વૈશાખ સુદ ત્રીજની પવિત્ર મનાતી તિથિ – અક્ષયતૃતીયા.
અખાત્રીજને વણજોયું શુભ મુહૂર્ત લેખવામાં આવે છે; તેથી તે દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરાય તો તેમાં ફતેહ મળે તેવી શ્રદ્ધા લોકોમાં વ્યાપકપણે જોવા મળે છે. ‘અક્ષય’ એટલે ‘જેનો ક્ષય ન થાય તે’. આથી આ દિવસે શરૂ કરેલ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે એવી માન્યતા છે. તે દિવસે કરેલ દાન લેખે લાગે છે. તે દિવસે અનેક લોકો ‘પોતાની સમૃદ્ધિ વધશે’ તેવી ભાવનાથી સોનું કે તેનાં ઘરેણાં ખરીદે છે. અખાત્રીજને દિવસે જો રોહિણી નક્ષત્ર અને સોમવાર હોય તો તે વધુ શુભ ગણાય છે. આ દિવસે ઘણાં નવયુગલો લગ્નગ્રંથિથી બંધાય છે. હિંદુ અને જૈન કૅલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોય છે; તેથી તેમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય તો કોઈની વૃદ્ધિ પણ થાય છે; પરંતુ ‘અક્ષયતૃતીયા’ માટે વૈશાખ સુદ ત્રીજનો દિવસ નિયત જ રહે છે.

લક્ષ્મીજીનો સિક્કો, ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે.
પુરાણોમાં અખાત્રીજનો વિવિધ સંદર્ભોમાં ઉલ્લેખ છે. આ શુભ દિવસે વેદવ્યાસે ગણપતિ પાસે મહાભારત જેવો પવિત્ર ગ્રંથ લખાવવાની શરૂઆત કરી હતી. દ્રૌપદીનું ચીર-હરણ, યુધિષ્ઠિરને થયેલ અક્ષયપાત્રની પ્રાપ્તિ અને દ્વારિકામાં સુદામા-કૃષ્ણનું મિલન અને તે પછી તાંદુલ આરોગ્યા બાદ કૃષ્ણ દ્વારા સુદામાની ગરીબાઈનું નિવારણ – આ બધા પ્રસંગો પણ આજ દિવસે બન્યાનું નોંધાયું છે. ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે. વળી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની તથા દેવી અન્નપૂર્ણાની જન્મજયંતી આ દિવસે આવે છે. શંકર ભગવાનની કૃપાથી કુબેર અખાત્રીજના દિવસથી દેવોનો ખજાનચી બન્યો હતો. આથી કુબેરના, લક્ષ્મીયંત્રના પૂજનનું આ દિવસે મહત્ત્વ છે. પવિત્ર ગંગા નદીનું સ્વર્ગમાંથી અવતરણ પણ આ દિવસે થયું હતું. ત્રેતાયુગનો પ્રારંભ પણ આ દિવસથી થયો હતો. ચારધામની યાત્રા પણ દર વર્ષે આ દિવસથી શરૂ કરાતી હોય છે.
અખાત્રીજથી રથયાત્રાના રથ બનાવવાનું કામ પણ શરૂ થાય છે. બંગાળમાં આ દિવસે ગણેશ અને લક્ષ્મીદેવીની પૂજા કરી નવા ચોપડા લખવાની શરૂઆત કરાય છે. આ દિવસે ખેડૂતો (જેમ કે, ઓડિશાના, જાટ જાતિના વગેરે) ખેતીની શરૂઆત કરે છે.
અંજના ભગવતી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અખાત્રીજ, પૃ. 8)
