદાત્રીને ગણાવવામાં આવ્યાં છે. પરિણામે શાક્તો અને તાંત્રિકો દુર્ગાની એક મૂર્તિ કે બીજાક્ષર કેન્દ્રમાં સ્થાપી તેની આજુબાજુ ચાર દિશાઓમાં ચાર અને ચાર કોણોમાં ચાર મળીને કુલ નવ દુર્ગાની મૂર્તિઓ કે બીજાક્ષરો મૂકી દુર્ગાની પૂજા કરે છે. ભારતમાં ચૈત્ર અને આસોની નવરાત્રીમાં દિવસમાં ત્રણ વાર દુર્ગાની પૂજા થાય છે અને દુર્ગાસપ્તશતીનો પાઠ કરાય છે. આઠમે કે નવમે દિવસે દસમા ભાગના પાઠને હોમીને નવચંડી વગેરે કરવામાં આવે છે અને કોળા(કૂષ્માણ્ડ)નું બલિદાન આપવામાં આવે છે. વળી શાક્ત સંપ્રદાયમાં નવ વર્ષની ઉંમરની રોહિણી નામથી ઓળખાતી કુમારી કન્યાને દુર્ગા તરીકે પ્રત્યક્ષ પૂજવામાં આવે છે.

દુર્ગાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. દેવી-ભાગવત મુજબ દુર્ગ કે દુર્ગમ નામના અસુરનો સંહાર કરવાથી તેનું નામ દુર્ગા પડ્યું છે. જ્યારે માર્કણ્ડેયપુરાણ મુજબ મહિષાસુર, શુંભ, નિશુંભ વગેરે રાક્ષસોનો સંહાર દુર્ગાએ કર્યો છે. ખાસ કરીને મહિષાસુરમર્દિની દુર્ગાનું સ્વરૂપ અતિપ્રસિદ્ધ છે. એ નોંધપાત્ર છે કે ભારતમાં દુર્ગાનાં પ્રસિદ્ધ મંદિરો પર્વતનાં શિખરો પર આવેલાં છે. બંગાળમાં નવરાત્રિના દિવસોમાં દુર્ગામહોત્સવથી અનેરો ઉત્સાહ વ્યાપી રહે છે. કલાકારો મહિષાસુરમર્દિની દુર્ગાની વૈવિધ્યપૂર્ણ પ્રતિમાઓ બનાવે છે; તેમની પૂજા કરે છે અને અંતિમ દિવસે તેમનું હુગલી આદિ નદીઓમાં વિસર્જન કરે છે. ‘દુર્ગાકલ્પદ્રૂપ’માં દુર્ગાના આરાધના-ઉપાસના વિશે વિગતે માહિતી મળે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

રૉબર્ટ લેડલી

જ. 28 જૂન, 1926 અ. 24 જુલાઈ, 2012

પ્રસિદ્ધ અમેરિકી ભૌતિકવિજ્ઞાની અને દંતચિકિત્સક રૉબર્ટ લેડલીનો જન્મ ન્યૂયૉર્કમાં થયો હતો. ચિકિત્સાક્ષેત્રે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તથા દુનિયાનું સૌપ્રથમ માનવશરીર સી.ટી. (Computer Tomography) સ્કૅનરની શોધ માટે તેઓ ખ્યાતનામ છે. શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માતા-પિતા માનતાં કે એથી તેમને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત નહીં થાય. તેમણે તેમને દંતચિકિત્સક બનવા માટે આગ્રહ રાખ્યો. આથી 1948માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ડેન્ટલ સર્જરીની પદવી પ્રાપ્ત કરી અને 1950માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને પોતાની ઇચ્છાપૂર્તિ પણ કરી હતી. કોરિયન વૉર દરમિયાન થોડો સમય આર્મીમાં ડેન્ટલ સર્જન તરીકે કાર્ય કર્યા બાદ 1968માં જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. 1970માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ફિઝિયૉલૉજી, બાયૉફિઝિક્સ અને રેડિયોલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અનેક સંશોધનો કર્યાં હતાં. તેમનું સૌથી મોટું યોગદાન ACTA (Automatic computerized transverse axial)  એક્સ-રે સ્કેનરની શોધ હતી. લેડલી સમગ્ર માનવશરીરનાં અંગો સ્કેન કરવાનું મશીન બનાવી, ચિકિત્સા અને રેડિયોલૉજી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા. ચિકિત્સાવિજ્ઞાનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરનાર તેઓ શરૂઆતના અગ્રણીઓમાંના એક હતા. તેમણે ક્રોમોઝોમ વિશ્લેષણ માટે સ્વચાલિત ઉપાયો વિકસિત કર્યા. 1960માં તેમણે નૅશનલ બાયૉમેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન(NBRF)ની સ્થાપના કરી. લેડલીએ તેમની ટીમ સાથે પ્રોટીન અને ડી.એન.એ. અનુક્રમોને વ્યવસ્થિત કરવા માટે વિશાળ પાયે ડેટાબેઝ પ્રોટીન ઇન્ફર્મેશન રિસોર્સ(PIR)ના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 1990માં તેમને ‘નૅશનલ ઇન્વેન્ટર્સ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરાયા. 1997માં તેમને ‘નૅશનલ મેડલ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇનોવેશન’થી સન્માનિત કરાયા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલાં મશીનોની અનુકૃતિ (prototype) આજે પણ સ્મિથ્સોનિયમ ઇન્સ્ટિટ્યૂશનમાં જોવા મળે છે.